સ્વચ્છતાની શરૂઆત (લાઇફ કા ફન્ડા)

16 April, 2019 11:51 AM IST  |  | હેતા ભૂષણ

સ્વચ્છતાની શરૂઆત (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

ટ્રેન અમદાવાદથી ઊપડી એટલે ધીમે-ધીમે બધા સામાન ગોઠવી બેસી ગયા. આજુબાજુના લોકો સાથે વાતચીત શરૂ થઈ. ક્યાંથી આવો છો? ક્યાં જવાના છો? શું કામ જવાના છો? વગેરે વગેરે સવાલો પુછાયા અને વાતો લાંબી ચાલી. બે આધેડ વયનાં કાકા-કાકી હતાં. બે ૭૦/૭૫ વર્ષના સિનિયર સિટિઝન હતા. બે કૉલેજિયન છોકરા, એક શાળામાં જતો ૧૪ વર્ષનો વિદ્યાર્થી કેવલ અને તેની યુવાન મમ્મી. વાતો ચાલતી હતી અને ટ્રેન એક પછી એક સ્ટેશન વટાવતી આગળ વધતી હતી.

આગળ વધતી મુસાફરીમાં ખાવાની વધારે મજા આવે એ નિયમ મુજબ ખાણી-પીણીની શરૂઆત થઈ. કાકા-કાકીએ સેવ-મમરા કાઢ્યાં, બધાને પૂછ્યું. સિનિયર સિટિઝન કાકાએ મમરા લીધા, બાકી બધાએ ના પાડી અને આભાર માન્યો. મમરા આપવામાં અને ખાવામાં નીચે ઢોળાયા, પણ કોઈએ ઉપડ્યા નહીં. પગ નીચે અન્ન કચડાય પણ ત્યારે આપણે આંખ આડા કાન કરીએ. શાળામાં ભણતા વિદ્યાર્થી કેવલે મમ્મીને ધીમેથી કહ્યું, ‘મમ્મી, આ દાદા-દાદી કચરો કરે છે, હું નીચેથી સાફ કરી લઉં.’

મમ્મીએ આંખો કાઢી અને ધીમેથી કહ્યું, ‘તું ચુપચાપ બેસ.’

ટ્રેન આગળ ચાલી. ઠંડાં પીણાં અને પાણીની બૉટલ વેચવા વાળો આવ્યો. કોઈએ પાણી લીધું, કોઈએ ઠંડું પીણું; કોઈએ દૂધ. પૈસા અપાઈ ગયા પછી ફરી કાકા-કાકીએ એક ઠંડું પીણું ભેગાં મળી પીધું અને બૉટલ બારીની બહાર ફેંકી. બે કાકા દૂધ પીતા હતા અને કેવલને પણ તેની મમ્મીએ દૂધ પરાણે પીવડાવ્યું. દૂધ પીવાઈ જતાં કેવલ દૂધની ખાલી બૉટલ હાથમાં પકડી બેઠો હતો. પેલા બે કાકાનું દૂધ પીવાય જતાં એક કાકાએ કાચની બૉટલ હતી છતાં કઈ પણ વિચાર્યા વિના બહાર ફેંકી દીધી અને પેલા બીજા કાકાની અને કેવલની બૉટલ જોઈ બોલ્યા, ‘લાવ, આ બે પણ બહાર ફેંકી દઉં, અહીં ક્યાં રાખશું.’

આટલું બોલી પોતે બૉટલ બહાર ફેંકવા જતા હતા. કેવલે પોતાની બૉટલ આપી નહીં અને બોલ્યો, ‘મારા ટીચર કહે છે કે ક્યાંય કચરો ફેંકાય નહીં. તમે બહાર કાચની બૉટલ ફેંકી એ તૂટી જાય અને કોઈને વાગે તો? હું બૉટલ બહાર નહીં ફેંકું અને કોઈને નહીં ફેંકવા દઉં.’

તેણે મમ્મી પાસેથી ખાલી થેલી લીધી અને એમાં કચરો ભરવા લાગ્યો. આખા ડબ્બામાં ફરીને તેણે કચરો અને ખાલી બૉટલો એમાં ભરી. બધા શાળામાં ભણતા કેવલની સાચી વાત સાંભળી શરમ અનુભવવા લાગ્યા અને આજુબાજુ પોતે કરેલો કચરો સાફ કરવા લાગ્યા.

આ પણ વાંચો : લાઇફ કા ફન્ડા - મમ્મી છેને

અસ્વચ્છતાની ફરિયાદ અને બૂમાબૂમ કરવાની છોડી પોતે જ સ્વચ્છતા જાળવવાની શરૂઆત કરવી જરૂરી છે.

columnists