જીવનસાથી માનસિક રીતે અસ્વસ્થ હોય તો?

03 April, 2019 10:40 AM IST  |  | વર્ષા ચિતલિયા

જીવનસાથી માનસિક રીતે અસ્વસ્થ હોય તો?

પ્રતીકાત્મક તસવીર

થોડા દિવસ પહેલાં દહિસરની એક મહિલા અચાનક ગુમ થઈ ગઈ. તપાસ કરતાં માલૂમ પડ્યું કે રસોઈ બનાવવામાં મોડું થવાથી પતિએ ગુસ્સો કર્યો એમાં તો બે બાળકોને મૂકીને ઘરમાંથી ચાલી ગઈ. પરિવારનું કહેવું છે કે એ માનસિક રીતે બીમાર હતી અને નજીવી બાબતમાં ઉશ્કેરાઈ જતી હતી. બીજો એક કેસ જોઈએ. બોરીવલીના આ કપલનાં લગ્નને સત્તર વર્ષ થઈ ગયાં. દામ્પત્યજીવનનો એક દાયકો ખૂબ જ સુંદર રહ્યો. પતિનું કહેવું છે કે, ‘મારી પત્ની પ્રેમાળ હતી, પરંતુ છ-સાત વર્ષથી તેના સ્વભાવમાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે. ક્યારેક ખુશ હોય તો ક્યારેક નાનીઅમથી વાતમાં ઝઘડા કરે. અમારા સંબંધોમાં હવે પહેલાં જેવી હૂંફ અને મીઠાશ રહી નથી. ડૉક્ટરનું કહેવું છે કે મારી પત્ની માનસિક રોગી છે.’

ખરેખર, માનસિક રીતે અસ્વસ્થ જીવનસાથી સાથેનું દામ્પત્યજીવન અસહ્ય અને પીડાદાયક હોય છે. આવા સાથીને સંભાળવું અને લગ્નજીવનને તૂટતું બચાવવું એ પડકાર છે. ઘણી વાર આ જ કારણસર વૈવાહિક જીવનની સમસ્યાઓ એવા સ્તર પર પહોંચી જાય છે, જ્યાં એક વ્યક્તિ અનિચ્છાએ પણ કપરાં નિર્ણયો લઈ બેસે છે. આજે આપણે મેન્ટલી ડિસ્ટર્બ પાર્ટનર સાથે કઈ રીતે કોપ અપ કરવું એ વિશે માંડીને વાત કરીશું.

માનસિક અસ્વસ્થતાનાં ઘણાં કારણો હોઈ શકે છે. પેશન્ટની પારિવારિક મેડિકલ હિસ્ટ્રી શું છે? સમસ્યા બાયોલૉજિકલ છે કે અંગત સંબંધમાં ખટપટના કારણે વ્યક્તિ હતાશ રહે છે? કોઈ સારવાર ચાલે છે કે હજી સુધી ડૉક્ટરનો સંપર્ક જ નથી કર્યો એમ તમામ બાબતોની તપાસ કર્યા બાદ ઇલાજ થાય. માનસિક બિમારીના કેસમાં લોકો ડાયગ્નોસિસ શું છે અને પ્રોગ્નોસિસ શું છે એમાં ગૂંચવાય છે એમ જણાવતાં સેક્સોલોજિસ્ટ એન્ડ સાયક્યિાટ્રિસ્ટ ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘સૌથી પહેલાં તો રોગનું નિદાન થવું અત્યંત જરૂરી છે. જેને તબીબી ભાષામાં ડાયગ્નોસિસ કહે છે. ખોરાક ખૂબ વધી જાય અથવા ભૂખ મરી જાય, મોશન અનિયમિત હોય, ઉંઘ ખરાબ થઈ જાય, વારંવાર વિચારોમાં ગુમ થઈ જવું, કોઈપણ વાતમાં રિએક્ટ કરવાનું ટાળવું અથવા એક્સિટ્રીમ રિએક્શન હોય, ન હસવું કે ન રડવું વગેરે માનસિક બિમારીના સામાન્ય લક્ષણો છે. જો તમારા લાઇફ પાર્ટનરમાં આવા લક્ષણો જોવા મળે તો વહેલી તકે ડૉક્ટર પાસે લઈ જાઓ.’

