ધર્મ અને આધ્યાત્મિકતા (લાઇફ કા ફન્ડા)

03 June, 2019 11:39 AM IST  |  | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

ધર્મ અને આધ્યાત્મિકતા (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક દિવસ એકદમ ધાર્મિક અને જ્ઞાની રાજાના મનમાં પ્રશ્ન થયો કે ધર્મ અને આધ્યાત્મિકતામાં શું ફરક અને બન્નેમાંથી શું ચડે? રાજાના વિદ્વાન મંત્રીએ કહ્યું, ‘રાજાજી, બન્ને મહkવનાં છે અને બન્ને વચ્ચે ભેદની બહુ પાતળી રેખા છે.’ રાજા આ પ્રશ્નનો જવાબ વિચારતાં-વિચારતાં ઊંડું ચિંતન કરતાં-કરતાં ઊંઘી ગયા અને રાજાને એક વિચિત્ર સપનું આવ્યું.

સપનામાં રાજાએ અનેક ધર્મોનાં પ્રતીક જોયાં. એક આધ્યાત્મિકતાની જ્યોત જોઈ. સપનામાં રાજાએ જુદા-જુદા ધર્મોના અનુયાયીઓને એકબીજા સાથે લડતા જોયા. આધ્યાત્મિકતા નિજાનંદમાં મસ્ત હતી. સપનામાં રાજાએ ધર્મના ઠેકેદારો અને ધર્મગુરુઓને અનુયાયીઓને છેતરતા અને અનુયાયીઓને આંખ બંધ કરી ધર્મગુરુ કહે તેમ કરતા જોયા. આધ્યાત્મિકતા અંતરથી જાગ્રત કરતી હતી.

રાજા બીજા દિવસે સવારે ઊંઘમાંથી ઊઠ્યા અને પોતાના સ્વપ્નનો અર્થ પૂછવા સીધા પોતાના કુલગુરુ પાસે ગયા અને પોતાના મનના પ્રશ્ન, મનોમંથન અને સપનાની વાત કરી. કુલગુરુએ રાજાને કહ્યું, ‘તારા સપનામાં તારા મનના પ્રશ્ન અને મનોમંથનનો જવાબ છે.’ રાજાએ કહ્યું, ‘એ કઈ રીતે, ગુરુજી મને વિસ્તારથી સમજાવો.’

ગુરુજી બોલ્યા, ‘તને જુદા-જુદા ધર્મોનાં અનેક પ્રતીક દેખાયાં અને આધ્યાત્મિકતાની એક જ્યોતિ, એ દર્શાવે છે કે ધર્મ એક નથી, અનેક છે. જુદા-જુદા ધર્મો જુદી-જુદી રીતે ઈશ્વરને ભજવાનું કહે છે. બધા ધર્મે પોતપોતાની રીતે ઈશ્વરને કલ્પ્યા છે અને ભજવાના માર્ગ શોધ્યા છે. જુદા-જુદા ધર્મો જુદી-જુદી ધાર્મિક રીતો સમજાવે છે, જ્યારે આધ્યાત્મિકતાની એક જ્યોત દર્શાવે છે કે ધર્મ કોઈ પણ હોય, આધ્યાત્મિકતા એક છે, એની અનુભૂતિ સરખી જ છે.’

ગુરુજીએ આગળ કહ્યું, ‘ધર્મ અને ધર્મની રીતો, ઉપદેશો, સંદેશ ઊંઘતા લોકોને જગાડવા માટે થાય છે, પણ ઘણા અનુયાયીઓ ધર્મના નામે અંધ બનીને બીજા ધર્મને ઉતારી પાડી, પોતાનો ધર્મ શ્રેષ્ઠ સાબિત કરવા માટે ઝઘડા અને લડાઈ કરે છે, જ્યારે આધ્યાત્મિકતા મન, વચન અને વર્તન બધામાં જ શાંતિ સ્થાપિત કરી અનેરો નિજાનંદ આપે છે. ઘણા ધર્મગુરુઓ ભક્તોના અંધવિશ્વાસનો લાભ લઈ તેમને છેતરે છે, ખોટા માર્ગો દેખાડે છે. જ્યારે આધ્યાત્મિકતા સાચા રસ્તે લઈ જાય છે.’

આ પણ વાંચો : સાચા સંત (લાઇફ કા ફન્ડા)

રાજા આગળ બોલ્યા, ‘આ બધું હું બરાબર સમજી ગયો ગુરુજી કે ધર્મ અને આધ્યાત્મિકતામાં શું ફરક છે? પણ મારા મનમાં હજી પણ પ્રશ્ન છે કે આધ્યાત્મિકતાની અનુભૂતિ કઈ રીતે થાય?’ ગુરુજીએ કહ્યું, ‘રાજન, ધર્મ તમને આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે. ધર્મ ભલે અનેક હોય, આધ્યાત્મિકતાની અનુભૂતિ એક છે જે વ્યક્તિને અંતરમનથી જાગ્રત કરે છે. મનમાં શાંતિનો અનુભવ કરાવે છે અને ખુદને ઓળખીને અંતરનો અવાજ સાંભળવામાં મદદ કરે છે.

columnists