લાઇફ કા ફન્ડા - સંતોષ જ સુખ

29 April, 2019 09:50 AM IST  |  મુંબઈ | હેતા ભૂષણ

લાઇફ કા ફન્ડા - સંતોષ જ સુખ

એક અતિધનવાન વેપારી હતા. તેમનું અચાનક અવસાન થયું અને તેમનો દીકરો વેપાર સંભાળવા લાગ્યો. અત્યાર સુધી વેપાર પિતાજી સંભાળતા હતા એથી યુવાન પુત્રને કઈ જ ખબર ન હતી. યુવાન પુત્ર થોડા દિવસ બાદ પેઢીએ આવવા લાગ્યો અને વેપારની સમજ મેળવવા લાગ્યો. ખૂબ જ સચેત રહીને સોદા કરતો, કારણ કે તેણે ડર હતો કે કોઈ ભૂલ ન થઈ જાય અને ક્યાંક ખોટ ન જાય. યુવાન શેઠને પૈસાની ખૂબ મમત હતી. એક દિવસ તેમણે પોતાના મુનીમજીને બોલાવી પૂછયું, ‘મુનીમજી, આપણી પાસે કેટલા પૈસા છે અને વેપારમાં કેટલા પૈસા કમાઈએ છીએ.’

મુનીમજીએ કહ્યું, ‘શેઠજી, આપણી પાસે ઘણું ધન છે. દસ પેઢી સુધી ખૂટે એમ નથી અને આજ રીતે આપણો વેપાર થતો રહેશે તો તમે બીજી ત્રણ પેઢીને ખૂટે નહીં એટલું કમાઈ લેશો.’

મુનીમજીની વાત સાંભળી યુવાન શેઠ રાજી થવાને બદલે ઉદાસ થયા અને વિચારવા લાગ્યા, ‘અરે, આટલો મોટો વેપાર છતાં ૧૩ પેઢી સુધી જ ભેગું કરી શકીશ તો પછી મારી આગળની ૧૪મી પેઢીનું શું?’
શેઠને આ ચિંતા એટલી સતાવવા લાગી કે તેઓ હંમેશાં ઉદાસ રહેવા લાગ્યા. થોડા દિવસ પછી અનુભવી મુનીમજીએ શેઠને ઉદાસી અને ચિંતાનું કારણ પૂછuું. શેઠે કહ્યું, ‘મુનીમજી, મને મારી ૧૪મી પેઢીની ચિંતા સતાવે છે.’

મુનીમજી અનુભવી હતા. તેમણે કહ્યું, ‘શેઠજી, બે દિવસ પછી એકાદશી છે. તમે અગિયાર એકાદશીનું વ્રત કરો, કોઈ ચિંતા નહીં સતાવે અને હા, બીજે દિવસે બારસને દિવસે એક બ્રાહ્મણને સીધું જાતે આપજો.’

શેઠે એકાદશીનું વ્રત કર્યું. બીજે દિવસે બ્રાહ્મણને સીધું આપવા માટે મુનીમજીને કહ્યું, ‘સાથે ચાલો.’
તેઓ એક બ્રાહ્મણના ઘરે ગયા અને બ્રાહ્મણને નમન કરી કહ્યું, ‘મહારાજ, સીધું સ્વીકારો.’
બ્રાહ્મણે કહ્યું, ‘એક મિનિટ, અંદર ગોરાણીને પૂછી જોઉં.’
બ્રાહ્મણે ગોરાણીને પૂછ્યું. ગોરાણીએ કહ્યું, ‘હા, આજનું સીધું આવી ગયું છે.’
બ્રાહ્મણે કહ્યું, ‘શેઠજી, મારી પાસે આજનું સીધું છે એથી તમે આ જેને ન મળ્યું હોય તેવા બ્રાહ્મણને આપો.’
શેઠજીએ કહ્યું, ‘ભાઈ, રાખી લો. તમારે કાલની ચિંતા નહીં. આ સીધું કાલે કામ લાગશે.’
બ્રાહ્મણે સરસ જવાબ આપ્યો કે ‘જેણે આજનો અમારા ભોજનનો પ્રબંધ કર્યો છે તે આવતી કાલે પણ કરશે. અમે આવતી કાલની ચિંતા નથી કરતા. આજમાં જ જે મળે એમાં સંતોષ રાખી સુખી રહીએ છીએ. ભવિષ્યની ચિંતામાં શું કામ જીવ બાળીએ.’
શેઠે વિચાર્યું, ‘હું ૧૪મી પેઢીની ચિંતા કરું છું અને આ બ્રાહ્મણને આવતી કાલની પણ ચિંતા નથી.’ શેઠની અંતરની આંખો ખૂલી ગઈ અને ચિંતા દૂર થઈ ગઈ.

columnists