આ કોઈ સામાન્ય રોગ નથી કે નિદાન થયું એટલે સારવાર શરૂ કરી દો. રોગનું માત્ર નિદાન થવું નહીં પણ એની પાછળના કારણો અને સમસ્યાને ઓળખી ઈલાજ કરવો એને પ્રોગ્નોસિસ કહે છે એમ જણાવતા ડૉ. શ્યામ કહે છે, ‘આવા કેસમાં સ્વસ્થ પાર્ટનરને રોગના નિવારણ વિશે ખબર હોવી જોઈએ. નિદાન તો થયું પણ હવે આગળ શું? જો ઈલાજ નહીં કરાવીએ તો એના કેવાં પરિણામો આવી શકે છે? પોતાનો અને ફેમિલીનો રોલ શું હોવો જોઈએ? આ બધી બાબતોની સંપૂર્ણ માહિતી જ એને સારી કરવામાં હેલ્પ કરી શકે છે. મેડિકલ કાઉન્સેલિંગ બન્ને માટે આવશ્યક છે. સ્વસ્થ વ્યક્તિએ કોઈ બહાનું કરી પેશન્ટને કાઉન્સેલિંગ માટે લઈ જવી પડે છે. શરૂઆતમાં માત્ર પેશન્ટની વર્તણૂંક શાંત થાય એવી જ સારવાર આપવામાં આવે છે. માનસિક રોગ ધરાવતી વ્યક્તિ સાથેના લગ્નજીવનમાં ઇમોશનલ અને સેક્સુઅલ રિલેશનશિપને ગંભીર અસર થાય છે. બન્ને જણ એકબીજા સાથે કમ્ફર્ટ ફિલ નથી કરી શકતા. આ વાસ્તવિકતાને સ્વીકારી લેવાથી સંબંધને તૂટતાં બચાવી શકાય છે.’

મેન્ટલ ઇલનેસ એ બ્રોડ કન્સેપ્ટ છે એમ જણાવતા સાઈકોથેરપિસ્ટ ઍન્ડ રિલેશનશિપ કાઉન્સેલર મેરાજ મીર કહે છે, ‘પહેલાં તો ડૉક્ટરથી કોઈ વાત છુપાવો નહીં. આ પ્રકારનો સ્ટ્રેસ કંઈ રાતોરાત નથી આવતો. વર્ષોથી મનમાં સતત કંઈક ચાલતું હોય જે તમને આ સ્તર સુધી પહોંચાડી દે છે. સવારે હસબન્ડ માટે નાસ્તો બનાવવામાં દર બે-ત્રણ દિવસે નાટક કરવાં, સ્વભાવી ચીડિયો થઈ જવો, બાળકો પર ગુસ્સો ઠાલવવો, શરીરમાં કળતર અનુભવવી, રાતે પથારીમાં પડખાં ફર્યા કરવાં, ફિઝિકલ ઍક્ટિવિટીથી દૂર રહેવું, મસલ્સમાં દુખાવો, ઉમંગ અને ઉત્સાહનો અભાવ, નાના નિર્ણયો ન લઈ શકવા વગેરે માનસિક રોગનાં પ્રાથમિક લક્ષણો છે. માનસિક રોગ ધરાવતી વ્યક્તિ સાવ જ સામાન્ય કહી શકાય એવા નિર્ણયો પણ નથી લઈ શકતી. દાખલા તરીકે ગૃહિણીએ બાળકોને કહ્યું હોય કે આજે જમવામાં પાલક પનીર બનાવીશ અને જ્યારે થાળી પીરસાય ત્યારે કૉબીનું શાક હોય. આવું વારંવાર થાય એ પણ માનસિક રોગનો જ પ્રકાર છે. તમારા પાર્ટનરની વર્તણૂકમાં આ પ્રકારના ચેન્જિસ જોવા મળે તો સારવારમાં વિલંબ ન કરવો.’

આ પણ વાંચો : સાવધાન તમારો કોઈ પીછો કરી રહ્યું છે

આપણા સમાજમાં માનસિક રોગી માટે પાગલ જેવો શબ્દ વપરાય છે. સાઇકિયાટ્રિસ્ટ ટ્રીટમેન્ટ માટે ગાંડા જ જાય એવી ભ્રમણાના કારણે મોટા ભાગના લોકો સારવારની અવગણના કરે છે એવો અભિપ્રાય આપતાં ડૉ. મેરાજ કહે છે, ‘જો તમે ઇચ્છતા હો કે તમારી પત્ની કે પતિ સાજા થઈ જાય તો સૌથી પહેલાં લોકો શું કહેશે એવા ભયને મનમાંથી કાઢી નાખો. બીમારને સાજા કરવામાં ઘણી વાર ઘરના લોકો ડિમોટિવેટ થઈ જાય છે. આવા કેસમાં ઘરની તમામ વ્યક્તિનું કાઉન્સેલિંગ જરૂરી છે. પેશન્ટ સાથે રહેતી દરેક વ્યક્તિ રોગનો સ્વીકાર કરે તો જ ઇલાજ શક્ય છે.’

Varsha Chitaliya columnists