ઈશ્વરની મહેર (લાઇફ કા ફન્ડા)

23 May, 2019 03:24 PM IST  |  | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

ઈશ્વરની મહેર (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક રાજા હતો. રાજાશાહી ઠાઠમાઠ. ક્યારેય કોઈ કામ જાતે કર્યું ન હતું. દાસ અને નોકરોની ફોજ તેમને માટે તૈયાર રહેતી હતી. એક દિવસ રાજા જંગલમાં પોતાના રસાલા સાથે શિકાર કરવા ગયા. જંગલમાં રાજા અને તેમના ત્રણ નોકર રસાલાથી છૂટા પડી ગયા. રસ્તો ભૂલી ગયા અને આખો દિવસ ભટકી ભટકીને થાકી ગયા. રાત્રે એક જગ્યાએ જંગલમાં જ પડાવ નાખ્યો. રાત્રે નોકરો બધી તૈયારી કરી સૂવા ગયા, પણ નોકર પાણીની સુરાહી ભરવાની ભૂલી ગયો.

શિકાર કરી થાકી ગયેલો રાજા સૂઈ ગયો. રાત્રે રાજા ઊંઘમાંથી ઉઠ્યા. તેને ખૂબ જ તરસ લાગી. નોકરને બૂમ મારી, પણ નોકરો થાકી ગયા હોવાથી કોઈ રાજાની બૂમ સાંભળી ઉઠ્યા નહીં. અંતે રાજા જ પથારીમાંથી ઊભા થયા અને સુરાહી સુધી ગયા. ખૂબ તરસ લાગી હતી પણ સુરાહી ખાલી. રાજાએ ફરી બૂમ પાડી, પણ કોઈ જવાબ મળ્યો નહીં.

અંતે તરસના માર્યા રાજા તંબુની બહાર નીકળી આજુબાજુ પાણી શોધવા લાગ્યા. થોડે દૂર ગયા ત્યારે એક કૂવો દેખાયો. રાજા કૂવા સુધી ગયા. પાણી કાઢવું કઈ રીતે તે તો આવડે નહીં પણ તરસના માર્યા ગળું સુકાતું હતું એટલે ગરગડી હાથમાં લઈને પાણી કાઢવાની કોશિશ કરી. જેવી ડોલ અંદર નાખી પાણી ભરાયું કે નહીં તે જોવા માથું નીચે નમાવ્યું અને માથામાં વગાડી બેઠા, લોહી નીકળ્યું.

આ પણ વાંચો : ઈશ્વરની રચના ... (લાઇફ કા ફન્ડા)

માથામાં લોહી નીકળતા ઘા સાથે રાજા તંબુ તરફ આવ્યા. આ બાજુ બધા નોકરો ઊઠી ગયા હતા અને રાજાની શોધ કરી રહ્યા હતા. ડરી ગયા કે રાજા હવે ગુસ્સે થશે, સજા કરશે, પણ રાજા કંઈ બોલ્યા નહીં. તેઓ કોઈ વિચારોમાં હતા. રાજાએ માત્ર ઇશારાથી પાણી માગ્યું, પાણી પીધું. નોકરો તેમનો ઘા સાફ કરવા લાગ્યા. મનમાં વિચારતા હતા કે હમણાં રાજા કંઈક ગુસ્સો કરશે,પણ રાજા તો વિચારમગ્ન હતા. બિલકુલ ગુસ્સે ન થયા. રાજા ઘા વાગ્યો ત્યારના વિચારી રહ્યા હતા કે હું મોટા નગરનો રાજા છું, છતાં મને કોઈ જ કામ જાતે કરતાં આવડતું નથી. કૂવામાંથી પાણી કાઢતાં પણ આવડતું નથી. જે માણસને પાણી પીવા માટે બીજા પર આધાર રાખવો પડે છે એને ભગવાને આખા નગરનો રાજા બનાવ્યો છે. હે ઈશ્વર તારી ભરપૂર મહેર છે મારી ઉપર, તારો ખૂબ ખૂબ આભાર. રાજા ઊભા થયા અને બે હાથ જોડી ઉપર નજર કરી ઈશ્વરનો આભાર માનવા લાગ્યા.

ઈશ્વર જ્યારે અઘરી પરિસ્થિતિ કે મુશ્કેલી આપે ત્યારે દુ:ખી ન થાવ, પણ તેમાં પણ કંઈક સકારાત્મકતા જોઈ ઈશ્વરનો આભાર માનો.

columnists