એક સાચું સુખ – (લાઇફ કા ફન્ડા)

18 March, 2019 02:52 PM IST  |  | હેતા ભૂષણ

એક સાચું સુખ – (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક ગામમાં એક બ્રહ્મચારી રહેતા હતા. બધી મોહમાયા છોડી પોતાનામાં મસ્તમાં મસ્ત રહેવું તેમનો સ્વભાવ હતો. એક દિવસ તેમને વિચાર આવ્યો કે આ દુનિયામાં સુખી કોને કહેવાય અને સર્વાધિક સુખી કોણ હશે?

એક દિવસ એક શ્રીમંત શેઠ પોતાના નોકરચાકર સાથે ગાડીમાં બેસી; મંદિરમાં દર્શન કરવા આવ્યા. તેમનો ઠાઠમાઠ જોઈ બ્રહ્મચારીને લાગ્યું કે આ શેઠ ખૂબ જ પૈસાદાર લાગે છે બ્રહ્મચારીએ શેઠને પૂછી લીધું, ‘શેઠ ભગવાનની તમારા પર ભરપૂર કૃપા છે. મને લાગે છે કે તમે સંસારની સૌથી સુખી વ્યક્તિ હશો.’ શેઠ બોલ્યા, ‘ના, બાબા, હું ક્યાં સુખી છું. લગ્ન પછી બાળક નથી થતું. નિ:સંતાન છું. મારા પછી આ સંપત્તિનો કોઈ વારસદાર નથી એ માગવા જ તો અહીં આવું છું. મારા હિસાબે પાડોશના ગામમાં એક વિદ્વાન પંડિત રહે છે તે સૌથી સાચા સુખી છે.’ બ્રહ્મચારી સાધુ તે પંડિતને મળવા ગયા અને પ્રશ્ન પૂછ્યો. પંડિતે કહ્યું, ‘ના ભાઈ, હું ક્યાં સુખી છું. ઘણી મહેનતથી વિદ્યા મેળવી, પણ વિદ્યાની મદદથી જરૂર પૂરતું પણ કમાઈ શકતો નથી. મને લાગે છે, આ નગરના નેતાજીનાં બહુ માનપાન છે. તે સૌથી સાચા સુખી હશે.

બ્રહ્મચારી સાધુ નેતાજીને મળવા ગયા. નેતાજીને જઈને કહ્યું, ‘નેતાજી, તમે નગરના મોટા નેતા છો. બધા તમારી વાત માને છે. તમને યશ, ધન, માનપાન બધું પ્રાપ્ત છે. શું તમે સૌથી વધારે સુખી છો?’ નેતાજી બોલ્યા, ‘ના ના. બધાને આ માનપાન, યશ, ધન દેખાય છે, પણ તેની સાથે-સાથે કેટલા વિરોધીઓ મારી નિંદા કરે છે. મારા દરેક કામનો વિરોધ કરે છે. ખોટા આરોપ મૂકી મને બદનામ કરે છે. હું કંઈ સાચો સુખી નથી. મેં સાંભળ્યું છે, કોઈ દિવસ ત્યાં ગયો નથી, પણ બાજુના ગામમાં એક મંદિર છે અને ત્યાં એક બ્રહ્મચારી સાધુ સઘળું ભૂલીને કોઈ પણ લોભ, મોહમાયાના બંધન વિના પોતાની મસ્તીમાં જીવે છે અને મારા માટે જે સઘળું ભૂલી પોતાની મસ્તીમાં જીવી શકે એ જ સાચું સુખ છે.’

આ પણ વાંચો : એક પ્રેમ આવો પણ... (લાઇફ કા ફન્ડા)

બ્રહ્મચારી સાધુ કંઈ બોલ્યા નહિ કે તમે જેની વાત કરો છો તે બ્રહ્મચારી સાધુ હું જ છું. સાધુને પોતાની ભૂલ સમજાઈ અને લજ્જા આવી કે મારી મસ્તીમાં જીવનાર હું કોણ.

સાચો સુખી તે શોધવા શું કામ નીકળ્યો. સાધુને સમજાઈ ગયું કે સાચું સુખ સંસારના ભૌતિક સુખોથી પર લૌકિક સુખોને ભૂલી અલૌકિકની નિ:સ્વાર્થ ઉપાસનામાં છે.

life and style columnists