જ્યાં છો ત્યાં ખીલો (લાઇફ કા ફન્ડા)

03 April, 2019 10:59 AM IST  |  | હેતા ભૂષણ

જ્યાં છો ત્યાં ખીલો (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક ૩૮ વર્ષનો યુવાન નામ રાકેશ. તે પત્ની, બાળકો, માતા-પિતા સાથે રહે. થોડું ભણેલો અને એક સારી નોકરી હોવાથી ખપપૂરતું કમાઈ લે. બસ, ખાધે-પીધે સુખી કુટુંબ, પરંતુ રાકેશ જરા પણ ખુશ નહીં. ક્યારેય હશે નહીં, હંમેશાં ગુસ્સામાં જ હોય અને પોતે ખૂબ મોટી સફળતા નથી મેળવી શક્યો એના માટે ક્યારેક માતા-પિતાને દોષ આપે. તમે મને સારી શાળામાં ન મોકલ્યો, તમે મને સારી કરીઅર બનાવવાનો રસ્તો ન બતાવ્યો. ક્યારેક ભાગ્યને દોષ આપે. મારું જ ભાગ્ય આવું છે. ક્યારેક પત્નીને દોષ આપે કે તું ઓછું ભણેલી છે, મારા બીજા મિત્રોની પત્નીઓ જો. બસ, બધા પ્રત્યે ફરિયાદ જ ફરિયાદ અને જે મિત્રો, સ્વજનો આગળ વધી ગયા, વધુ સફળ થઈ ગયા તે બધાની ઇર્ષ્યા.

એક રવિવારે સવારે રાકેશ પોતાનો ગુસ્સો પત્ની અને બાળકો પર કાઢી રહ્યો હતો. પત્ની કઈ બોલી નહીં, ચૂપચાપ પોતાના નાનકડા કિચન ગાર્ડનના શોખને પૂરો કરવા વાવેલા ફૂલછોડને પાણી પાવા લાગી. રાકેશનો બબડાટ ચાલુ જ હતો. તેના પિતા તેની પાસે આવ્યા. અનુભવી પિતા તેનો હાથ પકડી તેની પત્ની નાનકડી ગૅલરીમાં જતનથી ઉગાડેલા ફૂલછોડને પાણી પાઈ રહી હતી ત્યાં લઈ ગયા અને પછી બોલ્યા, ‘આ જો.’

રાકેશ ગુસ્સામાં બોલ્યો, ‘આમાં શું જોવાનું? ક્યા બંગલામાં ઊછરેલું રોઝ ગાર્ડન છે કે ખાસ જોવા જેવું હોય.’

રાકેશના પિતાએ કહ્યું, ‘ભાઈ, શાંતિ રાખ. શું જેના ઘરે રોઝ ગાર્ડન નથી હોતું તે બધા ખુશ નથી હોતા શું? જો આ દરેક ફૂલછોડ જો, કેટલાં નાનાં-નાનાં કૂંડાંમાં ઉગાડેલા છે, ક્યાંક તો કૂંડાં નહીં પણ કોઈ પણ ડબ્બામાં વાવવામાં આવ્યા છે. તો શું આ ફૂલછોડ ઊગ્યા નથી, ખીલ્યા નથી; લીલાછમ નથી?! અને તારી પત્નીને ગાર્ડનિંગનો શોખ છે તો તેણે પોતાની રીતે રસ્તો કાઢી શોખ પૂરો કર્યો છે. તેણે કોઈ દિવસ તારી સાથે ઝઘડો કર્યો છે કે મારે મારો ગાર્ડનિંગનો શોખ પૂરો કરવો છે. તમે મોટું ગાર્ડન કે અગાસીવાળું ઘર લો કે મને મોંઘા ફૂલછોડ કુંડા માટે પૈસા આપો?’

રાકેશ શું બોલે? પિતાએ ફરી કહ્યું, ‘જવાબ આપ.’

રાકેશે ધીમેથી કહ્યું, ‘ના.’

આ પણ વાંચો : કયા દિવસો સારા? - (લાઇફ કા ફન્ડા)

પિતા બોલ્યા, ‘દીકરા સમજ, એક વાત ધ્યાનમાં રાખ. જ્યાં વવાયા હોઈએ ત્યાં ખીલતા શીખવું જોઈએ. જેવા સંજોગો હોય, પરિસ્થિતિ હોય, સ્વીકારી એમાં મહત્તમ ખુશી શોધી લેવી જ જીવન જીવવાની કળા છે.’

રાકેશ સમજ્યો અને ફરિયાદ કરવાનું બંધ કરી ખુશ રહેવા લાગ્યો અને પરિવારને ખુશ રાખવા લાગ્યો.

columnists