જીવનમાં થોડાં આંસુ, થોડી પીડા અને નજરને ખાલીપો ચડે એવી ઉદાસીની જરૂર હોય

04 October, 2020 06:54 PM IST  |  Mumbai | Rajani Mehta

જીવનમાં થોડાં આંસુ, થોડી પીડા અને નજરને ખાલીપો ચડે એવી ઉદાસીની જરૂર હોય

મુકેશ સાથે સંગીતકાર કલ્યાણજી આણંદજી

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા

અમારે તો શબ્દો જ કંકુ અને ચોખા

વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા

કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા

- મનોજ ખંડેરિયા

કવિ અને દુનિયાદારીને મોટા ભાગે બાર ગાઉની દૂરી હોય છે. સાચો કવિ તેના નીતિ–નિયમોથી પર હોય છે. તે કવિતા કરે છે; કવિતખોરી નહીં. તેને માટે શબ્દો એટલે જ શ્રી અને સરસ્વતી. કવિતાકર્મ કરતી વખતે તેના મનમાં એક જ ઇચ્છા હોય છે કે તેની કલ્પનાને  શબ્દદેહરૂપે મોક્ષ મળે એટલે ગંગા નાહ્યા. ઇન્દિવર (જેનો અર્થ થાય છે નીલ કમલ) કવિ તરીકે  આવું જ અલગારી જીવન જીવતા. તેમની આ ફિલોસૉફી અને કલ્યાણજી–આણંદજીનો જીવન પ્રત્યેનો અભિગમ; બન્નેને એકમેકની નજીક લાવવામાં કારણભૂત બન્યો.  

ઇન્દિવર અને કલ્યાણજી–આણંદજી વચ્ચે કેવળ પ્રોફેશનલ રિલેશન નહોતા. ઇન્દિવર બન્ને ભાઈઓના પરિવાર સાથે એક ફૅમિલી-મેમ્બરની  જેમ ભળી  ગયા હતા. કલ્યાણજી–આણંદજી સાથેનાં સંસ્મરણોની વાત કરતાં ઇન્દિવર કહે છે, ‘તેમની સાથેની પહેલી જ મુલાકાતમાં અમારી આત્મીયતા બંધાઈ ગઈ. તેમને લાગ્યું હશે કે આને ઢીલો મૂકીશું તો ચાલ્યો જશે. મને કહે કે અબ કહીં જાને કી ઝુર્રત નહીં હૈ. હમારે સાથ હી કામ કરો. સવારે ૧૦થી રાતે બે વાગ્યા સુધી અમે સાથે રહીએ. પછી જ મને છોડે. ૧૦૦ રૂપિયા આપે. એમાંથી ૯૦ રૂપિયાનાં પુસ્તકો લઉં. બાકીના ૧૦ રૂપિયામાં મારા ખાવા-પીવાનો બંદોબસ્ત થઈ જાય. ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ મને મળી એમાં તેમનો બહુ મોટો ફાળો છે. પહેલાં આ ફિલ્મ બીજા કોઈને મળતી હતી, પરંતુ તેમણે પ્રોડ્યુસરને કહ્યું કે આ નવલકથાનો નાયક ગુજરાતનો કવિ છે એટલે ઇન્દિવર આ ફિલ્મ માટે ગીતો લખશે.’

‘તેમણે મને કહ્યું કે પહેલાં તમે ગીત લખો પછી જ અમે ધૂન બનાવીશું. મને લખવાની પૂરી સ્વતંત્રતા હતી. જ્યારે મેં ‘ચંદન સા બદન, ચંચલ ચિતવન’ ગીત લખ્યું ત્યારે દરેક જણ કહે કે ‘આ ગીત ક્યાં જાય છે? પરંતુ તેમને વિશ્વાસ હતો કે આ કવિતા મુશ્કેલ નથી. લોકોને સમજાઈ જશે. મને કહે કે તમારા મનમાં જે ભાવ આવે એ પ્રમાણે લખજો. મજરૂહ સુલતાનપુરી, સાહિર લુધિયાનવી અને બીજા અનેકે મુશ્કેલ કવિતા લખી છે અને એ લોકપ્રિય બની છે; લોકોને આજ સુધી યાદ રહી છે. જ્યારે મેં ‘છોડ દે સારી દુનિયા કિસી કે લિએ, યે મુનાસિબ નહીં આદમી કે લિએ’નું મુખડું સંભળાવ્યું તો કલ્યાણજીભાઈ કહે, ‘મુનાસિબ શબ્દ કાઢી નાખો. આ તો બહુ ભારે ઉર્દૂ શબ્દ છે. આનો હિન્દી શબ્દ આપો. ગુજરાતી બૅકગ્રાઉન્ડવાળી ફિલ્મમાં આ શબ્દ ન ચાલે.’ મેં કહ્યું, ‘આનો કોઈ પર્યાય નથી. ‘ઉચિત’ તો લખી ન શકાય. ‘ઉપયુક્ત’ પણ ન લખાય. ‘ઠીક’ ચાલે નહીં. અમારા યુપીમાં અમે ‘યે મુનાસિબ હૈ’ એમ જ કહીએ છીએ. આ બોલચાલની ભાષાનો શબ્દ છે. માંડ-માંડ તેઓ માન્યા. આ ગીત બેહદ લોકપ્રિય થયું. મને એ વાતનો વધુ સંતોષ થયો કે આ ગીત સાંભળીને અનેક લોકોએ આત્મહત્યા કરવાનું માંડી વાળ્યું. મને દેશ-વિદેશથી પત્રો આવે છે. જ્યારે-જ્યારે આ રેકૉર્ડ વાગે ત્યારે તેઓ મને ૧૦૦ રૂપિયા આપે.’   

