મૃત્યુ શું છે? - (લાઇફ કા ફન્ડા)

13 March, 2019 11:35 AM IST  |  | હેતા ભૂષણ

મૃત્યુ શું છે? - (લાઇફ કા ફન્ડા)

પ્રતીકાત્મક તસવીર

લાઇફ કા ફન્ડા

ધર્મ... જ્ઞાન... વિજ્ઞાન... અધ્યાત્મ... ગહન વિષયો... જુદા જુદા વિષયો... પણ ક્યાંક થોડાક તાંતણા જોડાયેલા... આ જોડાયેલા તાંતણાંઓને સમજવા માટે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં એક બહુ સરસ વાત રજૂ કરવામાં આવી.

પ્રશ્ન રજૂ થયો, મૃત્યુ શું છે?

ધર્મશાસ્ત્રી બોલ્યા, જીવના આત્માનું પરમાત્મા સાથે મિલન છે... મૃત્યુ... જે જન્મે છે તે એક દિવસ મૃત્યુ પામે છે... આ શરીર નાશવંત છે અને આત્મા આ એક શરીરને છોડી પ્રભુનાં ચરણોમાં જાય છે અને પોતાનાં કર્મો પ્રમાણે બીજું શરીર પામે છે. મૃત્યુ એક શરીરનું જ થાય છે... કારણ આત્મા તો અમર છે.

જીવવિજ્ઞાનના પ્રોફેસરે જીવવિજ્ઞાનની પ્રકિયા સમજાવતાં કહ્યું કે શરીરનાં મુખ્ય અંગો ખાસ કરીને મગજ કામ કરતું બંધ થઈ જાય કે પછી હૃદય ધડકતું બંધ થઈ જાય... અથવા શરીરનાં અંગો એક પછી એક પોતાની કામગીરી કરતાં બંધ થઈ જાય ત્યારે તે શરીર મૃત પામે છે.

આ પણ વાંચો : બોલવાની કળા - (લાઇફ કા ફન્ડા)

જ્ઞાની બોલ્યા, દરેક જન્મ લેનારનું મૃત્યુ નિશ્ચિત છે... મૃત્યુને ટાળી શકાતું નથી... તેથી દરેક જણે મૃત્યુનો સ્વીકાર તો કરવો જ રહ્યો, પણ મૃત્યુનો ડર રાખવો જરૂરી નથી... અને જીવનની દરેક ક્ષણની વાત કરું તો આ ડર છે મૃત્યુ... પછી તે ડર મૃત્યુનો હોય કે પછી અસફળતાનો... જીવની દરેક ક્ષણને જેમ આવે તેમ જીવવી ઊજવવી જ જીવન છે. જો આવનારી પળની ચિંતામાં આ વર્તમાન પળને માણવાનું ભૂલી જવું કે ચિંતામાં આ ક્ષણના આનંદને ખોઈ નાખવો મૃત્યુ છે... સતત અજાણ દુ:ખ કે પીડાના ભય હેઠળ ભયભીત બની જીવવું મૃત્યુ છે... યુદ્ધમાં શત્રુનું બળ વધારે હોય અને સૈનિક આત્મબળ ભૂલી ડરીને પીઠ બતાવે તો વગર ગોળી વાગે તે વીર સૈનિકનું મૃત્યુ છે અને બરાબર તે જ રીતે આપણી તાકાત કે આવડત કરતાં સામે આવીને ઊભેલી મુશ્કેલી બહુ મોટી છે અને એનો કોઈ ઉપાય નથી એમ વિચારી હતાશ થઈ... આત્મવિશ્વાસ ખોઈ નાખવો મૃત્યુ છે. કોઈ અપમાન કરે... હડધૂત કરે છતાં કોઈ મજબૂરી કે સ્વાર્થને કારણે તે અપમાન સહન કરીને જીવવું મૃત્યુ બરાબર છે. ડરમાં જીવવું... ચિંતામાં જીવવું... અપમાનિત થઈને જીવવું... મૃત્યુ બરાબર છે, અને આ બધા ડર... મુશ્કેલી... પડકારો... ચિંતા... માન-અપમાનને આત્મવિશ્વાસ અને હિંમતથી જીતી જવું જ જીવન છે.

columnists