ખુશ રહેવાના રસ્તા (લાઇફ કા ફન્ડા)

27 March, 2019 12:31 PM IST  |  | હેતા ભૂષણ

ખુશ રહેવાના રસ્તા (લાઇફ કા ફન્ડા)

પ્રતીકાત્મક તસવીર

લાઇફ કા ફન્ડા

એક જાતમહેનતે આગળ આવીને સફળ બિઝનેસમૅન બનેલો યુવાન... અનેક સફળતાઓ મેળવી... પૈસા મેળવ્યા... બધા મોજશોખ અને ઇચ્છાઓ પૂરી કરી. અનેક રીતે ખુશી મેળવી અને પરિવારને પણ આપી... એક પછી એક ખુશીની પાછળ ભટકતાં ભટકતાં બિઝનેસમૅન યુવાન થાક્યો અને તે એક સાચા સંત પાસે પહોંચ્યો અને સંતને પૂછ્યું, ‘સંતશ્રી, મારી પાસે બધું જ છે. રોજ ખુશ થવાનાં કોઈ ને કોઈ કારણ પણ મળી જ રહે છે, છતાં કોઈ ખુશી લાંબી ટકતી નથી. તો શું હંમેશાં ખુશ રહી શકાય તેવો કોઈ રસ્તો છે તમારી પાસે તો મને કહો.’

સંત હસ્યા અને બોલ્યા, ‘ભાઈ, હંમેશાં ખુશ રહેવાના મારી પાસે એક નહી, પણ પાંચ રસ્તા છે.’ યુવાન બોલી ઊઠ્યો, ‘મને જલદી જણાવો. તમે કહેશો તેટલા પૈસા આપીશ. તમે કહેશો તેમ કરીશ.’

સંત બોલ્યા, ‘ઠીક છે, તો પહેલાં મને કહે, શું તારા કોઈ દુશ્મનો છે. અમુક વ્યક્તિઓ એવી છે, જેને તું નફરત કરે છે?’ યુવાન બોલ્યો, ‘હા, સંતશ્રી. મને ટૂંક સમયમાં ઘણી સફળતા મળી છે એટલે મારા ઘણા દુશ્મન છે અને ઘણા નજીકના સ્વજનોમાં પણ બધા મારી ઈર્ષ્યા કરે છે અને નિંદા કરે છે. આ બધા લોકોને હું નફરત કરું છું.’ સંત બોલ્યા, ‘ભાઈ એ બધાને માફ કરી દે. તારા મનમાંથી નફરત ભૂંસી નાખ. સદા ખુશ રહેવાનો આ પહેલો રસ્તો છે. કોઈને નફરત ન કરો. બધાને પ્રેમ કરો.’

સંત બોલ્યા, ‘ભાઈ, તારા માથે કેટલો ભાર કેટલી ચિંતા છે?’ યુવાન બોલ્યો, ‘સંતશ્રી પારાવાર ચિંતાઓ છે. ધંધાની, કુટુંબની, માતા-પિતાની તબિયતની. બાળકોના ભવિષ્યની વગેરે વગેરે.’ સંતે કહ્યું, ‘ભાઈ, આવતી કાલની ચિંતા કરવાનું છોડ. બધું જેમ થવાનું હશે તેમ જ થશે. તું નહિ હોય ત્યારે પણ દુનિયા ચાલશે માટે ખુશ રહેવાનો બીજો રસ્તો છે ચિંતા ન કરવી. ત્રીજો રસ્તો છે એકદમ સાદું સરળ જીવન જીવવું. મોંઘાં કપડાં... દાગીના... ગાડી... બંગલા... સતત ખુશી આપતાં નથી તે સમજી લે.’

આ પણ વાંચો : ભગવાનની આપવાની અનોખી રીત (લાઇફ કા ફન્ડા)

આગળ ખુશ રહેવાનો ચોથો અને પાંચમો રસ્તો બતાવતાં સંતશ્રીએ કહ્યું, ‘ભાઈ, કોઈ પાસેથી કોઈ આશા ન રાખવી. અપેક્ષાઓ હંમેશાં દુ:ખનું કારણ બને છે, અને ઈશ્વર પર ભરોસો રાખી સતત એની નજીક પહોંચવાની કોશિશ કરતાં રહેવું. બસ આ પંચ રસ્તે ચાલ, તને ખુશી જ ખુશી મળશે.’ યુવાને આ પાંચ રસ્તે ચાલવાનો સંકલ્પ કર્યો.

life and style columnists