હરીફાઈ - (લાઇફ કા ફન્ડા)

06 June, 2019 01:54 PM IST  |  મુંબઈ | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

હરીફાઈ - (લાઇફ કા ફન્ડા)

હરિફાઈ

રોહન રોજ સવારે જૉગિંગ કરવા જાય. ટેવ સારી હતી. એક દિવસ રોહને પોતાની આગળ એક યુવાનને દોડતા જોયો. પાછળથી લાગ્યું કે તે રોહન કરતાં થોડો ઝડપથી જૉગિંગ કરી રહ્યો હતો. રોહનને તેની ઝડપ પોતાના કરતાં વધારે હતી એ ન ગમ્યું. રોહને વિચાર્યું કે લાવ થોડું વધુ જોર લગાડું અને પેલા યુવાનથી આગળ નીકળી જાઉં. આમ વિચારી રોહને વધુ જોર લગાડીને ઝડપથી દોડવાનું શરૂ કર્યું. એક-એક રાઉન્ડ પૂરો થતો જતો હતો અને રોહન અને આગળ દોડતા યુવાન વચ્ચેનું અંતર ઓછું થતું જતું હતું. રોહન તેની વધુ ને વધુ નજીક પહોંચતો જતો હતો અને હજી બે જણ વચ્ચે અંતર હતું એ ઓછું કરવા રોહને હજી વધુ જોર લગાડ્યું.

થોડી મિનિટો અને થોડા રાઉન્ડ બાદ રોહન અને આગળ દોડતા યુવાન વચ્ચે માત્ર ૧૦૦ ફુટનું અંતર રહ્યું. રોહને વધુ જોર લગાડ્યું. તેના મગજ પર તો બસ આગળ દોડતા યુવાન કરતાં આગળ જવાની જ ધૂન સવાર હતી અને શરીરની બાકી વધેલી બધી તાકાત વાપરીને રોહન બે રાઉન્ડ બાદ પેલા યુવાન કરતાં આગળ થઈ ગયો અને આ એકતરફી હરીફાઈમાં જીત્યાનો તેને અનેરો આનંદ મળ્યો. કારણ કે પેલા યુવાનને તો રોહન તેનાથી આગળ વધવા માટે વધુ જોર લગાવીને દોડી રહ્યો છે એ હરીફાઈની તો ખબર જ નહોતી. તે તો પોતાના સ્વાસ્થ્ય માટે પોતાની મસ્તીમાં પોતાની શક્તિ અને મરજી મુજબ દોડી રહ્યો હતો.

અને તેનાથી આગળ નીકળીને રાજી થતો રોહન માત્ર તેનાથી આગળ નીકળવા માટે દોડી રહ્યો હતો અને વધુ જોર લગાવવાને લીધે અત્યારે હાંફી રહ્યો હતો. બસ કારણ વિનાની હરીફાઈ કરી આગળ દોડતા યુવાનથી આગળ વધવાની લાયમાં રોહન ન કસરતનો આનંદ માણી શક્યો કે ન વાતાવરણનો. તેને હરાવવા અને યુવાનથી આગળ વધવા રોજ કરતાં પાંચ રાઉન્ડ વધુ દોડ્યો એથી થાકી ગયો અને મોડું પણ થઈ ગયું. તે વધુ ઝડપથી દોડી આગળ જવામાં પગ એક કે બે વાર પથ્થર સાથે અથડાયો અને પગમાં વાગ્યું. બિનજરૂરી એકતરફી હરીફાઈમાં નુકસાન માત્ર રોહનને જ થયું.

આ પણ વાંચો : એવી બે ચીજો (લાઇફ કા ફન્ડા)

આપણે બધા આ રોહન જેવા જ છીએ અને કારણ વિના બિનજરૂરી એકતરફી હરીફાઈ આપણા પરિવારજનો, મિત્રો, પાડોશીઓ સાથે કરીએ છીએ અને આપણે તેમના બધા કરતાં વધુ સફળ છીએ. વધુ મહત્વના છીએ એ સાબિત કરવા મથીએ છીએ અને એમ સતત હરીફાઈના બોજ હેઠળ રહીને અંતરનો આનંદ અને ખુશી ગુમાવી બેસીએ છીએ. આપણે આપણો સમય અને શક્તિ બીજા સાથે હરીફાઈમાં ઊતરવામાં વેડફી નાખીએ છીએ અને આપણા માર્ગ અને મંઝિલને ખોઈ બેસીએ છીએ. હરીફાઈ ન કરો અને કરો તો માત્ર પોતાની જાત સાથે કરો.  

columnists