કોઈ નિર્ણય લેતાં પહેલાં (લાઇફ કા ફન્ડા)

06 May, 2019 11:35 AM IST  |  | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

કોઈ નિર્ણય લેતાં પહેલાં (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક ગરીબ મજૂર. એક પગે અપંગ, પણ ભીખ માગવા કરતાં તેણે ખોટો પગ લગાવી હાથલારી ખેંચવાની મજૂરી કરવાનું પસંદ કર્યું. ખૂબ મહેનત કરે અને ખપ પૂરતું કમાઈ લે. તેનો દેખાવ... વધેલી દાઢી... ફાટેલાં થીગડાં મારેલાં મેલાં કપડાં જોઈ બધા તેની તરફ ધુત્કારથી જુએ, પણ તે કંઈ મનમાં ન લે. પોતાનું કામ કરે, મજૂરી મેળવે અને આગળ વધી જાય.

એક દિવસ મજૂરી લઈને મજૂર બીજા કામની શોધમાં જતો હતો. ઘણી છોકરીઓ શાળામાંથી છૂટી બરફગોળા ખાતી હતી. એક છોકરી થોડે દૂર ઊભી-ઊભી જોતી હતી. કદાચ તેની પાસે પૈસા ન હતા. મજૂરનું ધ્યાન તે છોકરી તરફ ગયું. છોકરીની આંખોમાં બરફગોળા ખાવાની ઇચ્છા અને પૈસા ન હોવાની મજબૂરી તે સમજી ગયો અને ધીમેકથી તેની પાસે જઈ ૧૦ રૂપિયા તેના હાથમાં મૂકી દીધા અને આગળ ચાલવા લાગ્યો. પૈસા મળવાથી છોકરી ખુશ થઈ ગઈ. તેણે તેનો મનપસંદ બરફગોળો લીધો. તેને ગોળાવાળાએ ગોળો આપ્યો અને એક રૂપિયો પાછો આપ્યો. ગોળો ખાતાં-ખાતાં છોકરી ધીમે-ધીમે આગળ જતા મજૂરને જોતી હતી. તેને દોડીને થૅન્ક યુ કહેવાનું મન થયું, પણ હજી છોકરી આગળ વધે ત્યાં સામેથી એક યુવાન ગુંડો એક સ્ત્રીનું પાકીટ ચોરીને દોડતાં-દોડતાં ધીમે-ધીમે ચાલતા મજૂર તરફ આવ્યો. મજૂરે પોતાની હાથલારી વચ્ચે નાખી તેને પાડી દીધો અને તેના હાથમાંથી પાકીટ ખેંચી લીધું. યુવાન ગુંડાએ ઊભા થઈને મજૂરને પાડી નાખ્યો, તેનો ખોટો પગ નીકળી ગયો. ગુંડાએ મજૂરને બહુ માર માર્યો પણ તેણે પાકીટ ન છોડ્યું. ગુંડાનો બીજો સાથી આવ્યો અને બન્ને ભાગી ગયા. પેલી છોકરીએ આ બધું જોયું, પણ થોડી વારમાં બધા ભેગા થઈ ગયા. પોલીસ આવી અને જે સ્ત્રીનું પાકીટ ચોરાયું હતું તે પણ, અને બિચારા મજૂરને તેના દેખાવને લીધે ચોર માની લીધો અને પોલીસ પકડીને લઈ ગઈ.

આ પણ વાંચો : અનેક નાની-નાની મજા (લાઇફ કા ફન્ડા)

પેલી છોકરી ઘરે ગઈ અને પોતાનાં માતા-પિતાને બધી વાત કરી. માતા-પિતાને તેણે વિનંતી કરી કે મને પોલીસ પાસે લઈ જાઓ અને પેલા નિર્દોષ મજૂરને છોડાવો. છોકરીનાં માતા-પિતા તેને લઈને પોલીસ-સ્ટેશન ગયાં. છોકરીએ બધી વાત કરી. જે સ્ત્રીનું પાકીટ ચોરાયું હતું તેમને બોલાવવામાં આવ્યાં, બધી વાત જણાવવામાં આવી. તેમના પાકીટમાં બધું અકબંધ હતું અને પછી તેમને પણ સમજાયું કે મારા હાથમાંથી પાકીટ છીનવીને દોડનાર યુવાન હતો અને આ તો ગરીબ મજૂર જેના પર આરોપ આવ્યો તે તો અપંગ હતો. તેણે તો પાકીટ બચાવ્યું. બધાએ ગરીબ મજૂરની માફી માગીને નાની છોકરીને શાબાશી આપી. પોલીસે મજૂરને તેના તૂટેલા પગના સ્થાને નવો પગ બેસાડાવ્યો. નવી લારી આપી. ગરીબ મજૂર ધીમે-ધીમે ચાલતો લારી સાથે આગળ વધી ગયો. બધાને સમજાયું કે કોઈ નિર્ણય પર આવતાં પહેલાં બધું વિગતવાર જાણીને સમજવું જરૂરી છે.

columnists