ત્રણ શબ્દો... (લાઇફ કા ફન્ડા)

16 May, 2019 02:44 PM IST  |  | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

ત્રણ શબ્દો... (લાઇફ કા ફન્ડા)

પ્રતીક હોશિયાર યુવાન. માત્ર ત્રીસ વર્ષની વયે તો તે કરોડોના બિઝનેસનો માલિક બની ગયો. પ્રતીક જાત-મહેનતે આગળ આવ્યો હતો અને પૈસા તથા સફળતા મળતાં તે છકી ગયો ન હતો. તે નમ્રતાસભર, સરળ જીવન જીવતો. પૈસા આવ્યા છતાં રોજ વહેલો ઊઠતો. પોતાના અમુક કામ જાતે જ કરતો. મોંઘા સૂટ નહીં પણ જિન્સ ટી-શર્ટ પહેરી ઑફિસે જતો.

પ્રતીક સવારે ઊઠતાં જ એક નિયમનું પાલન કરતો. તે ત્રણ ગુલાબી રંગની ચબરખી લેતો. ત્રણે ચબરખી પર કંઈક લખતો અને પછી કસરત કરી, પૂજા કરી ઑફિસ જવા તૈયાર થતો અને પેલી ત્રણ ચબરખીઓ પોતાના જિન્સના ખિસ્સામાં મૂકતો.

રોજ આ નિયમનું પાલન કરતો. કંઈ પણ થાય તે ત્રણ ગુલાબી ચબરખી લખવાનું અને તેને જિન્સમાં મૂકવાનું ન ભૂલતો.

એક દિવસ પ્રતીક તૈયાર થતો હતો અને આજે મિટિંગ પતાવી પ્રતીકે બહારગામ જવાનું હોવાથી પ્રતીકનો પી.એ. પર્સનલ અસિસ્ટન્ટ ઘરે આવ્યો હતો. પી.એ.એ પ્રતીકને ત્રણ ગુલાબી ચિઠ્ઠી ખિસ્સામાં મૂકતા જોયો. તેને થયું કંઈક મહત્વની માહિતી હશે...

તેણે કહ્યું ‘સર, લાવો એ ચબરખીઓ જે પણ માહિતી હોય હું લૅપટૉપ અને ડાયરીમાં લખી લઉં તમારે સાચવવી નહીં.’

પ્રતીક હસ્યો અને બોલ્યો ‘ભાઈ, આ ચબરખીમાં લખેલી માહિતી તો બધાએ પોતાના મન અને મગજના લૅપટૉપમાં સેવ કરીને રાખવા જેવી છે અને તેને ક્યારેય ન ભૂલવી જોઈએ.’

પ્રતીક સરનો આવો જવાબ સાંભળી પી.એ.ની ઉત્કંઠા વધી ગઈ.

તેણે વિનંતી કરતાં કહ્યું ‘સર, પ્લીઝ તમને વાંધો ન હોય તો તે માહિતી શું છે મને કહેશો?’ જવાબમાં પ્રતીકે ત્રણ ગુલાબી ચબરખીઓ તેના હાથમાં આપી દીધી.

કંઈક એકદમ મહત્વનું જાણવા મળશે એમ વિચારી પી.એ.એ ચબરખીઓ ખોલી અને વાંચી. ત્રણે ચબરખી પર એક-એક શબ્દ લખ્યા હતા... કોશિશ - સચ્ચાઈ - વિશ્વાસ.

પી.એ.ને કંઈ સમજાયું નહીં. એણે પ્રશ્નાર્થભરી નજરે પ્રતીક સર સામે જોયું.

પ્રતીકે હસતા હસતા ચબરખીઓ તેના હાથમાંથી લીધી અને પોતાના જિન્સના ખિસ્સામાં મૂકતા બોલ્યો ‘ભાઈ, આ ત્રણ શબ્દો હું રોજ લખું છું અને સાથે રાખું છું. મારા ખિસ્સામાં રહેલી આ ત્રણ ચબરખીઓ પર લખેલા આ ત્રણ શબ્દો મને સતત યાદ કરાવે છે કે હંમેશાં સારા ભવિષ્ય માટે કોશિશ કરતા રહેવું, અટકવું નહીં, હારવું નહીં. હંમેશાં પોતાના કામને સંપૂર્ણ નિષ્ઠા અને સચ્ચાઈપૂર્વક કરવું. કામચોરી ક્યારેય કરવી નહીં અને ભગવાન પર અખંડ વિશ્વાસ રાખવો. કોઈ પણ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ ડગવા દેવો નહીં. બસ આ ત્રણ શબ્દો યાદ રાખો, સફળતા મળશે જ.’

આ પણ વાંચો : અબોલા ન લો (લાઇફ કા ફન્ડા)

પી.એ. પ્રતીક સરની સફળતાનું રહસ્ય જાણી આ શબ્દો યાદ રાખવા પ્રેરિત થયો.

columnists