અબોલા ન લો (લાઇફ કા ફન્ડા)

15 May, 2019 12:52 PM IST  |  | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

અબોલા ન લો (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

બે પાકા મિત્રો રોહન અને સોહન. હંમેશાં સાથે રહે, સાથે ભણે, સાથે રમે, સાથે મોટા થયા, કૉલેજમાં આવ્યા. એક દિવસ કૉલેજની કૅન્ટીનમાં બન્ને આવ્યા. કંઈ બોલ્યા વિના એકબીજાના મોઢા પર પાણીના ગ્લાસ ફેંક્યા અને હવે ક્યારેય વાત નહીં કરવાનું નક્કી કરી પોતપોતાના ઘરે જતા રહ્યા. કૅન્ટીનમાં હાજર બધા સ્તબ્ધ થઈ ગયા કે આ બે પાકા મિત્રો વચ્ચે આવો ઝઘડો! વાત શું હતી એની કોઈને ખબર નહોતી.

બન્ને ગુસ્સામાં પોતપોતાના ઘરે ગયા. રોહનની દાદીએ પૂછ્યું, ‘સોહન ક્યાં છે?’

‘મને ખબર નથી’ એટલું કહીને રોહન પોતાની રૂમમાં જતો રહ્યો.

આ બાજુ સોહન ઘરે પહોંચ્યો તો તેની મમ્મીએ પણ પૂછ્યું, ‘રોહન ક્યાં છે?’

સોહન કંઈ પણ જવાબ આપ્યા વિના પોતાની રૂમમાં જતો રહ્યો.

બે-ત્રણ દિવસ થઈ ગયા. ન રોહન કૉલેજ ગયો, ન સોહન.

ઘરમાં બધા ચિંતામાં હતા. હજી વધુ બે દિવસ પસાર થયા. બન્ને હંમેશાં સાથે રહેતા અને આટલા દિવસથી મળ્યા નહોતા. હવે બન્નેને એકમેકની યાદ આવવા લાગી, પણ અહમમાં પહેલો ફોન હું શું કામ કરું? એમ વિચારીને કોઈએ ફોન ન કર્યો. બે દોસ્ત વચ્ચે હવે નક્કી કંઈક વાત છે એમ પરિવારજનો સમજી ગયા.

સોહન તેના દાદાની ખૂબ નજીક હતો. તેના દાદા તેની પાસે ગયા અને બોલ્યા, ‘દીકરા, તારો દોસ્ત રોહન કેમ બહુ દિવસથી દેખાતો નથી, બહારગામ ગયો છે કે શું?’

સોહન ગુસ્સામાં બોલ્યો, ‘હવે તે મારો દોસ્ત નથી. તેને જ્યાં જવું હોય ત્યાં જાય. હું તેની સાથે વાત કરતો નથી. દાદા, તમે તેનું નામ ન લેશો.’

દાદા સમજી ગયા કે બે દોસ્ત વચ્ચે ઝઘડો થયો છે.

દાદાએ કહ્યું, ‘દીકરા, તું મારો પૌત્રથી વધારે દોસ્ત છે અને તને એક વાત આજે સમજાવું છું કે દોસ્ત સાથે કોઈ પણ સંબંધમાં કંઈ પણ વાત થાય તો લડી લેવું, ઝઘડી લેવું. દોસ્તીમાં તો મારામારી પણ કરી લેવી, માર પણ ખાઈ લેવો અને મારી પણ લેવું. બધું કરવું પણ બોલચાલ બંધ ન કરવી, અબોલા ન લેવા, કારણ કે અબોલા લેવાથી સુલેહના રસ્તા બંધ થઈ જાય છે. મનની વાત, મનનો ગુસ્સો બહાર નથી નીકળતો અને મનમાં રહીને વેર ઘૂંટાય છે. આ વેર ખરાબ છે. ગુસ્સો તો આવે. તમે નાના હતા ત્યારે પણ ગુસ્સો કરતા, પણ થોડી વાર ઝઘડી પાછા એક થઈ જતા તો પછી હવે ઝઘડી લો અને ફરી પાછા એક થઈ જાઓ, અબોલાની શું જરૂર છે. અહમ્ અને વેર દોસ્તીને ગળી જશે.’

આ પણ વાંચો : કીડી પાસેથી શીખો (લાઇફ કા ફન્ડા)

દાદાની વાત સાંભળી સોહન બાઇક લઈને સીધો ગયો રોહનના ઘરે ઝઘડો કરવા. રોહનની રૂમમાં જઈ તેણે રોહનને સીધો ધબ્બો મારીને કહ્યું, ‘મારી યાદ નથી આવતી?’ જવાબમાં રોહન તેને ભેટી પડ્યો.

columnists