એક પ્રેમ આવો પણ... (લાઇફ કા ફન્ડા)

15 March, 2019 02:06 PM IST  |  | હેતા ભૂષણ

એક પ્રેમ આવો પણ... (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

ટ્રેનની મુસાફરીમાં અનેક સારા-ખરાબ અનુભવો થાય. રીમા એક લેખિકા. ટ્રેનમાં મુસાફરી કરે ત્યારે પણ આજુબાજુ માણસોનું પરિસ્થિતિઓનું અવલોકન કરતી રહે અને કંઈક સૂઝે. કંઈક ગમે તે લખે. એક વખત રીમા ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે બીજા સ્ટેશન પરથી એક કાકા-કાકી ચઢ્યાં. ઉંમર હશે કાકાની ૭૦/૭૫ અને કાકી હશે ૬૫/૭૦નાં. સાડી પણ સરસ લીલા રંગની પહેરી હતી. કાકીએ હાથમાં અને પગમાં લાલ રંગનું નેઇલ-પૉલિશ. હાથમાં સોનાની બંગડી, લીલી બંગડી અને વળી પાછી ઘડિયાળ પણ. કાકી શોખીન લાગ્યાં. કાકાએ પણ ઉંમરના પ્રમાણમાં ભડક લાગે એવું રેડ રંગનું ચેક્સવાળું શર્ટ પહેર્યું હતું.

કાકા-કાકીની સીટ થોડે દૂર હતી. એક સીટ નંબર બારી પાસે હતો તેથી પહેલાં બન્ને વચ્ચે રકઝક થઈ. કાકા કહે, ‘તું બારી પાસે બેસ.’ કાકી કહે, ‘ના તમે બેસો.’ અંતે કાકા જીત્યા; કાકીને બારી પાસે બેસાડી સમાન ગોઠવી, પોતે પોતાની સીટ પર જઈને બેઠા. થોડી વાર થઈ, કાકાએ કાકીને બૂમ મારીને પૂછ્યું, ‘પાણી પીવું છે.’ કાકી કહે, ‘ના હમણાં નહીં. પછી.’ થોડી વાર થઈ એટલે કાકીએ બૂમ મારી, ‘તમારે કંઈ ખાવું છે, બિસ્કિટ આપું?’ કાકાએ ના પાડી, પણ કાકીએ ધરાર બાજુમાં બેઠેલા ભાઈને બિસ્કિટ આપ્યું અને તેમની જ સાથે કાકા માટે પણ મોકલાવ્યું. રીમાની સીટ પણ ત્યાં આજુબાજુમાં જ હતી. તે કાકા-કાકીનું વર્તન જોઈ રહી હતી. કોઈ તેમના પર હસી રહ્યું હતુ. કોઈ મોઢાં બગાડી રહ્યું હતું. વળી કાકીએ બૂમ પાડી, ‘જરા પાણી આપોને.’ કાકાએ પોતાની પાસેના થેલામાંથી પાણીની બૉટલ કાઢી, કાકી બેઠાં હતાં ત્યાં જઈ પાણી આપ્યું. એક યુવાને મજાકમાં કહ્યું, ‘કાકી, કાકાની બાજુમાં જતાં રહોને.’ તો વળી કાકી બોલ્યાં, ‘કેમ ભાઈ, મારી બારી પાસેની સીટ શું કામ છોડું?’

આ પણ વાંચો : મૃત્યુ શું છે? - (લાઇફ કા ફન્ડા)

રીમા કાકા-કાકીનું વર્તન ધ્યાનથી જોઈ રહી હતી. તેના મુખ પર પણ સ્મિત આવી ગયું. તે વિચારી રહી કે બન્નેના દરેક વર્તનમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ દેખાય છે. કેટલી કાળજી લે છે બન્ને જણ એકબીજાની. આ પ્રેમનું એક જુદું સ્વરૂપ છે. મુસાફરીનો આનંદ પણ ઉઠાવી રહ્યાં છે અને સરસ તૈયાર થઈ પોતાનો શોખ પણ પૂરો કરી રહ્યાં છે. પ્રેમ જીવંત છે એટલે જીવન વસંત છે, અને જીવન જીવંત છે એટલે પ્રેમ ખીલેલો છે. રીમાએ લૅપટૉપ ખોલી નવો લેખ શરૂ કર્યો, એક પ્રેમ આવો પણ... ઉતારવાનું સ્ટેશન આવ્યું. કાકાએ બે થેલા ખભા પર લઈ લીધા અને કાકી પાછળ બોલતાં હતાં, લાવો હું એક થેલો લઈ લઉં.... બન્નેને જોઈ રીમા ફરી મલકી ઊઠી.

columnists