આપણી બિનજરૂરી જરૂરિયાતો (લાઇફ કા ફન્ડા)

19 April, 2019 12:10 PM IST  |  | હેતા ભૂષણ

આપણી બિનજરૂરી જરૂરિયાતો (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક ગામમાં નગરશેઠનો દીકરો શહેરથી ભણીને આવ્યો અને ઘણા મૉડર્ન વિચારો લઈ આવ્યો. ગામમાં શેઠની બે કરિયાણાની દુકાન હતી. લગભગ જરૂરિયાતની બધી વસ્તુ ત્યાં મળે અને આખું ગામ નાની મોટી વસ્તુઓ ત્યાંથી જ ખરીદે. કોઈ વસ્તુ જરૂરી હોય અને દુકાનમાં ન હોય તો પછી શેઠ મગાવી આપે. શેઠની એક દુકાન નાની અને બીજી મોટી હતી.

ભણેલો-ગણેલો મૉર્ડન દીકરો આવ્યો. શેઠે વેપાર વધારવાના ઇરાદા સાથે તેને પૂછ્યું, ‘દીકરા તને શું લાગે છે, આગળ જતાં આપણી બંને દુકાનો તારે સંભાળવાની છે, તો વેપાર વધારવા તેમાં શું ફેરફાર કરવા જોઈએ.’ દીકરાએ કહ્યું, ‘પિતાજી, ફેરફાર તો ઘણા કરવાની જરૂર છે. હું તમને બે દિવસમાં બધો પ્રોજેક્ટ વિગતવાર જણાવું છું.’

અને બે દિવસ મહેનત કરી યુવાન દીકરાએ આખો પ્રોજેક્ટ રજૂ કર્યો. બે દુકાન વેચી તેમાંથી એક મોટી ત્રણ માળની દુકાન કરવી જેમાં બધી જ વસ્તુઓ મળે, ઝીણામાં ઝીણી પિનથી લઈ મોંઘાં વસ્ત્રો અને ઉપકરણો સુધી બધું જ. એ.સી. દુકાન. યુનિફૉર્મમાં સ્ટાફ વગેરે વગેરે. નગરશેઠ રાજી થયા. બધાને પ્રોજેક્ટ ગમી ગયો. આજ સુધી જે વસ્તુઓ ગામમાં મળતી ન હતી તે પણ આ દુકાનમાં મળવી શરૂ થવાની હતી. આટલી સરસ દુકાન બની જાય તો આજુબાજુનાં ગામથી પણ લોકો ખરીદી કરવા આવે. તેથી વેપાર પણ વધે. નગરશેઠે લીલી ઝંડી આપી. દુકાનનું કામ શરૂ થયું અને છ મહિનાની મહેનતને અંતે દુકાન તૈયાર થઈ ગઈ.

સારું મુહૂર્ત જોઈને નગરશેઠે ઉદ્ઘાટન રાખ્યું અને ઉદ્ઘાટનમાં પોતે જેમને ગુરુ માનતા હતા તે સંતને ખાસ નિમંત્રણ આપી બોલાવ્યા. નગરશેઠના ગુરુ સાચા સંત હતા. જ્ઞાની અને સરળ. તેમણે વિધિપૂર્વક પૂજા કરી અને નગરશેઠને શુભકામના આપી. યુવાન દીકરાએ રિબન કાપવાનું કહ્યું ત્યારે સંતે વિનયપૂર્વક ના પડી કહ્યું, ‘આપણી સંસ્કૃતિ જોડવાની છે, કાપવાની નહીં’ અને દીવો પ્રગટાવી ઉદ્ઘાટન કર્યું. યુવાન દીકરો ઉત્સાહથી બધું તેમને બતાવતો હતો. તેણે કહ્યું ‘અહીં હજારો વસ્તુઓ મળે છે. ઘણી તો એવી છે કે ગામ લોકોએ પહેલાં જોઈ પણ નહીં હોય. શેઠે વિનયપૂર્વક હાથ જોડી કહ્યું, ‘બાપજી, આખી દુકાન તમારી છે. આપને જે જરૂરી હોય તે વસ્તુઓ લખાવી દો. હું આપની કુટિર પર મોકલાવી દઈશ.’

આ પણ વાંચો : અંતરનો અવાજ સાંભળો (લાઇફ કા ફન્ડા)

સંત મલક્યા. બોલ્યા, ‘આભાર, પણ મારું જીવન આ બધી હજારો જરૂરિયાતની વસ્તુ વિના પણ પ્રેમથી વ્યતીત થઇ રહ્યું છે. મને આમાંથી કોઈ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી અને એ વાતનું આશ્ચર્ય થાય છે કે તમે કેટલી બધી બિનજરૂરી વસ્તુઓ વાપરો છો અને અત્યાર સુધી ગામ લોકો જે નહોતા વાપરતા તે પણ અહીં લાવી વેચશો એટલે તેઓની પણ બિનજરૂરી જરૂરિયાત વધશે. શેઠ અને વેપારી ચૂપ થઇ ગયા. અને સંત કોઈ વસ્તુ લીધા વિના ચાલી નીકળ્યા.

columnists