છેલ્લી ચિઠ્ઠી (લાઇફ કા ફન્ડા)

17 April, 2019 09:56 AM IST  |  | હેતા ભૂષણ

છેલ્લી ચિઠ્ઠી (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક પૈસાદાર માણસે ઘણા પૈસા કમાઈ લીધા અને હવે રિટાયર થઈને બસ જીવનનો આનંદ લેવાનું નક્કી કર્યું. આ બધી સંપત્તિ એકઠી કરવા અને રિટાયર થયા બાદ મોજમજા માણવા માણસે જીવનભર સખત મહેનત કરી હતી અને બસ રિટાયર થયાનું નક્કી કાર્ય અને પહેલા દિવસે શું શું કરવું એનો વિચાર કરતો હતો ત્યાં તેના દરવાજે દેવદૂત આવીને ઊભો રહ્યો અને કહ્યું, ઉચક જીવ, આ લોકમાં તારો સમય પૂરો થયો છે. થોડી ક્ષણોમાં તારું મૃત્યુ થશે.

માણસ પોતાના મૃત્યુને સામે જોઈને અવાચક્ થઈ ગયો. તેને માનવામાં નહોતું આવતું હતું કે હજી મેં જીવન માણવાનું શરૂ પણ નહોતું કર્યું અને આમ અચાનક સમય પૂરો થઈ જશે. માણસ પાસે ખૂબ પૈસા હતા એટલે તેણે એમ વિચાર્યું કે પૈસા આપી જીવનનો થોડો વધુ સમય જીવવા માટે ખરીદી લઉં. તેણે દેવદૂતને કહ્યું, તને જેટલી જોઈએ એટલી મારી મિલકત લઈ લે, પણ મને થોડાં વધારે વર્ષો જીવવા દે. દેવદૂતે કહ્યું, જીવ, તારા પૈસાથી તું તારી દુનિયામાં બધું ખરીદી શકતો હોઈશ, પણ મારી પાસેથી કંઈ નહીં ખરીદી શકે અને મૃત્યુનો સમય તો કોઈનો પણ બદલાતો નથી.

માણસે હવે દેવદૂતને આજીજી કરી કે મને ખાલી એક દિવસની મહોલત આપ. હું આ સૃષ્ટિને માની લઉં. છેલ્લી વાર મારા કુટુંબ અને મિત્રોને મળી લઉં. જેમને હું ઘણા લાંબા સમયથી મળ્યો જ નથી. જોઈએ તો મારી બધી સંપત્તિ તને આપી દઉં, પણ મને એક દિવસ આપ. દેવદૂતે ના પાડી. માણસે છેલ્લે એક કલાક આપવાની વિનંતી કરી. દેવદૂતે કહ્યું કે એ શક્ય જ નથી.

છેલ્લે થાકી-હારીને માણસે પોતાના મૃત્યુને સ્વીકાર્યું અને દેવદૂતને આંખોમાં આંસુ સાથે વિનંતી કરી કે મને માત્ર એક મિનિટ આપ જેથી હું આ દુનિયામાંથી વિદાય લેતાં પહેલાં મારા મનની વાત એક છેલ્લી ચિઠ્ઠીમાં લખી શકું અને જગતને અલવિદા કહી દઉં. દેવદૂતે તેની આ વિનંતી માન્ય રાખી અને તેને જીવનની છેલ્લી ચિઠ્ઠી લખવા એક મિનિટનો સમય આપ્યો.

આ પણ વાંચો : સ્વચ્છતાની શરૂઆત (લાઇફ કા ફન્ડા)

પેલા માણસે લખ્યું કે તમને મળેલા સમયનો બરાબર સાચી રીતે ઉપયોગ કરજો...હું મારા જીવનભરની આટલીબધી કમાયેલી દોલતમાંથી મારા માટે જીવનનો એક કલાક પણ ખરીદી શક્યો નથી. તમારા માની વાત સાંભળો. તેની છચ્છા પૂરી કરો. આજુબાજુની વ્યક્તિ અને વસ્તુની સાચી કિંમત કરો અને જીવનની એક એક પળને માણો. ખબર નથી ક્યારે મૃત્યુ દ્વાર ખખડાવશે.... અલવિદા...

columnists