કાળ, પ્રેમ અને મરણ કવિતાના સનાતન વિષયો છે. આ ત્રણેય સાથે જીવન સંકળાયેલું છે. જીવનમાં આવતી દ્વિધાનું નિરાકરણ કેટલી સહજતાથી ઇન્દિવર આ ગીતમાં વ્યક્ત કરે છે...

તન સે તન કા મિલન હો ન પાયા તો ક્યા

મન સે મન કા મિલન કોઈ કમ તો નહીં

ખૂશ્બુ આતી રહે દૂર હી સે સહી

સામને હો ચમન કોઈ કમ તો નહીં

ચાંદ મિલતા નહીં સબ કો સંસાર મેં

હૈ દિયા હી બહોત રોશની કે લિએ

છોડ દે સારી દુનિયા કિસી કે લિએ

યે મુનાસિબ નહીં આદમી કે લિએ

પ્યાર સે ભી ઝરૂરી કઈ કામ હૈ

પ્યાર સબ કુછ નહીં ઝિંદગી કે લિએ

ઇન્દિવરના જીવનની ફિલોસૉફી જ્યારે ગીત બનીને લોકો સુધી પહોંચી ત્યારે હજારો લોકોનો જીવન પ્રત્યેનો અભિગમ બદલાઈ ગયો. આમ પણ જીવનમાં થોડાં આંસુ, થોડી પીડા અને નજરને ખાલીપો ચડે એવી ઉદાસીની જરૂર હોય છે. આ વેદના મનુષ્યની, ખાસ કરીને કવિની ચેતનાને ધાર આપે છે. જેમ ખૂબ રડ્યા પછીનો ચહેરો વધારે ખૂબસૂરત લાગે એમ યાતનાની યુનિવર્સિટીમાંથી પસાર થયા બાદ કવિની વેદનાને અનુભવનો ઢોળ ચડે છે; જેના ફળસ્વરૂપે માતબર કવિતા મળે છે. ઇન્દિવરની કલમમાંથી એટલે તો અનેક નખશિખ કાવ્યતત્ત્વથી ભરપૂર ગીતો સંગીતપ્રેમીઓને મળ્યાં. ખાસ કરીને કલ્યાણજી—આણંદજી, ઇન્દિવર અને મુકેશની ત્રિપુટીએ સર્જેલાં આવાં દર્દીલાં ગીતો કેમ ભુલાય?

‘વક્ત કરતા જો વફા, આપ હમારે હોતે

હમ ભી ઔરોં કી તરહ આપ કો પ્યારે  હોતે...’ - (દિલ ને પુકારા)

‘કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે,

તડપતા હુઆ જબ કોઈ છોડ દે

તબ તુમ મેરે પાસ આના પ્રિયે

મેરા દર ખુલા હૈ, ખુલા હી રહેગા, તુમ્હારે લિએ... - (પુરબ ઔર પશ્ચિમ)

‘હમને તુઝ કો પ્યાર કિયા હૈ જિતના   

કૌન કરેગા ઇતના... - (દુલ્હા દુલ્હન)

‘જિસ દિલ મેં બસા થા પ્યાર તેરા

ઉસ દિલ કો કભી કા તોડ દિયા 

બદનામ ન હોને દેંગે તુઝે

તેરા નામ હી લેના છોડ દિયા...’ - (સહેલી)

