બીજાની મદદ (લાઇફ કા ફન્ડા)

24 June, 2019 12:59 PM IST  |  મુંબઈ ડેસ્ક | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

બીજાની મદદ (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક ગામમાં એક અતિ કંજૂસ વ્યક્તિ રહેતી હતી. તેણે કોઈ દિવસ કોઈની કોઈ મદદ કરી ન હતી, ક્યારેય કોઈ સારું કામ કર્યું ન હતું. સમય જતા કોઈ પણ સારું કામ કાર્ય વિના કંજૂસ મરી ગયો. તેના જીવન-કર્મ પ્રમાણે કોઈ સારું કાર્ય ન કર્યું હોવાથી ચિત્રગુપ્તજીએ કંજૂસને નરકમાં સ્થાન આપ્યું.

સારાં કર્મો ન કરવાને કારણે કંજૂસને નરક મળ્યું. રોજ સવાર, બપોર, સાંજ તે નરકની ભયંકર યાતના ભોગવવા લાગ્યો. યાતના ભોગવી તે થાક્યો અને કંટાળ્યો. તે સતત ભગવાનને રોજ પ્રાર્થના કરતો કે ભગવાન મને આ યાતનામાંથી ઉગારો, મને માફ કરો, મને ઉગારો-મને માફ કરો. કંજૂસની આ સતત પ્રાર્થનાથી ભગવાનનું દિલ પીગળ્યું. તેમને દયા આવી. તેમણે ચિત્રગુપ્તને બોલાવી કંજૂસ જીવ વિષે પૂછ્યું. ચિત્રગુપ્તજીએ કહ્યું, ‘પ્રભુ, આ જીવ કંજૂસ હતો તેણે ક્યારેય કોઈ નાનકડું પણ સારું કામ કર્યું નથી.’ ભગવાનના મનમાં હજી દયા હતી. તેમણે કહ્યું, ‘ચિત્રગુપ્તજી ફરીથી તેના જીવનકાર્યો પર નજર નાખો, જુઓ કોઈ સારું કામ કર્યું છે કે નહીં?’ ચિત્રગુપ્તજીએ ફરી ચોપડો ખોલ્યો થોડીવાર પછી કહ્યું, ‘આ કંજૂસ જીવે એક વખત પોતાને કૂતરાથી બચાવવા તેને દૂર ભગાડવા વાસી રોટલાનો ટુકડો દૂર ફેંક્યો હતો અને તે રોટલાના ટુકડાએ કૂતરાની ભૂખ ભાંગી હતી.’ બસ ભગવાનને મોકો મળી ગયો. આ સારા કાર્યને ધ્યાનમાં લઈ ભગવાને કંજૂસ જીવની પ્રાર્થના સાંભળી તેને સ્વર્ગમાં બોલાવવાનો નિર્ણય લઈ લીધો.

બીજે દિવસે જ્યારે કંજૂસે પ્રાર્થના કરી ત્યારે ભગવાને તે પ્રાર્થનાનો જવાબ આપતાં કહ્યું, ‘જીવ તારી પ્રાર્થનાથી હું ખુશ થયો છું, તારા માટે સ્વર્ગથી સીડી મોકલું છું, તું તેને પકડી ચઢીને સ્વર્ગમાં આવી શકે છે.’ કંજૂસ ખુશ થઈ ગયો અને સીડીની રાહ જોવા લાગ્યો. ઉપરથી સીડી આવી તે અન્ય જીવોએ પણ જોઈ અને બધા તે સીડી પર ચઢવા માટે પડાપડી કરવા લાગ્યા. કંજૂસ ઊભો થયો અને સીડી પર ચઢનારા બધાને ધક્કા મારી કહેવા લાગ્યો, ‘ચલો દૂર હટો, આ સીડી મારા માટે છે, મારી પ્રાર્થનાનું ફળ છે. તમારે કોઈએ આવવાનું નથી, માત્ર હું જ સીડી પર ચઢી સ્વર્ગમાં જઈશ.’

આ પણ વાંચો : દુઃખી થવાનો સમય જ નથી - (લાઇફ કા ફન્ડા)

કંજૂસ આમ બોલ્યો અને સીડી ગાયબ થઈ ગઈ. ઈશ્વરનો અવાજ સંભળાયો કે ‘જીવ મને એમ કે આટલી નરકની યાતના અને રોજની પ્રાર્થના બાદ તું બદલાયો હોઈશ એટલે હું તને સ્વર્ગમાં સ્વીકારવા તૈયાર થયો, પણ તું તો હજી એવો ને એવો જ છે. કોઈની મદદ કરવા તું લેશમાત્ર રાજી નથી. આજે તે અન્ય જીવને પણ તારી સાથે સ્વર્ગમાં આવવા દીધા હોત તો તારું પુણ્ય અનેકગણું થઈ જાત અને તું હંમેશાં સ્વર્ગમાં રહી શકત, પણ તું સ્વર્ગ નહીં નરકને જ લાયક છે.’

columnists