અદૃશ્ય બંધન (લાઇફ કા ફન્ડા)

12 April, 2019 11:46 AM IST  |  | હેતા ભૂષણ

અદૃશ્ય બંધન (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક કુંભાર પાસે ત્રણ ગધેડા અને બે દોરડાં હતા. તેને નદીમાં નહાવા જવું હતું. નદીમાં નહાવા જતાં પહેલાં ગધેડાને બાંધવાનું નક્કી કર્યું, પણ દોરડાં બે અને ગધેડા ત્રણ. શું કરવું? કુંભારે બહુ વિચાર્યું શું કરવું. પછી કોઈક ડાહ્યા માણસની વાત યાદ આવી કે, પહેલા બે ગધેડાને ત્રીજો ગધેડો જુએ તે રીતે બાંધવો અને પછી ત્રીજા ગધેડાને ખોટે ખોટે એ જ રીતે દોરડાથી બાંધવાનું નાટક કરવું. બસ, કુંભારને રસ્તો જડી ગયો. તેણે એમ કરી ત્રણે ગધેડાને બાંધી દીધા. અને નહાવા ગયો.

નાહીને આવીને જોયું તો ત્રણે ગધેડા ત્યાં જ ઊભા હતા. ત્રીજા ગધેડાને જેને નહોતો બાંધ્યો, ફક્ત બાંધવાનું નાટક કર્યું હતું એ ત્યાં જ ઊભો હતો. કુંભારે બે ગધેડા છોડ્યા અને આગળ ચલવા માંડ્ય. જોયું તો બે ગધેડા તેની પાછળ ચાલી રહ્યા હતા, પણ ત્રીજો હજી ત્યાં જ ઉભો હતો... કારણ કુંભારે તેને ખોટે ખોટે બાંધ્યો હતો, પણ છોડ્યો નહોતો..!!! કુંભારે તેને છોડ્યો એટલે કે છોડવાનું નાટક કર્યું પછી તે ચાલવા લાગ્યો...

આ વાર્તા સાંભળી હશે. હવે એથી આગળ વિચારવાની વાત એ છે કે આ ત્રીજા ગધેડાને સાચે તો બાંધ્યો જ નહોતો, તો દોરડું હતું જ નહિ કે જે તેને અટકાવી શકે. તો પછી તેને કોણે અટકાવ્યો? કોણે બાંધી રાખ્યો? ગધેડો આઝાદ હતો, તેની પાસે તક હતી ત્યાંથી ચાલ્યા જવાની. પણ તે ન છૂટ્યો, કારણ તેના મન અને માન્યતા મુજબ તે બંધાયેલો હતો. જ્યારે માલિક આવ્યો અને સાથે લઈ જવા લાગ્યો ત્યારે પણ તે ન હાલ્યો, કારણ તેના માલિકે બીજા બે ગધેડા છોડ્યા, તેને છોડ્યો ન હતો. તેની પાસે ચાલવાની શક્તિ હતી. માલિક આગળ વધવા કહેતો હતો. સાથે હતા તે અન્ય ગધેડા ચાલવા લાગ્યા હતા છતાં તે ચાલતો નહોતો, કારણ તે હજી મનથી બંધાયેલો હતો.

આ પણ વાંચો : સૌથી સુખી માણસનું મૃત્યુ (લાઇફ કા ફન્ડા)

આપણા જીવનમાં પણ આપણે ઘણી વાર આ ત્રીજા ગધેડા બની જઈએ છીએ. સાવ હોય જ નહિ તેવા કાલ્પનિક શરમ... સંકોચ... ક્ષોભ... ડર... અન્ય મજાક કરશે તેવા આપના પોતાના જ કાલ્પનિક અથવા મનથી માની લીધેલા વિચારોનાં દરદોથી આપણે બંધાયેલા રહીએ છીએ, અને આ મારું કામ નહિ. મને ડર લાગે છે. ભાઈ, મને નહિ ફાવે, મને શરમ આવે છે, મને કોઈનો સાથ નથી. આ કામ મારાથી નહિ થઇ શકે. ના. ના મારી ભૂલ થશે તો. આવા બધા નકામા મનના વિચારોથી આપણે પાછા પડીએ છીએ. આ અદૃશ્ય દોરડાંઓથી આપણે બંધાયેલા છીએ, જીવનમાં આગળ વધવા તેનાથી આપણે આ દોરડાંઓથી છૂટવાની જરૂર છે.

columnists