ચિત્ત પર અસર (લાઇફ કા ફન્ડા)

18 July, 2019 11:48 AM IST  |  મુંબઈ ડેસ્ક | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

ચિત્ત પર અસર (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક દિવસ ગણિતના શિક્ષકે પોતાના વર્ગમાં આવીને કહ્યું, ‘આજે હું તમને એક એવો સવાલ પૂછવાનો છું જે ખૂબ જ અઘરો છે. આ દાખલો એટલો બધો અઘરો છે કે મને ખાતરી છે કે તમારામાંથી કોઈ એનો સાચો જવાબ નહીં આપી શકે. આ સવાલનો જવાબ ઉપરના ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ મને આપી નથી શક્યા. ગણિત વિષયમાં પારંગત હોય તેઓ જ આ દાખલાનો ઉકેલ મેળવી શકશે. મને કોઈ અપેક્ષા નથી કે તમે મને સાચો જવાબ મેળવી આપો, પણ તમારી વિચારશક્તિ ખીલે અને અઘરા પ્રશ્નો કઈ રીતે ઉકેલાય એની થોડી સમજ આવે એ માટે આ દાખલો તમારી સમક્ષ મૂક્યો છે. તમારામાંથી કોઈ આ દાખલાના ઉકેલ મેળવવાની દિશામાં બે-ત્રણ પદ પણ સાચાં માંડી શકશે તો પણ કાબિલે તારીફ ગણાશે. આમ તો જવાબ તમે ગોતી શકવાના જ નથી, પણ કોશિશ કરો.’
સવાલ વિષે લાંબી નકારાત્મક પ્રસ્તાવના બાંધી શિક્ષકે દાખલો બોર્ડ પર લખ્યો. દાખલો સામાન્ય કરતાં અઘરો હતો, પણ શિક્ષકે જણાવ્યું હતું એટલો અઘરો ન હતો. આ વાત કોઈના ધ્યાનમાં ન આવી. બધાના ચિત્ત પર શિક્ષકના શબ્દોની અસર હતી. વિદ્યાર્થીઓએ કોશિશ શરૂ કરી અને ઘણી મહેનત અને મથામણ બાદ ચાલીસ વિદ્યાર્થીઓના વર્ગમાંથી માત્ર ચાર જણની કોશિશ સફળ થઈ. તેમનો જવાબ સાચો હતો. શિક્ષકે તેમને શાબાશી આપી.
થોડા દિવસ પછી ગણિતના શિક્ષકે ફરી વર્ગમાં કહ્યું કે ‘આજે હું તમને એક એવો દાખલો પૂછવાનો છું જે મોટી પ્રવેશ પરીક્ષામાં પુછાયો છે. દાખલો એટલો સહેલો છે કે આ પ્રવેશ પરીક્ષામાં શું કામ પૂછવામાં આવ્યો એની જ મને નવાઈ લાગે છે. મને ખાતરી છે કે લગભગ તમે બધા જ આ દાખલાનો સાચો જવાબ શોધી શકશો. તમે શું તમારી નીચેના ધોરણના હોશિયાર વિદ્યાર્થીને પણ આવડી જાય એવો સહેલો દાખલો છે. હું એટલે જણાવી રહ્યો છું કે તમને ધ્યાન રહે કે અઘરી ગણાતી જાહેર પરીક્ષામાં પણ આવા સહેલા પ્રશ્ન પુછાઈ શકે છે. ચાલો જલદી બધા મને સાચો જવાબ શોધી આપો.’

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

આ લાંબી સકારાત્મક પ્રસ્તાવના બાદ શિક્ષકે અઘરી જાહેર પરીક્ષામાં પુછાયેલો એક અઘરો દાખલો બોર્ડ પર લખ્યો. દાખલો અઘરો હતો, પણ વિદ્યાર્થીઓના ચિત્ત પર શિક્ષકના સકારાત્મક શબ્દોની અસર હતી. બધા ફટાફટ દાખલાનો હલ શોધવા મંડી પડ્યા અને ચાલીસ વિદ્યાર્થીઓમાંથી ૩૨ વિદ્યાર્થીઓએ સાચો ઉકેલ શોધ્યો.
સવાલ સહેલો પણ નકારાત્મક શબ્દો અને સવાલ અઘરો પણ સકારાત્મક શબ્દોની અસરનો આ જાદુ હતો. જીવનમાં હંમેશાં સકારાત્મક બોલો અને જે કોઈ નકારાત્મક બોલતું હોય તેને એમ બોલતા અટકાવો.

columnists