પોપટિયું જ્ઞાન (લાઇફ કા ફન્ડા)

30 May, 2019 11:49 AM IST  |  | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

પોપટિયું જ્ઞાન (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક સંતના આશ્રમના નાના બાગમાં એક સુંદર પોપટ ઊડતો ઊડતો આવ્યો. સંતના એક નાના શિષ્યને તે નાનો સુંદર પોપટ બહુ ગમી ગયો. તેણે તેને પકડીને પીંજરામાં પૂરી દીધો.

સંતે શિષ્યને કહ્યું ‘વત્સ, આ પંખીને આમ કેદ ન કર. પરતંત્રા સંસારનો સૌથી મોટો અભિશાપ છે.’ પણ શિષ્યનો મોહ ન છૂટ્યો, તેણે પોપટને ન છોડ્યો. પીંજરામાં કેદ જ રાખ્યો.

સંતે વિચાર્યું, લાવ પોપટને સ્વતંત્રતાનો પાઠ પઢાવું.

સંતે પોપટનું પીંજરું પોતાની કુટિરમાં મગાવ્યું. શિષ્ય ખુશ થયો. વિચારવા લાગ્યો કે ગુરુ પોપટને પીંજરામાં પુરવાની ના પાડતા હતા, હવે તેમને પણ આ પોપટ ગમવા લાગ્યો છે એટલે ગુરુજી તેની સાથે રમવા માગે છે. આમ વિચારતા વિચારતા શિષ્ય હોંશે હોંશે પીંજરું ગુરુની કુટિરમાં મૂકી ગયો.

ગુરુજીએ પોપટના પાંજરાનો દરવાજો ખોલી નાખ્યો...અને તેઓ પોપટની પાસે જઈને એકસરખું બોલવા લાગ્યા... પરતંત્રા અભિશાપ છે અને સ્વતંત્રતા જ જીવન છે. ગુરુજી સતત આમ બોલતા રહ્યા તેથી પોપટને પણ આ પાઠ યાદ રહી ગયો. ગુરુજીએ હવે પોપટનું પાંજરું પોતાની કુટિરમાં જ રાખ્યું અને સવાર-સાંજ ગુરુજી ‘પરતંત્રા અભિશાપ છે અને સ્વતંત્રતા જ જીવન છે’ આ જ પાઠ પોપટ પાસે કરતા અને પોપટને શીખવતા અને પાંજરાનો દરવાજો ખુલ્લો જ રાખતા.

પોપટને હવે ‘પરતંત્રા અભિશાપ છે અને સ્વતંત્રતા જ જીવન છે’ આ પાઠ બોલતા આવડી ગયો. તે સતત આ જ વાક્ય બોલતો રહેતો. પોપટને આ પાઠ બોલતા આવડી ગયો પણ તેનો અર્થ તે સમજ્યો જ નહીં.

એક દિવસ ગુરુજી પાંજરાનો દરવાજો ખુલ્લો મૂકી કુટિરની બહાર ગયા. પોપટ પાંજરાની બહાર નીકળી ‘પરતંત્રા અભિશાપ છે અને સ્વતંત્રતા જ જીવન છે, પરતંત્રા અભિશાપ છે અને સ્વતંત્રતા જ જીવન છે’ એમ સતત બોલતો બોલતો આખી કુટિરમાં ફરી રહ્યો હતો.

આ પણ વાંચો : ત્રણ ડાકુ - (લાઇફ કા ફન્ડા)

ગુરુજી જ્યારે કુટિરમાં આવ્યા ત્યારે ગુરુજીના આવવાની આહટ સાંભળી ત્યારે પોપટ પાઠ બોલતા બોલતા જલ્દી પાંજરાની અંદર જતો રહ્યો. ગુરુજીએ આ જોયું અને જાતે જ મનમાં હસતાં હસતાં વિચારવા લાગ્યા કે મેં આ પોપટને પાઠ ભણાવ્યો, પોપટે પાઠ રટી લીધો, પણ તે એનો અર્થ સમજ્યો જ નથી. પાંજરાનો દરવાજો ખુલ્લો હતો છતાં તે ઊડી ન ગયો.

કારણ તે પાઠનો અર્થ સમજ્યો હોત તો પાંજરામાંથી ઊડી જાત, પણ તે તો બહાર નીકળી પાઠ ભણતા ભણતા ફરી પાંજરામાં જતો રહ્યો.

જીવનમાં જે પણ જ્ઞાન મેળવો, બરાબર પાયાથી શીખો. પોપટિયું જ્ઞાન નકામું છે.

columnists