સાચા સંત (લાઇફ કા ફન્ડા)

31 May, 2019 09:47 AM IST  |  | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

સાચા સંત (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

વર્ષોથી ગામના નદીકિનારે ઝૂંપડી બાંધી રહેનાર વૃદ્ધ સંત ગરમીના દિવસોમાં એક આંબાના ઝાડ નીચે વિશ્રામ કરી રહ્યા હતા. ત્યાં આજુબાજુ નાનાં બાળકો રમતાં રમતાં આવ્યાં અને ઝાડ પર ઝૂલતી કેરીઓ જોઇને તેમને કેરી ખાવાનું મન થયું એટલે કેરી તોડવા તેઓ ઝાડ પર પથ્થર મારવા લાગ્યા અને કેરી તોડી ખાવા લાગ્યા. આમ કરવામાં એક પથ્થર ડાળી સાથે અથડાઈને નીચે સૂતેલા વૃદ્ધ સંતના કપાળ પર વાગ્યો અને દડ દડ લોહી નીકળવા લાગ્યું. વૃદ્ધ સંત દર્દથી ચીસ પાડી ઉઠ્યા.

રમતાં બાળકોએ જોયું કે પથ્થર સંતને વાગ્યો અને બહુ લોહી નીકળ્યું. તેઓ ડરી ગયા. તેમને થયું કે હમણાં આ સંત મહારાજ અમને ખીજાશે અને જો અમારાં માતા-પિતાને ફરિયાદ કરશે તો તેઓ અમને સજા કરશે. ડરી ગયેલાં બાળકો તેમની પાસે ગયાં અને માફી માગવા લાગ્યાં.

જે બાળકનો ઝાડ પર મારેલો પથ્થર સંતને વાગ્યો હતો તે બાળક રડતાં રડતાં પગ પકડી કહેવા લાગ્યો, ‘બાબા અમારી ભૂલ થઇ ગઈ. મારે કારણે તમને પથ્થર વાગ્યો અને લોહી નીકળ્યું, મને માફ કરી દો બીજી વાર આવી ભૂલ નહીં કરું.’

બીજાં બધાં બાળકો પણ માફી માગવા લાગ્યાં, સંતને વિનવણી કરવા લાગ્યાં કે અમારી ભૂલ થઇ ગઈ, તમે કોઈને ફરિયાદ નહીં કરતા.

એક હાથે પોતાનો લોહી નીકળતો ઘા દબાવીને બેઠેલા સંતની આંખમાં આંસુ આવી ગયા. નાના બાળકે કહ્યું ‘બાબા, તમને બહુ દર્દ થાય છે? એટલે તમે રડો છો?’

સંત બોલ્યા ‘ના, મને બહુ વાગ્યું એટલે હું રડતો નથી. હું તો એટલે રડું છું કે આ આંબાના ઝાડને તમે પથ્થર માર્યા તો તેણે તમને કેરી આપી. અને હું, મને પથ્થર વાગ્યો તો મારા તરફથી તમને ડર મળ્યો કે હું હમણાં ગુસ્સે થઈશ, તમારાં માતા-પિતાને ફરિયાદ કરીશ. હું તમને પ્રેમ-લાગણી કે નિર્ભયતા ન આપી શકયો તો સંત તરીકે મારું જીવન નકામું ગયું કહેવાય.’

આ પણ વાંચો : પોપટિયું જ્ઞાન (લાઇફ કા ફન્ડા)

નાનાં બાળકોને સંતની વાતમાં બહુ ખબર પડી નહીં. તેઓ સંત ફરિયાદ નહીં કરે તે જાણી રાજી થઈ ગયા.

જે સાચા સંત હોય છે તેમનું જીવન કેવળ પરમાર્થ માટે જ હોય છે. પોતાને તકલીફ પડે છતાં જે બીજાની ખુશી માટે વિચારે તે જ સાચા સંતની ઓળખ છે.

columnists