અંતરનો અવાજ સાંભળો (લાઇફ કા ફન્ડા)

18 April, 2019 11:56 AM IST  |  | હેતા ભૂષણ

અંતરનો અવાજ સાંભળો (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક વખત પાંચ માણસો ગીચ જંગલમાં ભૂલા પડી ગયા. હવે શું કરવું...?

પહેલા માણસે કહ્યું, મારું મન કહે છે કે ડાબી બાજુ જવું જોઈએ. હું એ તરફ જઈશ. બીજા માણસે કહ્યું, મને લાગે છે કે જમણી બાજુનો રસ્તો સાચો છે. હું એ તરફ આગળ વધીશ. ત્રીજા માણસે કહ્યું, મને લાગે છે કે જે બાજુથી આવ્યા હતા એ તરફ પાછા વળી જવું જોઈએ. ચોથા માણસે કહ્યું, હું તો સીધો આગળ વધીશ. આ જંગલ ક્યાંક તો પૂરું થશે અને કોઈ નવા સ્થળે પહોંચશે.

પાંચમા માણસે કહ્યું, તમે બધા ખોટા છો. મારી પાસે સાચો રસ્તો છે. ઊભા રહો. આમ કહીને તેણે આજુબાજુ નજર દોડાવીને સૌથી ઊંચું ઝાડ શોધ્યું. ત્યાં સુધી બધા પોતપોતાના રસ્તા તરફ આગળ વધી ગયા અને પાંચમા માણસે ઝાડની ટોચ સુધી ચડીને ચારે બાજુ નિરીક્ષણ કર્યું અને બહાર નીકળવાનો સૌથી ટૂંકો રસ્તો શોધ્યો. તેણે તકલીફને સમજીને સૌથી સારો ઉપાય શોધ્યો. તેણે બીજા ચારને પણ પોતપોતાના રસ્તે આગળ વળતા જોયા. તેણે વિચાર્યું કે મેં કર્યું એ સાચું કર્યું. બરાબર કર્યું. બીજાઓએ જીદમાં આવીને મારી વાત માની નહીં અને ખોટા માર્ગે આગળ વધી ગયા. હું સમજદાર અને સાચો હતો, તેઓ બધા ખોટા.

પહેલી નજરે જોતાં પાંચમા માણસની વાત સાચી લાગે, પણ ખોટી હતી. તે સમજદાર હતો, પણ અન્ય ચાર પણ નાસમજ નહોતા. જે માણસ ડાબી બાજુ ગયો તેણે આગળ ગીચ જંગલ જોયું. જંગલી પ્રાણીઓ સાથે લડ્યો અને જંગલમાં કઈ રીતે જીવી શકાય એ શીખ્યું અને અન્યને શીખવ્યું. તે જંગલનો જાણકાર બની ગયો. જે માણસ જમણી બાજુ ગયો હતો તેને ડાકુઓએ લૂંટી લીધો અને મારી ન નાખ્યો, પણ પોતાની ટોળકીમાં સામેલ કરી લીધો. તેણે ધીમે-ધીમે ડાકુઓને સાચો રસ્તો સમજાવી માનવતા યાદ અપાવી અને સાચા રસ્તે વાળ્યા. ત્રીજો માણસ જે પાછો વળી ગયો હતો તેણે એક કેડી તૈયાર કરી જે જંગલમાં લઈ જાય અને ભૂલા ન પડવા દે. ચોથો માણસ જે સીધો ગયો હતો તે નવી જગ્યાએ પહોંચ્યો, જ્યાં સુધી હજી કોઈ ગયું નહોતું અને અન્ય બધા માટે નવી તકો નિર્માણ કરી. પાંચમો માણસ જેણે ઝાડ પર ચડીને સૌથી ટૂંકો રસ્તો શોધ્યો હતો તે અન્યને માર્ગદર્શન આપનાર બન્યો અને લોકોને દરેક પરિસ્થિતિમાં માર્ગદર્શન આપવા લાગ્યો.

આ પણ વાંચો : છેલ્લી ચિઠ્ઠી (લાઇફ કા ફન્ડા)

આ પાંચે સમજદાર માણસોએ પોતાના અંતરનો અવાજ સાંભળ્યો અને કોઈએ એકબીજાનું અનુકરણ ન કર્યું. અને પોતાના રસ્તે આગળ વધીને પોતાના ભાગ્યનું નિર્માણ કર્યું. અંતરનો અવાજ સાંભળો, એ તમને તમારા ભાગ્ય તરફ લઈ જશે.

columnists