પ્રેમ અને સમય (લાઇફ કા ફન્ડા)

11 July, 2019 11:21 AM IST  |  મુંબઈ ડેસ્ક | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

પ્રેમ અને સમય (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

સૃષ્ટિની શરૂઆતમાં એક ટાપુ પર બધી લાગણીઓ રહેતી હતી જેમ કે ખુશી, જ્ઞાન, દુઃખ, સુખ, સુંદરતા, સમૃદ્ધિ, પ્રેમ વગેરે વગેરે. બધાં પોતપોતાની દુનિયામાં મસ્ત હતાં. એક દિવસ એવું જાણવા મળ્યું કે થોડા વખતમાં સૃષ્ટિમાં પ્રલય આવશે અને આ ટાપુ ડૂબી જશે. હવે બધી લાગણીઓએ ટાપુને છોડવાનો નિર્ણય કર્યો અને બધાં પોતપોતાની શક્તિ અને આવડત પ્રમાણે નાવ બનાવવા લાગ્યાં અને એક પછી એક ટાપુ છોડીને જવા લાગ્યાં. એક માત્ર પ્રેમ જ પોતાના ટાપુ માટેના પ્રેમથી લઈને ટાપુ જોડે જોડાયેલો રહ્યો. તેણે ટાપુને બચાવવાના અને પોતાને બચાવવાના પ્રયત્નો છેલ્લે સુધી કર્યા. છેલ્લે જ્ઞાને પ્રેમને સમજાવ્યું કે ખોટી મમત ન રાખ, તું પણ આ ટાપુ છોડીને નીકળી જા એમાં જ સમજદારી છે.

પ્રેમ પાસે તો કોઈ નૌકા હતી નહીં. સમૃદ્ધિની નાવ સૌથી મોટી હતી એટલે તેને પૂછ્યું, ‘સમૃદ્ધિ, મને મદદ કર, હું તારી સાથે આવું.’

સ્મૃદ્ધિએ તરત ના પડતાં કહ્યું, ‘ના, પ્રેમ મારી નાવ હીરા-મોતીથી ભરેલી છે એમાં હવે બિલકુલ જગ્યા નથી.’

પ્રેમે સુંદરતાને સુંદર નાવમાં પસાર થતી જોઈ અને મદદ માગી. સુંદરતાએ કહ્યું, ‘ના-ના, તું તારા હાલ તો જો, ભીનો અને માટીવાળો છે. મારી સુંદર નાવ ખરાબ થઈ જશે.’

સુખ તો અટક્યા વિના ત્યાંથી ઝડપથી પસાર થઈ ગયું, દુઃખ ઊભું રહ્યું. પ્રેમે પૂછ્યું, ‘હું તારી સાથે આવું?’

દુઃખ બોલ્યું, ‘હું એકદમ દુઃખી છું, મારે એકલા રહેવું છે.’

કોઈએ પ્રેમની મદદ કરી નહીં. ટાપુ ડૂબવાની તૈયારીમાં હતો. જ્ઞાન પણ ઊડી ગયું અને એક વૃદ્ધ માણસે પ્રેમને ડૂબતા બચાવ્યો અને તેનો હાથ ઝાલી પોતાની સાથે લઈ ગયો. એને શાંત, સુંદર, સરસ પ્રદેશમાં લઈ આવ્યો. પ્રેમ તે વૃદ્ધ માણસને ઓળખતો ન હતો. તેણે આજુબાજુ નજર દોડાવી ત્યારે જ્ઞાનને જોયું અને પૂછ્યું, ‘આ જેણે મને બચાવ્યો તે કોણ છે?’

જ્ઞાને કહ્યું, ‘એ સમય છે.’

પ્રેમ બોલ્યો, ‘સમય? પણ સમયે મને કેમ બચાવ્યો?’

આ પણ વાંચો : તમારું મૂલ્ય (લાઇફ કા ફન્ડા)

જ્ઞાને સ્મિત સાથે સમજાવ્યું, ‘કારણ સમય જ એ સમજી શકે છે કે પ્રેમ કેટલો કીમતી છે, કેટલો જરૂરી છે. સુખ, દુઃખ, સુંદરતા, સમૃદ્ધિ પોતપોતાની જરૂરિયાત પ્રમાણે સાથ આપે છે પછી સાથ છોડી દે છે, પણ સમય સાચા પ્રેમનો સાથ છોડતો નથી.’

જે કોઈ પણ સમયમાં સાથ છોડે નહીં એ પ્રેમ છે. સાચો પ્રેમ કરો તો સાથ છોડો નહીં અને તમારો સમય તેમને જ આપો જે તમારા સાચા પ્રેમની કીમત સમજી શકે.

columnists