ત્રણ જણ જુએ છે (લાઇફ કા ફન્ડા)

27 May, 2019 01:54 PM IST  |  | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

ત્રણ જણ જુએ છે (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક મહાત્મા પાસે બે યુવાન શિષ્ય બનવા આવ્યા. મહાત્મા જ્ઞાની હતા પણ એમ કોઈને શિષ્ય બનાવવા તૈયાર ન હતા. તેમણે પહેલાં તો ના પાડી. પેલા યુવાનોએ બહુ વિનંતી કરી ત્યારે મહાત્માજીએ તેમની પરીક્ષા લેવા માટે બન્નેને એક-એક ચકલી આપી અને કહ્યું, ‘તમે બન્ને આ ચકલીએ એવી જગ્યાએ લઈ જઈને મારી નાખો જ્યાં તમને કોઈ ન જુએ.’

પહેલો યુવાન ઉતાવળિયો પોતાના હાથમાં ચકલી લઈને તરત જ થોડે દૂર જંગલમાં ગયો અને એક ઝાડની પાછળ જઈ ચકલીને મારીને ત્યાં જ ફેંકીને આવી ગયો અને જેવી મરેલી ચકલી તેણે ફેંકી કે એક શિયાળ એને ખાઈ ગયું. બીજો યુવાન વધુ તકેદારી રાખતાં દૂર-દૂર સૂમસામ જગ્યા પર ગયો અને આજુબાજુ દસ વાર જોઈને તેણે ચકલીને મારવાની તૈયારી કરી. જેવો તે ચકલીની ડોક મરડવા ગયો કે તેને વિચાર આવ્યો, હું આ ચકલીને મારું છું ત્યારે તે મને જુએ છે અને હું તેને જોઉં છું એટલે અમે બે જણ અને ઉપર બેઠેલો ઈશ્વર તો અમને બન્નેને જુએ જ છે. મહાત્માજીએ કહ્યું છે કે જ્યાં કોઈ ન જુએ ત્યાં જઈને ચકલીને મારવાની છે, પરંતુ ક્યાંય પણ જાઉં ત્રણ જણ તો જોશે જ. તેણે ઘણો વિચાર કર્યો અને કોઈ માર્ગ ન સૂઝતા ચકલીને જીવતી જ લઈને મહાત્માજી પાસે ગયો.

ગુરુજીએ પહેલા યુવાનને પૂછ્યું, ‘મેં તને ચકલીને કોઈ ન જુએ ત્યાં મારવાનું કહ્યું હતું તે એ કેવી રીતે કર્યું અને પછી મરેલી ચકલીનું શું થયું?’

પહેલા યુવાને કહ્યું, ‘ગુરુજી, હું જંગલમાં ગયો અને ત્યાં કોઈ જુએ નહીં એ રીતે ચકલીની ડોક મરડીને મારી અને ત્યાં જ ફેંકી દીધી. એક શિયાળ એને ખાઈ ગયું.’

ગુરુજીએ તેને કહ્યું, ‘શિયાળે મરેલી ચકલી ખાધી. એનો અર્થ તે ચકલી મારીને ફેંકી એ શિયાળે તો જોયું જ અને મારી શરત હતી કે કોઈ ન જુએ ત્યાં ચકલીને મારવાની છે.’

મહાત્માજીએ બીજા યુવાનને પૂછ્યું, ભાઈ, તે શરત કેમ પૂરી કરી નથી. હજી આ ચકલી મારી નથી?’

આ પણ વાંચો : ઈશ્વરની મહેર (લાઇફ કા ફન્ડા)

યુવાને જવાબ આપ્યો, ‘મહાત્માજી, હું જ્યાં-જ્યાં ગયો ત્યાં હું, ચકલી અને ઈશ્વર ત્રણ જણ તો મારા કૃત્યના સાક્ષી થતા જ હતા અને ચાલો, મારી આંખ બંધ કરું; ચકલીની આંખે પાટા બાંધું પણ ઉપર બેઠેલો ઈશ્વર તો હું ક્યાંય પણ જઈ ચકલીને મારું તે જોવા શક્તિમાન જ છે અને એવી કોઈ જગ્યા મને મળી નહીં જ્યાં ઈશ્વર ન હોય.’

મહાત્માજી જવાબ સાંભળી ખુશ થયા અને બોલ્યા, ‘તું જ્ઞાન મેળવવા અધિકારી છે. હું તને જ્ઞાન આપીશ.’

columnists