જ્ઞાનની કિંમત (લાઇફ કા ફન્ડા)

04 June, 2019 10:30 AM IST  |  | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

જ્ઞાનની કિંમત (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

સમ્રાટ અકબરનાં ૯ રત્નોમાંથી એક હતા મહાન ચિંતક અબુ અલી. અબુ અલી પરમજ્ઞાની હતા અને એકદમ સરળ, લોભ-લાલચ, અભિમાન તેમને ક્યારેય સ્પર્શી શકતાં નહીં. તેમની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાયેલી હતી અને તેઓ બિલકુલ લાલચુ નથી એ તો બધા જ જાણતા હતા. હંમેશાં અન્યની મદદ કરવા તત્પર રહેતા.

સહરાના રણનો એક અમીર શેખ અબુ અલી પાસે આવ્યો અને કહ્યું, ‘મહાન ચિંતકનાં ચરણોમાં મારા પ્રણામ. હું તમારી પાસે રહીને અધ્યયન કરવા ઇચ્છું છું.’ અબુ અલીએ કહ્યું, ‘શેખ હું તમને અધ્યયન કરાવવા તૈયાર છું, પણ તમારે ૧૦૦ અશરફી દર મહિને આપવી પડશે.’ ત્યાગ અને તપની મૂર્તિ તરીકે પ્રખ્યાત અબુ અલીની આવી માગણી અમીર શેખને વિચિત્ર લાગી અને તેને એ ગમ્યું નહીં, પણ અબુ અલી પાસે અધ્યયન કરવા માટે અમીરે દર મહિને ૧૦૦ અશરફી આપવાનું સ્વીકાર્યું.

અબુ અલીએ બીજા દિવસથી અમીરને અધ્યયન કરાવવાનું શરૂ કર્યું અને રોજ અમીર તેમની પાસે ભણવા લાગ્યા અને દર મહિનાની છેલ્લી તારીખે અબુ અલી અમીર પાસેથી ૧૦૦ અશરફી લેતા અને એક કબાટમાં મૂકતા. થોડાં વર્ષો વીત્યાં અને અમીરનો અભ્યાસ પૂરો થયો. અભ્યાસના છેલ્લા દિવસે ૧૦૦ અશરફી અમીરે અબુ અલીને આપી અને સલામ ભરીને વિદાય માગી અને જણાવ્યું કે ‘હું હવે મારા દેશ પાછો જવાની તમારી પાસે આજ્ઞા માગું છું.’ અમીરને આશિષ આપી વિદાય કરતાં અબુ અલી બોલ્યા, ‘શેખ ઘરે જતાં પહેલાં તમારી અમાનત મારી પાસે છે એ લેતા જજો.’ આટલું બોલી કબાટ ખોલી દર મહિને લીધેલી અશરફીઓની બધી થેલીઓ કાઢી અને અમીરને આપીને કહ્યું, ‘આ તમારી આપેલી અશરફીઓ તમે સાથે લેતા જજો.’

આ પણ વાંચો : ધર્મ અને આધ્યાત્મિકતા (લાઇફ કા ફન્ડા)

અમીર શેખ આ સાંભળીને નવાઈ પામ્યો અને પૂછ્યું, ‘બાબા, જો તમારે એક પણ અશરફીને હાથ લગાડવો નહોતો તો દર મહિને ૧૦૦ અશરફીની માગણી શું કામ કરી હતી?’ અબુ અલીએ કહ્યું, ‘હું તારી લાયકાત પારખવા માગતો હતો કે તું જે જ્ઞાન મેળવવા માગે છે એની કિંમત તારે મન છે કે નહીં અને એ માટે તું જરૂરી કિંમત આપવા તૈયાર છે કે નહીં, કારણ જેકોઈ કિંમત આપી શકતો નથી તેને કંઈ મેળવવાનો હક્ક નથી.’ અમીર ભાવવિભોર બનીને અબુ અલીને ભેટી પડ્યો.

columnists