સકારાત્મકતા ખુશીઓનો ખજાનો - (લાઇફ કા ફન્ડા)

09 January, 2020 04:18 PM IST  |  Mumbai | Heta Bhushan

સકારાત્મકતા ખુશીઓનો ખજાનો - (લાઇફ કા ફન્ડા)

એક લેખિકા, જેનું ઉપનામ ‘જિંદગી’. તેઓ સરસ લખે. નાનું-મોટું, અઘરું-સહેલું ચારથી પાંચ ભાષામાં લખી શકે. હંમેશાં જિંદગીને મહેકાવતું, સારું, સુંદર અને હકારાત્મક જ લખે. ન કોઈની ટીકા, ન કોઈ વિષે ફરિયાદ, ન મહેણાં, ન કટાક્ષ. સરળ પણ રસાળ શૈલીમાં જ લખે.

રોજ રાત્રે લેખિકાને ડાયરી લખવાની ટેવ. તેમની ડાયરીમાં પાને-પાને રોજની વાતો લખેલી અને દરેક વાતમાં એટલા સુંદર સકારાત્મક વિચાર કે જો કોઈ પ્રકાશક વાંચે તો આખી ડાયરી જ પુસ્તક રૂપે છાપી નાખે.

તેમની ડાયરીના એક પાના પર લખ્યું હતું કે હું બહુ ખુશ છું. આજે મારા પતિના પગ બહુ દુખતા હતા. મેં કલાક પગ દબાવ્યા, પણ બહુ આરામ મળ્યો નહીં. મારી ચિંતા કરતાં તેમણે કહ્યું, ‘તું સૂઈ જા, થાકી ગઈ હોઈશ.’

હું ખુશ છું કે મારા પતિ થાકીને ચૂર થઈ જાય એટલું કામ કુટુંબની પ્રગતિ માટે કરે છે. હું ખુશ છું કે તેઓ પોતાની પીડામાં પણ મારી ચિંતા કરે એટલો પ્રેમ મને કરે છે.

હું ખુશ છું કે હમણાં થોડી વાર પહેલાં જ રાત્રે એસીને ૨૪ કે ૨૦ ડિગ્રી પર રાખવા માટે મારી અને મારા યુવાન દીકરા વચ્ચે બોલાચાલી થઈ. નાનો મીઠો ઝઘડો થયો. હું ખુશ છું કે મારો દીકરો રાત્રે સમયસર ઘરે આવે છે. બધી વાત કરે છે. અન્ય યુવાનોની જેમ મોડી રાત સુધી રખડતો નથી.

હું ખુશ છું કે પતિએ ગઈ કાલે જ આપેલી સૅલેરી અડધી વપરાઈ ગઈ છે. વીજળી, કેબલ, ઇસ્ત્રીવાળાને, કામવાળી બાઈને, દૂધવાળાને તથા દાણાવાલાને મેં સમયસર પૈસા આપી દીધા છે. હું ખુશ છું કે અમે આ બધાની સેવા લઈ શકવા સક્ષમ છીએ અને હું બધાં બિલ સમયસર ચૂકવી શકું છું.

હું ખુશ છું કે આખો દિવસ બહુ કામ કરીને હું એકદમ થાકી ગઈ છું. હું ખુશ છું કે ભગવાને મને ઘરના, બહારના, મારા લેખનનાં બધાં જ કામ કરી શકું એટલી શક્તિ આપી છે. ભગવાન તારો આભાર કે મારી પાસે કરવાં માટે આટલાં કામ છે.

હું ખુશ છું કે આજે ઘરનાં ઝાડું-પોતા મારે જાતે કરવા પડ્યાં. કામવાળી બાઈ રસ્તામાં પડી ગઈ અને તેને ખૂબ વાગ્યું છતાં તે કામે આવી. હું ખુશ છું કે મેં તેને દવા આપી, તેને કામમાં મદદ કરવાં ઝાડું-પોતા જાતે કરી લીધાં અને તેને થોડો આરામ કરવા કહ્યું. મેં તેને મદદ કરી અને મારી કસરત પણ થઈ.

છેને દરેક બાબતમાં એકદમ સકારાત્મકતા. ચાલો દરેક બાબતમાં સકારાત્મકતા શોધીએ અને ખુશ રહીએ.

columnists