નકારનું મૂળ - (લાઇફ કા ફન્ડા)

27 September, 2019 04:35 PM IST  |  મુંબઈ | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

નકારનું મૂળ - (લાઇફ કા ફન્ડા)

‘બ્રધર્સ કર્માંઝોવ’ એક અગ્રણી, અદ્વિતીય કહી શકાય તેવી કૃતિ. લેખક થિયોદોર દોસ્તોવ્સ્કી દ્વારા લખાયેલી નવલકથા છે. આ નવલકથાનું એક પાત્ર એકદમ નાસ્તિક છે. જે ઈશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ જ રાખતું નથી અને જીવનથી એકદમ ઉદાસ, નિરાશ અને ત્રાહિમામ થઈ ગયું છે. તે કંટાળીને છેવટે ઈશ્વરને પડકારે છે અને અભિમાન સાથે કહે છે કે ‘મને ખબર છે કે તું ક્યાંય નથી. હું જાણું છું કે ભગવાન છે જ નહીં, પરંતુ જો તું ક્યાંય હોય તો અને આ જીવન જો તું આપતો હોય તો તારું આપેલું જીવન હું તને પાછું આપી દેવા માગું છું, કારણ આ જીવનમાં કંઈ જ નથી. નથી આનંદ, નથી કોઈ અર્થ, નથી કોઈ સાર, નથી કોઈ રસ. આ જીવન એક બોજ છે. કંટાળાભરી કથા છે. એક સહી ન શકાય તેવી વ્યથા છે, અને સમજી ન શકાય તેવી વેદના છે. આવા જીવન કરતાં તેનું ન હોવું જ બહેતર છે.’

આ નવલકથા છે એટલે ઘણી લાંબી છે અને વ્યક્તિના જીવનનાં દુઃખો અને નિરાધારપણાની વાતો કરે છે અને તેના કારણ સમજાવે છે. આ નવલકથા સમજાવે છે કે જ્યારે વ્યક્તિના જીવનમાં નકારાત્મક વલણ વધે, ભક્તિ અને શ્રદ્ધાનો અભાવ હોય ત્યારે વ્યક્તિ ભટકી જાય છે, આધાર વિનાની બની જાય છે અને શરૂ થાય છે વધુ ભૂલોની પરંપરા. ઈશ્વરના શરણે જવાને બદલે વ્યક્તિ ઈશ્વરના અસ્તિત્વનો નકાર કરે છે...પણ યાદ રાખજો દોસ્તો, નકારના પાયા પર આનંદ અને ઉત્સાહ ભરેલા જીવનનું નિર્માણ શક્ય જ નથી.

નાસ્તિકતા જીવનના અપાર દુઃખમાંથી જન્મે છે કે નાસ્તિક્તામાંથી જીવનના અપાર દુઃખો જન્મે છે એ આંટીઘૂંટી લેખકે નવલકથામાં સમજાવી છે. પાત્ર અત્યંત દુઃખી છે, કારણ નાસ્તિક છે, અને નાસ્તિક છે એટલે દુઃખી છે. વ્યક્તિ ઈશ્વરના અસ્તિત્વને જ નકારે છે. આ નકારના મૂળમાં અભિમાન, ગુસ્સો, અસંતોષ જેવી અનેક નકામી લાગણીઓ રહેલી હોય છે. જે ઈશ્વરને પ્રેમ નથી કરી શકતો તે તેને ધુતકારવાનું નાટક કરે છે.

નવલકથાનો સંદેશ સમજી લઈએ કે અહંકાર નકારનું મૂળ છે. જ્યારે વ્યક્તિ નિર્મલ બની ભળી શકતો નથી ત્યારે અહંકારી બની જાય છે. અહંકાર વ્યક્તિને કોઈ સાથે ભળવા દેતો નથી અને ઈશ્વર સામે પણ નમવા દેતો નથી, માટે અહંકારથી સો ગજ દૂર રહો અને હૃદયને લાગણીથી- શ્રદ્ધાથી ભરી દઈ બધાને પ્રેમ કરો. ઈશ્વરને પણ ચાહો.  

columnists