ગયા વર્ષે કલ્યાણજી-આણંદજીના સંગીત અને જીવન વિશે ૫૮ એપિસોડ વિસ્તારથી લખ્યા. એ માટે આણંદજીભાઈ સાથેની મારી મુલાકાતોમાં ઇન્દિવર સાથેના અનેક કિસ્સા જાણવા મળ્યા. તેમની સાથેનાં સંસ્મરણોનાં પોટલાં ખોલતાં આણંદજીભાઈ કહે છે, ‘ગીત પ્રત્યેનો તેમનો અપ્રોચ અનેક ઍન્ગલથી થતો. અમે તેમને કહેતા કે ગીતને પણ એક વિઝ્‍યુઅલ હોય છે. અમારી ધૂન બનાવવાની રીત ઘણી ઑર્થોડોક્સ અને ઇન્ફૉર્મલ હતી. અમે કોઈ પૂર્વધારણાથી પ્રેરાઈને સંગીત નહોતા આપતા. તેઓ અમારા ફૅમિલી-મેમ્બર જેવા હતા. અમને તેઓ ‘અનપઢ બનિયાસ’ કહીને બોલાવતા. જ્યારે શરૂઆતમાં તેઓ અમારી સાથે કામ કરવા આવ્યા ત્યારે ઘણા ધીમા હતા. કોઈ વાર તો એક ગીત મળતાં એક મહિનો થઈ જતો. ફિલ્મ ‘સફર’નું ટાઇટલ-ગીત અમારે જોઈતું હતું, પરંતુ વાત બનતી નહોતી. અમે એક ટ્રિક કરી. તેમને કહ્યું કે ‘પ્રોડ્યુસર શૂટિંગ કરવાનો છે. તમને તો ગીત લખતાં સમય લાગે છે. જો ગીત નહીં મળે તો  પ્રોડ્યુસર બીજો ગીતકાર લઈ લેશે.’ તરત બોલ્યા, ‘સિચુએશન શું છે?’ અમે કહ્યું, ‘જીવન શું છે એ આજ સુધી કોઈને સમજાયું નથી’ એ ફિલોસૉફી પર ગીત લખવાનું છે અને એમાં ફિલ્મનું ટાઇટલ ‘સફર’ શબ્દ આવવો જોઈએ.’ તમે માનશો? ૩૦ મિનિટમાં તેમણે આ અદ્ભુત ગીત લખી આપ્યું...

‘ઝિંગી કા સફર, હૈ યે કૈસા સફર

કોઈ સમઝા નહીં, કોઈ જાના નહીં

હૈ યે કૈસી ડગર, ચલતે હૈં સબ મગર

કોઈ સમઝા નહીં, કોઈ જાના નહીં...’

‘સ્વભાવે તેઓ નાના બાળક જેવા હતા. તેમની સાથેના અનેક રમૂજી કિસ્સા યાદ આવે છે. તેમના પિતાજીનું પ્લેગની બીમારીમાં અવસાન થયું હતું એટલે નાનપણથી તેમને ‘હાઇજીન’નું ઑબ્સેશન હતું. વાત-વાતમાં હાથ ધુએ. કોઈને તાવ-શરદી થયાં હોય તો દૂર ભાગે. અમે આ બાબતમાં તેમની સાથે ખૂબ મજાક-મસ્તી કરતા. એક દિવસ એક ખૂબસૂરત ચાહક તેમને મળવા અમારા ઘેર આવી. ઇન્દિવર હજી આવ્યા નહોતા. અમે એ બહેનને કહ્યું, ‘તમને શરદી થઈ લાગે છે.’ તેઓ બોલ્યાં, ‘હા, થોડી તકલીફ છે.’ અમે બામની શીશી આપીને તેમને કહ્યું કે નાક અને ગળા પર સરખી રીતે લગાડી દો એટલે બે મિનિટમાં શરદી ગાયબ થઈ જશે.’

થોડી વારમાં ઇન્દિવર આવ્યા. અમે કહ્યું, ‘તમને મળવા એક ફૅન આવી છે, પરંતુ તેને ફ્લુ થયો હોય એવું લાગે છે.’ આ સાંભળીને તેઓ સાવધ થઈ ગયા. કહે, ‘તમને કેવી રીતે ખબર પડી?’ અમે કહ્યું, ‘કેટલો બામ લગાડીને આવી છે.’ વાત-વાતમાં ઇંદીવરે થોડા નજીક જઈને ખાતરી કરી લીધી અને તેને કહે, ‘આપકો તો ઇતના તેજ બુખાર હૈ, આપ ઘર જાઈએ.’ તેમની ચાહક ચાલી ગઈ એ પછી અમે સાચી વાત જણાવી એટલે કહે, ‘કભી કભી ઐસે ખૂબસૂરત મૌકે આતે હૈં પર આપ લોગ હમેં મઝે નહીં લેને દેતે.’

