મનને શાંત કરવા માટે (લાઇફ કા ફન્ડા)

26 June, 2019 10:43 AM IST  |  મુંબઈ | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

મનને શાંત કરવા માટે (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

ચીનમાં ભગવાન બુદ્ધની ખ્યાતિ પહોંચી. ચીનના સમ્રાટ ભગવાન બુદ્ધ પાસે ગયા અને કહેવા લાગ્યા, ‘મારું મન સતત અશાંત રહે છે, બેચેન રહે છે, મને થોડી શાંતિ મળે તેવો કોઈ મંત્ર કહો.’

ભગવાન બુદ્ધે કહ્યું, ‘સમ્રાટ, તમે કાલે સવારે બ્રહ્મમુહૂર્તમાં ચાર વાગ્યા પહેલાં અહીં મારી કુટિરમાં આવજો, જ્યારે કોઈ નહીં હોય ત્યારે હું તમારા અશાંત મનને શાંત કરી આપીશ. તમે તમારી સાથે તમારા અશાંત મનને લેતા આવજો, મહેલમાં છોડીને ન આવતાં.’ સમ્રાટ ગૂંચવાયા કે આ ખૂબ જ જ્ઞાની તરીકે પ્રખ્યાત માણસ સાવ કેવી પાગલ જેવી વાત કરે છે. સમ્રાટ ઊભા થયા. ભગવાન બુદ્ધ ફરી બોલ્યા, ‘યાદ રાખજો સમ્રાટ તમારું અશાંત મન સાથે લેતા આવજો. મહેલમાં મૂકીને આવશો તો હું તેને શાંત કેવી રીતે કરીશ?’

સમ્રાટ મહેલમાં ગયા. તેમનું મન પહેલાં કરતાં વધારે અશાંત થઈ ગયું. તેઓ વિચારવા લાગ્યા કે ‘સાંભળ્યું હતું કે બહુ મહાન સંત છે, કોઈ મંત્ર આપત તો કદાચ મારું મન શાંત થાત, પણ આ તો કેવી બેકાર વાત કરે છે, કોઈ પોતાનું મન ઘરે કેવી રીતે છોડી શકે, મન તો સાથે જ હોય ને?’ આમ વિચારતા વિચારતા રાત વીતી ગઈ. સમ્રાટને ઊંઘ ન આવી. તેમનું મન અવઢવમાં હતું છતાં ભગવાન બુદ્ધની આંખો અને અવાજે તેમને પ્રભાવિત કર્યા હતા. એટલે તેઓ બ્રહ્મમુહૂર્તમાં ભગવાન બુદ્ધની કુટિરમાં પહોંચી ગયા. ભગવાન બુદ્ધ શાંત મુખમુદ્રામાં ત્યાં બેઠા હતા. સમ્રાટને જોઈ તેઓ સ્મિતસહ બોલ્યા, ‘આવી ગયા સમ્રાટ, તમારું અશાંત મન સાથે લાવ્યા છોને ? હું તૈયાર જ બેઠો છું તેને શાંત કરવા માટે.’ સમ્રાટથી હવે રહેવાયું નહીં. તેમણે કહ્યું, ‘આપ જ્ઞાની થઈ કેવી વાત કરો છો ? આ મન થોડી કોઈ વસ્તુ છે જે હું તમને દેખાડી શકું. મન કંઈ મારા હાથમાં થોડું છે, તે તો મારી અંદર છે.’

ભગવાન બુદ્ધ બોલ્યા, ‘વાહ સમ્રાટ તમને ખબર છે મન તમારી અંદર છે. તો હવે આંખ બંધ કરી તમારી અંદર જુઓ અને તે અશાંત મન ક્યાં છે તે શોધો અને જેવું મળે તેવું તેને પકડી લો અને મને કહેજો, હું તેને શાંત કરી દઈશ.’

આ પણ વાંચો : બીજાની મદદ (લાઇફ કા ફન્ડા)

સમ્રાટે ભગવાન બુદ્ધે જેમ કહ્યું તેમ કર્યું. પહેલી વાર જમીન પર બેસી આંખ બંધ કરી અને મનને શોધવા લાગ્યા. જેટલું તેઓ અશાંત મનને અંદર ને અંદર શોધવા લાગ્યા તેટલી અશાંતિ ધીમે ધીમે ઓછી થવા લાગી, સમય પસાર થયો. લગભગ કલાક સુધી સમ્રાટે અંદર શોધ કરી અને મન આપોઆપ શાંત થઈ ગયું. કારણ, મનને શાંત કરવા મંત્ર નહીં ધ્યાન અને આત્મચિંતન જરૂરી હોય છે.

ભગવાન બુદ્ધ બોલ્યા ‘સમ્રાટ આંખો ખોલો, મળ્યું અશાંત મન?’

સમ્રાટ વંદન કરતા બોલ્યા ‘આપે તેને શાંત કરી દીધું.’

columnists