સમય ચૂકી જતાં... - (લાઇફ કા ફન્ડા)

01 May, 2019 12:36 PM IST  |  | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

સમય ચૂકી જતાં... - (લાઇફ કા ફન્ડા)

પ્રતીકાત્મક તસવીર

એક રાજકુમાર, એક નગરશેઠનો દીકરો અને એક સામાન્ય ખેડૂતનો દીકરો ત્રણે ગુરુજીના આશ્રમમાં સાથે અભ્યાસ કરતા હતા અને ત્રણ જણ પાકા મિત્રો હતા. તેમનો અભ્યાસ પૂરો થવાને હવે છ મહિનાની જ વાર હતી. બે મિત્રોએ રાજકુમાર સાથે થોડું અંતર કરી લીધું. એક દિવસ રાજકુમારે તેના વર્તનમાં આવેલા બદલાવ વિશે બન્ને મિત્રોને પૂછ્યું. બન્ને જણે કહ્યું, ‘થોડા વખતમાં આપણે અભ્યાસ પૂરો કરીને પોતપોતાના ઘરે જઈશું. અહીં બધા ગુરુજીના શિષ્યો છે, પણ તું આવતી કાલે રાજા બનીશ, પછી અમારા જેવા પ્રજાજનો જોડે તું વાત પણ નહીં કરે એટલે અમે અત્યારથી જ તારી સાથે ઓછું બોલવાનું નક્કી કર્યું છે.’

રાજકુમારે કહ્યું, ‘અરે મિત્રો, મારે મન તમે મારા સૌથી નજીકના મિત્રો છો અને રહેશો.’

બન્ને મિત્રોએ કહ્યું, ‘દોસ્ત, તું અમને હંમેશાં એકસરખા જ ગણીશ?’ રાજકુમારે કહ્યું, ‘હા દોસ્તો, હું તમને મારા સમાન જ ગણીશ. જ્યારે તમને જરૂર પડે મારી પાસે આવજો. હું તમને એક દિવસ માટે મારા જેટલા જ એટલે એક રાજા જેટલા જ હક આપીશ.’

અભ્યાસ પૂરો થતાં બધા પોતપોતાના ઘરે ગયા. રાજકુમાર સમય વીતતાી રાજા બન્યો. નગરશેઠનો દીકરો પોતે નગરશેઠ બની ગયો અને ખેડૂતનો દીકરો ખેડૂત. સમય પસાર થતાં એક દિવસ નગરશેઠ પોતાના મિત્ર રાજા પાસે નગરની તકલીફોની ફરિયાદ લઈને ગયા. મિત્ર રાજાએ દોડીને મિત્રને આવકાર આપ્યો. નગરશેઠે પોતાના ગામ અને નગરની તકલીફોની વાત કરી અને મદદ કરવા વિનંતી કરી. રાજા બનેલા મિત્રને પોતાનું વચન યાદ હતું. તેણે કહ્યું, ‘દોસ્ત, મારા આપેલા વચન મુજબ હું તને આવતી કાલે એક દિવસ માટે રાજા બનાવીશ. તારા નગર માટે શું કરવું છે, કેટલી મદદ જોઈએ છે એ નર્ણિય તું પોતે જ લેજે. દોસ્તીમાં વિનંતી ન હોય.’

દરબારીઓ અને નગરશેઠ રાજાની મિત્રતાની ભાવનાને બિરદાવવા લાગ્યા.

આ પણ વાંચો : સુખી માણસની નિશાની (લાઇફ કા ફન્ડા)

બીજા દિવસે નગરશેઠ રાજા બન્યા અને પોતાના નગરની બધી મુશ્કેલીઓ દૂર કરવા રાજાના ખજાનામાંથી પૈસા અને અન્ય મદદ આપી. રાજાએ કોઈ વાતમાં ના ન પાડી. આ વાત ખેડૂત મિત્રના કાને પડી. તેના મનમાં લાલચ જાગી. તે મિત્ર રાજા પાસે ગયો. રાજાએ તેને પણ આવકાર્યો. ખેડૂતે પોતાની ગરીબી અને મહેનત-મજૂરી ભરેલા જીવનની વાત કરીને મદદ કરવા કહ્યું. રાજાએ કહ્યું, ‘તું આવતી કાલે એક દિવસનો રાજા, તું જ નક્કી કરજે. લાલચી ખેડૂતમિત્ર બીજા દિવસે ઊઠ્યો. શાહી સ્નાન કર્યું. નાસ્તો કર્યો, રાજસી ભોજન જમ્યા અને પછી ભારેખમ ભોજન કરતાં આળસ આવી. આરામ કરીને દરબારમાં જઈશ એવું વિચારીને તે સૂઈ ગયો. ઊઠ્યો ત્યારે સૂરજ આથમી ચૂક્યો હતો અને તેનું ભાગ્ય પણ તે એક દિવસનો રાજા હતો એ દિવસ પૂરો થઈ ગયો હતો. તે સમય ચૂકી ગયો.

columnists