સંપ (લાઇફ કા ફન્ડા)

21 May, 2019 12:03 PM IST  |  | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

સંપ (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક સોસાયટીમાં બધા છોકરાઓ ભેગા મળીને રમે. આજુબાજુથી પણ બીજા છોકરા રમવા આવે. બધા બે ટીમ પાડીને રમે અને રમવા કરતાં તો વધારે ઝઘડા કરે અને રોજ ઝઘડા કરી કરીને સોસાયટીમાં અને આજુબાજુની સોસાયટીમાં નફરતનું વાતાવરણ ઊભું કરે. એક વખત બહુ મોટો ઝઘડો થયો. વાત વધીને મારામારી પર પહોંચી ગઈ. ગલીનાં ગુંડા તત્વો પણ એમાં ભળ્યાં અને પોતાના લાભ ખાતર ઝઘડો વધારવા લાગ્યાં. મારામારીમાં ઘણા યુવાન છોકરાઓ ઘાયલ થયા. હવે સોસાયટીમાં રહેતા અને આજુબાજુની સોસાયટીઓમાં રહેતા બધાને થયું કે આ તો ખોટું થઈ રહ્યું છે. આવા ઝઘડા ન ચાલે. બધાએ ભેગા મળીને કંઈક માર્ગ શોધવાનું નક્કી કર્યું.

એક અનુભવી રિટાયર પ્રોફેસર સોસાયટીમાં રહેતા હતા અને રોજ સાંજે ચાલવા નીકળતા અને આ છોકરાઓની રમત અને ઝઘડા જોતા. તેઓ બોલ્યા, ‘આ તકલીફનો એક જ રસ્તો છે કે આ સોસાયટી અને આજુબાજુની સોસાયટીના યુવાન છોકરાઓ હળીમળીને રમે, ખોટા ઝઘડા ન કરે, જેથી અન્ય ગુંડા તત્વો આ ઝઘડાનો લાભ ઉઠાવે. જાઓ બધા છોકરાઓને બોલાવો, હું તેમને સમજાવું છું.’

બધા વાલીઓએ પોતાના છોકરાઓને બોલાવ્યા. છોકરાઓ આવ્યા. પ્રોફેસર બધાને લઈને ગલીના નાકે ગયા. ત્યાં કૂતરાઓ કારણ વિના સામસામે ભસીને ઝઘડા કરતા હતા. પ્રોફેસર બોલ્યા, ‘અરે અહીં તો આટલાબધા વીફરેલા કૂતરાઓ છે. ઊભા રહો.’ બે યુવાન છોકરાઓ આગળ આવ્યા અને બોલ્યા, ‘અરે અંકલ, હમણાં ભગાડી દઈએ.’ આટલું બોલીને છોકરાઓએ પથ્થર હાથમાં લઈ કૂતરાઓને મારીને ભગાડી દીધા. પ્રોફેસર બોલ્યા, ‘સારું કર્યું.’ અને પછી ગલીના વળાંક પર એક બંધ પડેલા બંગલામાં મધમાખીનો મધપૂડો હતો ત્યાં બધાને લઈ ગયા અને અચાનક હાથમાં પથ્થર લઈને મધપૂડા તરફ ફેંકવાનો અભિનય કર્યો. બે છોકરાઓએ તેમનો હાથ પકડી લઈ હાથમાંથી પથ્થર લઈ લીધો અને બોલ્યા, ‘અરે અંકલ શું કરો છો? આ મધપૂડા પર પથ્થર કેમ મારો છો? એક પથ્થર વાગતાં બધી મધમાખીઓ હુમલો કરશે. આપણા બધાનું આવી બનશે.’ પ્રોફેસર બોલ્યા, ‘બરાબર વાત છે તમારી. બધું સમજો છો તો પછી તમે લોકો મધમાખીની જેમ સંપથી કેમ નથી રહેતા. કૂતરાઓની જેમ શું કામ ઝઘડા કરો છો?’ બધા છોકરાઓ ચૂપ થઈ ગયા.

આ પણ વાંચો : ચાર રસ્તા (લાઇફ કા ફન્ડા)

પ્રોફેસર આગળ બોલ્યા, ‘કૂતરાઓ અંદર-અંદર ઝઘડે છે, કેમ કે તેમનામાં સંપ નથી એટલે તેમને પથ્થર મારીને સહેલાઈથી નુકસાન પહોંચાડીને ભગાવી શકાય છે અને મધમાખીઓ સંપ અને એકતા જાળવે છે એટલે તેમને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી. માટે જો તમે પણ સંપ અને એકતા જાળવશો તો કોઈ તમને નુકસાન નહીં પહોંચાડી શકે.’ છોકરાઓ સમજી ગયા અને રમત રમતાં ઝઘડા ન કરવાનું નક્કી કર્યું.

columnists