લાઇફ કા ફન્ડા : ઈશ્વર ક્યાં નથી?

05 March, 2020 03:18 PM IST  |  Mumbai | Heta Bhushan

લાઇફ કા ફન્ડા : ઈશ્વર ક્યાં નથી?

દક્ષિણ ભારતમાં અનેક સુંદર મંદિરો છે...અને તેમની પૂજા-ભક્તિ, આરતી, શણગાર બધું ભવ્ય અને સુંદર હોય છે. એક સંત માતા પોતાની શિષ્યાઓ સાથે આ બધાં મંદિરોની યાત્રાએ નીકળ્યાં. ઘણા સમયથી યાત્રાએ જવાની ઈચ્છા હતી, પણ નીકળી શકાતું નહોતું અને દિવસે દિવસે ઉંમર વધી રહી હતી, શરીર ઘસાતું જતું હતું, પરંતુ માતાની ઇચ્છા દરેક મંદિરમાં દર્શન કરવાની હતી તેથી ધીમે ધીમે એક પછી એક મંદિરમાં દર્શન કરી, આરામ કરી તેઓ યાત્રામાં આગળ વધી રહ્યાં હતાં.

યાત્રામાં આગળ વધતા વધતા લગભગ ૧૫ દિવસ થયા. માતા હવે એકદમ થાક્યાં હતાં. થોડું ચાલતા બેસવું પડતું...પણ હિમંત હાર્યા ન હતાં, મનમાં પ્રભુદર્શનનો નિર્ણય અડગ હતો. શિષ્યાઓનો હાથ પકડે, ધીમે ધીમે ચાલતાં અને થાકી જાય એટલે જમીન પર પગ લાંબા કરી બેસી જતાં... કારણ ઘૂંટણમાં સખત દુખાવાને લીધે પગ વાળીને બેસાતું નહોતું, પલાંઠી વાળવી શક્ય નહોતી.
સંત મા પોતાના નાનકડા સંઘ સાથે એક મંદિરમાં પહોંચ્યાં, બહુ ગિર્દી નહોતી પરંતુ મંદિરનો મુખ્ય હોલ બહુ મોટો હતો. મા શિષ્યાઓનો હાથ પકડી અંદર સુધી આવ્યાં. થોડું આગળ ચાલ્યા પછી ખૂબ થાકી ગયા હોવાથી એક થાંભલાનો ટેકો લઈ પ્રભુની મૂર્તિ સમક્ષ તેમના બે પગ લાંબા રહે તેમ બેસી ગયાં અને હાથ જોડી દર્શન કરવા લાગ્યાં. તેમની ઉંમર અને થાક જોતાં કોઈને તેમાં કશું વાંધાજનક લાગ્યું નહીં.

પરંતુ મંદિરમાં ધર્માંધ મુખ્ય પૂજારી ભગવાનની પૂજા છોડી ગર્ભદ્વારમાંથી ગુસ્સાથી ધૂંઆપૂંઆ થતાં સંત મા પ્રભુની મૂર્તિ સામે પગ લાંબા કરી બેઠાં હતાં ત્યાં આવ્યા અને ગુસ્સાથી કહેવા લાગ્યા, ‘આટલી ઉંમર થઈ, વાળ સફેદ થઈ ગયા પણ ખબર નથી પડતી કે શ્રી ભગવાનની મૂર્તિ સામે પગ લાંબા કરી ન બેસાય.’ સંત મા ચૂપ રહ્યાં, પોતાની પ્રાર્થના પૂરી કરી બોલ્યા ‘પૂજારીજી માફ કરજો, મારી ભૂલ થઈ, આ તો ઉંમર થઈ એટલે ખૂબ થાકી જવાયું એટલે પ્રભુ તરફ પગ લાંબા રહે તેમ બેસી જવાયું...ફરી એકવાર માફી માગું છું, તમે મને માફ કરો અને તમે જ જ્ઞાની છો...ભક્ત છો તો હવે તમે જ મને એવું સ્થળ બતાવો જ્યાં ઈશ્વર ન હોય, જેથી હું તે તરફ પગ લાંબા કરી બેસી શકું, કારણ હું બહુ થાકી ગઈ છું અને પગ ઘૂંટણથી વળતા નથી.’ સંત માની વાત સમજી હવે ચમકવાનો વારો પૂજારીનો હતો. ઈશ્વર બધે જ છે નો ઉપદેશ તો તેઓ પણ આપતા હતા, પણ અહીં ભૂલી ગયા. પોતાના વર્તાવ બદલ માની માફી માગી અને આંખો ખોલવા બદલ વંદન કર્યા.

columnists heta bhushan