સુખી માણસની નિશાની (લાઇફ કા ફન્ડા)

30 April, 2019 10:09 AM IST  |  | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

સુખી માણસની નિશાની (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક દિવસ ગુરુ-શિષ્ય એક ગામમાંથી પસાર થતા હતા. ગુરુજીને શિષ્યની પરીક્ષા લેવાનું મન થયું. ગુરુજીએ શિષ્યને કહ્યું, ‘આ ગામમાં હું અને તું કોઈને ઓળખતા નથી. તું કોઈને કંઈ પણ પૂછ્યા વિના મને એકદમ સુખી માણસ ઓળખી બતાવ.’

શિષ્ય મૂંઝાયો કે સુખી માણસને કઈ નિશાનીઓ પરથી પારખવો. થોડી વાર વિચાર કર્યા બાદ શિષ્યએ વિચાર્યું કે કોઈ પૈસાદાર માણસ શોધું, તે સુખી જ હશે. તેણે એક મોટા શેઠને પોતાની ચાર ઘોડાની બગીમાંથી ઊતરતા જોયા. બગીમાંથી ઊતરનાર શેઠના મોઢા પર રોફ હતો. ગાડીમાંથી ઊતરતાં જ તેઓ ગાડીવાન અને પોતાના નોકરને કોઈ વાતે ખિજાઈ રહ્યા હતા. શિષ્યએ કહ્યું, ‘જુઓ ગુરુજી, આ પૈસાદાર શેઠ સુખી માણસ લાગે છે.’

ગુરુજીએ કહ્યું, ‘ના, સુખી માણસ ક્રોધ કરી અન્યનું અપમાન ન કરે.’

તેઓ આગળ વધ્યા. મંદિરમાં શાળાના હેડ-માસ્તર દર્શન કરવા આવ્યા હતા અને બધાં બાળકો તેમને નમન કરી રહ્યાં હતાં. વાલીઓ હાથ જોડી અભિવાદન કરી રહ્યા હતા. શિષ્યએ વિચાર્યું કે આ હેડ-માસ્તર ખૂબ ભણેલા છે એથી તેમનું માન પણ ઘણું છે. લાગે છે તેઓ ખૂબ સુખી હશે. તેણે ગુરુજીને કહ્યું, ‘આ હેડ-માસ્તર ખૂબ સુખી લાગે છે.’

ગુરુજીએ જોયું તો હેડ-માસ્તર હાથ જોડી લક્ષ્મીજીને ખોળો પાથરી પોતાના ઘરે પધારવાની પ્રાર્થના કરી રહ્યા હતા. ગુરુજીએ કહ્યું, ‘ના, સુખી માણસ અસંતોષ રાખી વધુ માગણી ન કરે.’

શિષ્ય મૂંઝાયો. તેણે કહ્યું, ‘ગુરુજી, તમે જ સમજાવો કે સુખી માણસ કોને કહેવાય?’

ગુરુજીએ કહ્યું, ‘ભાઈ, માત્ર પૈસા કે વિદ્યા કે માન-પાન માણસને સુખી નથી કરી શકતાં. જે વ્યક્તિ સંતોષી હોય, પોતાની પાસે જે હોય એમાં આનંદમાં રહે તો તે સામાન્ય ખેડૂત હોય તો પણ પરમસુખી કહેવાય. જે વ્યક્તિ અભિમાન ન કરે, વિનય-વિવેક ક્યારેય ન ભૂલે તો તે મોટા શેઠનો નોકર હોય તો પણ અભિમાની શેઠ કરતાં સુખી કહેવાય.’

ગુરુ-શિષ્ય હજી મંદિરમાં જ હતા અને પેલા શેઠનો ગાડીવાન જેને શેઠ ખિજાતા હતા તે આવ્યો. તેની સાથે બે અપંગ વૃદ્ધ હતા જેમને તે ઊંચકીને દર્શન કરાવવા લાવ્યો હતો. તે પૂજારીને પગે લાગ્યો. વૃદ્ધોને દર્શન કરાવ્યાં. તેમને પગે લાગ્યો, ભગવાનને પ્રસાદ ધરાવીને કંઈ માગ્યું નહીં અને માત્ર હાથ જોડીને પ્રાર્થના કરી. પૂજારીએ કહ્યું, ‘કોઈ ઇચ્છા હોય તો કહો.’

આ પણ વાંચો : લાઇફ કા ફન્ડા - સંતોષ જ સુખ

ગાડીવાને કહ્યું, ‘ના, બસ પ્રભુએ જે આપ્યું, જેટલું આપ્યું એ ભરપૂર છે. બસ મને સારા કામ કરવાની તક આપે એ જ પ્રાર્થના.’

ગુરુજીએ શિષ્યને કહ્યું, ‘હે વત્સ, આ સાચો-સુખી માણસ. ન પૈસાદાર, ન વિદ્વાન પણ સંતોષી. નમ્ર, સેવાભાવી અને સમજદાર.

columnists