ભગવાનની આપવાની અનોખી રીત (લાઇફ કા ફન્ડા)

25 March, 2019 12:12 PM IST  |  | હેતા ભૂષણ

ભગવાનની આપવાની અનોખી રીત (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

માણસ અને ભગવાનની એક દિવસ મુલાકત થઈ. માણસે ટેવ મુજબ ભગવાનને ફરિયાદ કરતાં કહ્યું, ‘ભગવાન તમે ખરા છો. હું તમારી પાસે કંઈક માગું છું અને તમે મને કંઈક બીજું જ આપી દો છો. ભગવાન થઈને મને આમ શું કામ હેરાન કરો છો?’ ભગવાને સાવ અજાણ્યા બની પૂછ્યું, ‘અરે માનવ, આમ કેમ કહે છે? હું તો આપવા જ બેઠો છું અને મારી પાસે જે કોઈ જે માગે છે હું તેને તે આપું જ છું.’

માણસ બોલી ઊઠ્યો, ‘ના ભગવાન, તમે એમ નથી કરતા. મેં તમને પ્રાર્થના કરી હતી કે મને હિંમતવાન બનાવજો. તો તમે હિંમત આપવાને બદલે મને એક પછી એક મુસીબતો આપી.’ ભગવાન હસ્યા, ‘બરાબર, મેં મુસીબતો આપી અને તેં મુસીબતોનો હિંમતથી સામનો કર્યો અને તું પાર ઉતર્યો. મેં હિંમત તારામાં હતી એનો તને પરિચય કરાવવા માટે મુસીબતો આપી હતી, સમજ્યો.’

માણસ બોલ્યો, ‘પણ પ્રભુ. મેં તમારી પાસે જયારે બુદ્ધિ, જ્ઞાન, મગજ માગ્યું તો એમાંથી કંઈ ન આપતાં તમે તો એક પછી એક જીવનના અઘરા પ્રશ્નો મારી સામે મૂકી દીધા. ડગલે ને પગલે નવી પરીક્ષા અને નવું પ્રશ્નપત્ર. આમ કેમ?’ ભગવાન બોલ્યા, ‘નાદાન મનુષ્ય, તું સમજતો નથી.

મેં જે પ્રશ્નો અને ડગલે ને પગલે પરીક્ષાઓ લીધી તેનાથી જ તો તારું મગજ, તારી બુદ્ધિ ખીલી અને જ્ઞાન અનુભવસમૃદ્ધ થયું. એટલે મેં તને જે મગજ અને બુદ્ધિ આપેલાં જ હતાં તેનો જોઈએ એવો ઉપયોગ તું કરી શકે માટે મેં તને પ્રશ્નો આપ્યા અને પરીક્ષા લીધી.’

માણસની ફરિયાદ બંધ થતી નહોતી. તેણે આગળ ફરિયાદ કરતાં કહ્યું, ‘પ્રભુ, એમ તમે મને શબ્દો અને વાતોની જાળમાં ફસાવો નહી. મેં તમારી પાસે અઢળક સંપત્તિ માગી હતી. તમે મને તે પણ ન આપી. મારે કેટલો કઠોર પરિશ્રમ કરી તે સંપત્તિ મેળવવી પડી, ખબર છે.’

આ પણ વાંચો : સાચો શિષ્ય (લાઇફ કા ફન્ડા)

ભગવાન હસ્યા, ‘ભાઈ, તેં જે સંપત્તિ કઠોર પરિશ્રમ કરી મેળવી તે પરિશ્રમ કરવા માટે હાથ પગ શરીર મેં તને આપ્યાં છે, સાથે યોગ્ય દિશામાં મહેનત કરવા બુદ્ધિ અને બીજી બધી ઇન્દ્રિયો પણ મેં આપી છે. હૈયું છે તેમાં ધડકન મેં આપી છે અને હૈયું, મસ્તક, હાથ અને પગથી બીજી મોટી સંપત્તિ કઈ હોઈ શકે?’ માણસ સમજી ગયો કે બધું ઈશ્વર જ આપે છે. ભગવાન સામે ફરિયાદ કરવાની ન હોય. તેણે તો જે જે આપ્યું છે તેના માટે પ્રતિક્ષણ તેમનો આભાર માનવાનો હોય. ભગવાનને નમન કરાય, રાવ નહિ.

columnists life and style