જીવમાત્રનો પ્રાણ – (લાઇફ કા ફન્ડા)

19 March, 2019 01:42 PM IST  |  | હેતા ભૂષણ

જીવમાત્રનો પ્રાણ – (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક વખત ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી વિહાર પર નીકળ્યાં. રસ્તામાં લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને કહ્યું, ‘સ્વામી, એક વાત કહું? ખરાબ ન લગાડતા, પણ હવે હકીકત એ છે કે લોકોને મારી જરૂર તમારા કરતાં પણ વધારે છે. લોકો લક્ષ્મી મેળવવા સતત દોડે છે. દુનિયામાં તમારા વિના કદાચ ચાલે, પણ મારા વિના તો ન જ ચાલે.’

ભગવાન વિષ્ણુ સમજી ગયા કે લક્ષ્મીજીમાં અભિમાન પ્રવેશ્યું છે અને તેઓ જે બોલે છે એ ગર્વ બોલાવે છે. આ ગર્વને તો ભગાડવો પડશે. ભગવાન વિષ્ણુએ સ્મિતસહ કહ્યું, ‘દેવી, તમારી વાત મને સાબિત કરીને બતાવો કે બધાને તમારી જરૂર છે અને મારી નહીં..

આમ વાત કરતાં કરતાં અને ફરતાં ફરતાં લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ એક નગરમાં પહોચ્યાં. ત્યાં એક માણસનું મૃત્યુ થયું હતું અને તેના મૃતદેહને નનામીમાં બાંધી સ્મશાનયાત્રા નીકળી હતી. લોકો પ્રભુનું નામ લેતાં લેતાં મૃતદેહને એની છેલ્લી મંજિલ તરફ લઈ જઈ રહ્યા હતા. કોઈ લક્ષ્મીજીનું નામ લઈ રહ્યું નહોતું. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સામે મંદ મંદ હાસ્યા અને આંખોના ઇશારાથી જાણે કહ્યું, જોયું બધા મારું નામ લે છે.

લક્ષ્મીજી બોલ્યાં, ‘જુઓ નાથ, હમણાં સાબિત કરી આપું. આ બધા તમારું નામ લઈ રહ્યા છે અને હવે મારા પ્રભાવમાં તમારું નામ લેવાનું ઘડીભરમાં ભૂલી જશે.’ આટલું બોલી લક્ષ્મીજીએ સોનામહોરોનો વરસાદ શરૂ કર્યો. બધા લોકો સ્મશાનયાત્રા ભૂલી નનામી નીચે મૂકી સોનામહોરો એકઠી કરવા દોડવા લાગ્યા. હવે લક્ષ્મીજી હસ્યાં અને બોલ્યાં, ‘બોલો પ્રભુ, હવે શું કહેવું છે?’ ભગવાન વિષ્ણુએ કહ્યું, ‘દેવી, સરસ પણ મારે એક સવાલ પૂછવો છે કે આ બધા માણસ સોનામહોર માટે દોડ્યા, પણ તમારા પ્રભાવથી પેલો નનામીમાં બાંધેલો માણસ કેમ ઊભો ન થયો?’ લક્ષ્મીજીએ કહ્યું, ‘પ્રભુ, તમે પણ ખરા છો. તે મૃત્યુ પામ્યો છે. તેને મારી શી જરૂર?’

આ પણ વાંચો : એક સાચું સુખ – (લાઇફ કા ફન્ડા)

ભગવાન હસ્યા અને બોલ્યા, ‘દેવી, હું જીવમાત્રનો પ્રાણ છું અને જો હું જતો રહું તો તમારું કોઈ મૂલ્ય નથી. જેમાં હું નથી એને તમારી બિલકુલ જરૂર નથી અને જે મારામય છે એને તો તમારો મોહ જ નથી.’ પ્રભુની વાત સાંભળી દેવી લક્ષ્મીનો ગર્વ તૂટી ગયો. તેમણે શરમાઈને પોતાના અભિમાનભર્યા વર્તન માટે પ્રભુની માફી માગી.

life and style columnists