એવી બે ચીજો (લાઇફ કા ફન્ડા)

05 June, 2019 10:21 AM IST  |  | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

એવી બે ચીજો (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક દિવસ બાદશાહ અકબરે ભરદરબારમાં અચાનક પ્રશ્ન કર્યો કે કોઈ એવી વસ્તુઓ છે જે આપવાથી આપનારનું કંઈ નથી જતું કે કંઈ ઓછું નથી થતું?

બાદશાહનો આવો વિચિત્ર પ્રશ્ન સાંભળીને બધા મનમાં મૂંઝાયા કે આ તે કેવો વિચિત્ર પ્રશ્ન છે. કોઈને કોઈ પણ વસ્તુ આપીએ તો તે વસ્તુ આપણી પાસેથી તેની પાસે જતી રહે છે અને આપણી પાસેથી ઓછી તો થાય જ છે. પછી ભલે તે વસ્તુની કિંમત ઓછી હોય કે વધારે, કોઈ કંઈ બોલ્યું નહીં. બધાની નજર બિરબલને શોધવા લાગી, પણ બિરબલ દરબારમાં હતા નહીં. બાદશાહે ફરી પ્રશ્ન પૂછ્યો. બધા દરબારીઓ નીચું જોઈ ગયા અને ચૂપ રહ્યા, કારણ કે કોઈ પાસે જવાબ નહોતો.

બિરબલ મસ્જિદ અને મંદિરની બહાર ગરીબ લોકોને અનાજ અને મીઠાઈ વહેંચવા ગયા હતા. નાનાં ગરીબ બાળકોના હાથમાં તેઓ મીઠાઈ મૂકતા અને તેમના ચહેરા પર એક સ્મિત ફરકતું એ જોઈને બિરબલનું મુખ પણ સ્મિતથી ચમકી જતું. જેના હાથમાં અનાજની થેલી મૂકતા તે વ્યક્તિ આભાર સાથે જુગ જુગ જીઓના આશિષ અને ખુશ રહોની દુઆ આપતો.

પછી બિરબલ દરબારમાં પહોંચ્યા. દરબારમાં શાંતિ હતી. કોઈ કંઈ બોલી નહોતું રહ્યું. બધાના ચહેરા વિલાયેલા હતા. બાદશાહ નાખુશ હતા કે મારા દરબારમાં કોઈ મારા પ્રશ્નનો જવાબ આપી શકે એમ નથી. બિરબલ બાદશાહ પાસે ગયા અને સ્મિત આપી, સલામ કરી પૂછ્યું, બાદશાહ સલામત, શું થયું? આપ કેમ નાખુશ છો? બાદશાહ અકબરે નાનકડું સ્મિત આપી પોતાના મનનો પ્રશ્ન બિરબલને કહ્યો કે શું કોઈ એવી વસ્તુઓ છે જે આપવાથી આપનારનું કંઈ નથી જતું. કંઈ ઓછું નથી થતું? પ્રશ્ન સાંભળીને બિરબલના મોઢા પર સ્મિત ચમક્યું અને તેણે તરત જ કહ્યું, હજૂર, આવી એક નહીં બે વસ્તુઓ છે જે આપવાથી આપનારનું કંઈ નથી જતું કે કંઈ ઓછું થતું નથી, ઊલટું વધે છે. બાદશાહે તરત પૂછ્યું, કઈ બે વસ્તુ? બધા દરબારીઓ પણ બિરબલનો અવાજ સંભાળવા આતુર બન્યા.

આ પણ વાંચો : જ્ઞાનની કિંમત (લાઇફ કા ફન્ડા)

બિરબલે જવાબ આપ્યો, જહાંપનાહ, આપવાથી ઘટે નહીં અને વધતી રહે એવી બે વસ્તુઓ હું હમણાં જ આપી અને મેળવીને આવ્યો છું તે બે વસ્તુઓ છે સ્મિત અને દુઆ. પછી પોતે દરબારમાં આવતાં પહેલાં મંદિર અને મસ્જિદ બહાર ગરીબોને મીઠાઈ અને અનાજ આપવા ગયા હતા ત્યારનો અનુભવ કહ્યો અને જણાવ્યું, હજૂર, બાળકોના ચહેરાના સ્મિતે મને સ્મિત આપ્યું. ગરીબો પાસે કંઈ નહોતું એથી તેમણે મને અણમોલ દુઆ આપી. તમે નાખુશ હતા, મેં તમને સ્મિત આપ્યું. તો તમારા ચહેરા પર નાનકડું સ્મિત પ્રગટ્યું. અમે આપને બાદશાહ સલામત કહી સંબોધીએ છીએ એની પાછળ આપ સદા સલામત રહોની દુઆ છે જે બધા જ તમારે માટે કરે છે. દુઆ અને સ્મિત આ બન્ને એવી વસ્તુ છે જે આપતાં વધતી રહે છે.

columnists