કરમાફ - (લાઇફ કા ફન્ડા)

19 August, 2019 03:43 PM IST  |  | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

કરમાફ - (લાઇફ કા ફન્ડા)

જૂનાગઢના એક દીવાને પ્રજા પર સાવ મામૂલી કર નાખ્યો, પરંતુ આ કર પણ પ્રજા પર ભારરૂપ હતો. દીવાનજીને કર ઓછો કરવા માટેની વિનંતી કરવા માટે ગામેગામથી લોકો તેમના મહેલ પર આવ્યા. થોડી વારે દીવાનજી આવ્યા. બેઠક લીધી અને બોલ્યા, ‘શું વાત છે. રાજ્યની પ્રગતિ અને તમારા બધાના સારા માટે આ કર નાખ્યો છે. સાવ મામૂલી તો છે. આટલો મામૂલી કર તમે ભરી ન શકો?’

પ્રજાએ વિનંતી કરી કે આપને મામૂલી લાગતો હશે, પણ રોજ મહેનત કરી પોતાનું પેટિયું રળતી પ્રજા માટે આ કર ભારરૂપ છે. ઘણી રજૂઆત કરી, ઉદાહરણ આપ્યાં પણ દીવાનજી કર ઓછો કરવા તૈયાર ન થયા ત્યારે એક વડીલ લુહાર આગળ આવ્યો અને બોલ્યો, ‘દીવાનજી, આપ તો જાણો છો કે ક્યારેક પ્રજા પાસે દાતરડું તૂટી ગયું હોય એ સરખું કરાવવાના પૈસા પણ ન હોય.’

આ સાંભળી દીવાનજી ઊભા થઈ ગયા. તેમનું અંતર હચમચી ઊઠ્યું અને માત્ર એટલું જ બોલ્યા, ‘મારા પ્રજાજનો, મને માફ કરશો, હું બધો કર માફ કરું છું’ અને પછી પેલા લુહારને નમન કરી સોનામહોરોની કોથળી આપી. બધાને નવાઈ લાગી. પ્રજાજનો પેલા વડીલ લુહારને ઊંચકી લઈ નમન કરવા લાગ્યા. 

આ બાજુ અન્ય મંત્રીઓ દીવાનજીને અચાનક નિર્ણય કેમ બદલ્યો એ પૂછવા લાગ્યા. દીવાનજી ધીમેથી બોલ્યા, ‘આજે તમારી સમક્ષ હું એક દીવાન તરીકે છું. નાનપણમાં માતા-પિતા મૃત્યુ પામ્યાં. હું અને મારી નાની બહેન અનાથ થયાં. ખાવાનાં પણ ફાંફાં હતાં. પાસે એક દાતરડું હતું અને એની મદદથી જંગલમાં જઈ હું લાકડાં કાપતો. બહેન લાકડાં વીણતી. આખો દિવસ મહેનત કરી જે લાકડાં ભેગાં થતાં એ વેચી જે મળતું એમાંથી રોટલો ખાતા. એક દિવસ આ દાતરડું તૂટી ગયું. મારી પાસે એને સરખું કરાવવાના પૈસા ન હતા.

આ પણ વાંચો : ચમત્કાર પ્રેમનો (લાઇફ કા ફન્ડા)

લુહાર પાસે જઈ વિનંતી કરી અને વચન આપ્યું કે મરીને પણ હું તમારા પૈસા આપી દઈશ, પરંતુ અત્યારે આ દાતરડું સમું કરી આપો, નહીં તો અમે ભૂખ્યા મરી જઈશું. લુહારના હૃદયમાં રામ વસ્યા. તેણે એક પણ પૈસો લીધા વિના દાતરડું સમું કરી આપ્યું. વિધિનું ચક્ર ફર્યું અને મારી બહેન રાજરાણી બની, હું દીવાન બન્યો. ભૂતકાળ ભૂલતો ગયો. આજે આ વડીલ લુહારે વધુ કઈ કહ્યા વિના મને મોઘમમાં વાત યાદ કરાવી અને સમજાવ્યું કે પ્રજા માટે એક-એક પૈસાની કેવી કિંમત હોય છે. એક પૈસો લીધા વિના મારું દાતરડું સમું કરી આપનાર લુહાર આ જ વડીલ છે અને આજે તેમણે જ મને ખોટો નિર્ણય લેતા બચાવ્યો છે. હું તેમનું ઋણ માથે ચઢાવી પ્રજાનો કર માફ કરું છું.’

columnists