ઇન્દિવર ખૂબ રોમૅન્ટિક મિજાજના માણસ હતા. તેમની કવિતામાં ઉમદા પ્રકારનો શૃંગારરસ છલકાતો હતો, જેમાં કોઈ ચીપનેસ નહોતી. ખૂબસૂરત ચહેરાના ચાહક હતા. જેને આપણે ‘નયનસુખ’ કહીએ છીએ એનો તેઓ ભરપૂર આનંદ લેતા. આનાથી વિશેષ કંઈ જ નહીં. સ્વભાવના નિખાલસ એટલે આ વાતનો કદી ઇનકાર ન કરે. તેમનામાં જરા પણ દંભ નહોતો. રજનીશજીને સાંભળવા જાય અને તેમની વાતો સાંભળીને કહે, ‘તમે જે કહો છો એ દરેક વાત મેં વાંચી છે. એમાં નવું શું છે?’ એટલે રજનીશજી પ્રશ્ન કરે, ‘તો પછી અહીં આવો છો શા માટે?’ તો પટ દઈને જવાબ આપે, ‘તમારે ત્યાં જે ખૂબસૂરત ચહેરાઓ આવે છે એને જોવા માટે.’

આણંદજીભાઈ સાથે વાત કરતા હોઈએ એટલે તેમની સહજતા અને સરળતાને કારણે વાતાવરણ એકદમ હળવું રહે. પ્રામાણિકતાથી વાત કરીએ તો ‘નયનસુખ’ના પ્રલોભન વિના કોઈ વ્યક્તિ જીવતી હોય એ વાત લગભગ અશક્ય જેવી લાગે. હા, ફરક એટલો જ કે દરેકની ઇન્ટેન્સિટી અલગ હોય અને બહુ જૂજ લોકો નિખાલસતાથી આ વાતની કબૂલાત કરી શકે. મારા અને દરેકના પ્રિય લેખક ગુણવંત શાહની એક વાત યાદ આવે છે... ‘જે લોકો બાથરૂમમાં પણ કપડાં ઉતારવામાં સંકોચ અનુભવતા હોય એવા ચોખલિયા માણસો જ આવી વાતનો અસ્વીકાર કરતા હોય છે.’

ઇન્દિવરના રોમૅન્ટિક મિજાજની આ વાત સાંભળીને મને એક સાચો કિસ્સો યાદ આવે છે. મારા એક મિત્રનાં લગ્ન થયાં. સજોડે બહાર ફરવા નીકળે ત્યારે ‘નયનસુખ’ની જૂની આદતને કારણે તકલીફ ઊભી થાય. ભૂલી જાય કે હવે પરિસ્થિતિ બદલાઈ છે. થોડા દિવસ પછી પત્ની બોલી, ‘હું સાથે છું અને તમે ક્યાં જોયા કરો છો?’ બચાવમાં મિત્ર બોલ્યો, ‘હું તો પેલીની સાડી સામે જોઈને વિચાર કરતો હતો કે તેં પહેરી હોત તો કેટલી સુંદર લાગત.’ છણકો કરતાં પત્નીએ કહ્યું, ‘મને ખબર છે. સાડીઓ તો બધી એકસરખી હોય છે; ચહેરા અલગ-અલગ હોય હોય છે. તમને સાડીમાં નહીં, ચહેરામાં રસ છે.’

થોડા સમય બાદ મિત્રનો બિઝનેસ વધ્યો અને એને કારણે તેનું ટ્રાવેલિંગ વધી ગયું. જ્યારે બહારગામ જાય ત્યારે પત્નીની એક જ ફરમાઈશ હોય, ‘આ ગામ જાઓ છો તો ત્યાંની સાડી ખૂબ વખણાય છે. ભૂલ્યા વિના લેતા આવજો.’ આમ એક પછી એક સાડીઓનો ઢગલો થતો ગયો. એક દિવસ તેણે પત્નીને કહ્યું, ‘આ બધી સાડીઓ એકસરખી જ લાગે છે તોય તને સંતોષ નથી થતો?’ જવાબ મળ્યો, ‘તમને શું ખબર પડે? આ સાડીઓ એક જેવી નથી, અલગ-અલગ છે.’ મિત્રે વર્ષો પહેલાંનો કિસ્સો યાદ અપાવતાં કહ્યું, ‘ત્યારે હું પણ એ જ કહેતો હતો કે દરેક સાડી અલગ-અલગ હોય છે, પણ તું મારી વાત માનતી નહોતી.’ પત્ની પાસે આનો કોઈ જવાબ નહોતો. જોકે ખાનગીમાં મારા મિત્ર દરેકને કહેતા હોય છે, ‘હું એવા નિષ્કર્ષ પર આવ્યો છું કે દરેક સાડી અલગ હોય છે, પરંતુ દરેક સ્ત્રી સાડીની બાબતમાં એકસરખી હોય છે.’ 

ઇન્દિવરના અતરંગી  સ્વભાવના અનેક કિસ્સાઓ હજી બાકી છે.

columnists rajani mehta