સાસુ નહીં, મમ્મી - (લાઇફ કા ફન્ડા)

13 June, 2019 12:55 PM IST  |  | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

સાસુ નહીં, મમ્મી - (લાઇફ કા ફન્ડા)

મા વગરની દીકરી રાધિકા લગ્ન કરી સાસરે આવી. પિતાએ પોતાની લાડલીને ઘણું આપ્યું હતું અને સાસરું પણ સધ્ધર હતું. બધાં કપડાં, દાગીના અને અન્ય ભેટની સાથે રાધિકા લાવી હતી માતા-પિતાના સંસ્કાર, મૃત્યુ પામેલી માતાનો ફોટો, માતાએ તેના માટે કરાવેલી હીરાની બંગડીઓ અને એક તેને બહુ જ ગમતી મમ્મીની જૂની બનારસી સાડી. હીરાની બંગડીઓ વિદાય વખતે હાથમાં પહેરાવતા પિતાએ કહ્યું હતું ‘લે બેટા આ તારી મમ્મીએ તારા માટે ખૂબ જ હોંશથી કરાવી હતી અને તું એ પહેરજે એટલે તને લાગશે કે સાસરામાં મમ્મીના છૂપા આશિષ તારી સાથે જ છે.’ રાધિકાના હાથમાં હીરાજડેલ, પ્રેમ-મમતાથી મઢેલ બંગડીઓ શોભી ઊઠી હતી.

સાસરે પધારતાં સાસુમાએ વરઘોડિયા પોંખ્યા અને નાની નણંદ સોનાલીએ રસ્તો રોકી - બહેનનો લાગો માગ્યો. ભાઈ સોહમે જે માગે તે આપવાની તૈયારી બતાવી. સોનાલીએ પૂછ્યું, સાચે ભાઈ, હું માગું તે આપશો ? સોહમે હા પાડી. સોનાલીએ ભાભી રાધિકાના હાથ પર ચમકતી હીરાની બંગડી તરફ આંગળી ચીંધી. સાસુ બોલ્યા, સોનાલી આ શું માગે છે? સોહમ કંઈ ન બોલી શક્યો કારણ તે જાણતો હતો કે આ બંગડીઓ જોડે રાધિકાની કેટલી લાગણીઓ જોડાયેલી છે.

પોતાના હાથની બંગડી કાઢી સોહમના હાથમાં આપતાં રાધિકા બોલી, શું તમે પણ ચૂપ ઊભા છો. આ લો બંગડી, સોનાલીબહેનને પહેરાવી દો. સોહમે બંગડી લઇ સોનાલીને પહેરાવી. સોનાલી ચમકતી હીરાની બંગડીઓ મેળવી ખુશ થઈ ગઈ. રાધિકાના સાસુ-સસરાને દીકરીની આ માગ ન ગમી. રાત્રે રૂમના એકાંતમાં સોહમે રાધિકાને કહ્યું, મને ખબર છે આ બંગડી તારી મમ્મીએ તારા માટે કરાવી હતી અને તને કેટલી ગમે છે. તેં શું કામ સોનાલીને આપી, હું તેને બીજું કંઈ આપી સમજાવી દેત. રાધિકા માત્ર હસી. તેણે બંગડી પ્રેમથી આપી હતી છતાં મમ્મીની નિશાની હતી એટલે થોડું મન ઉદાસ થઈ જતું હતું.

સવારે રાધિકા ઊઠી તો સાસુ જલ્ાદી ઊઠી ગયાં હતાં. રાધિકાનો ફેવરીટ નાસ્તો આલું પરાઠા તૈયાર હતો. સાસુમા બોલ્યા, રાધિકા, ચલ ચા-નાસ્તો તૈયાર છે લઈ લે. આપણે સાથે ચા-નાસ્તો કરીએ. રાધિકાએ બે કપ ચા અને બે નાસ્તાની પ્લેટ તૈયાર કરી અને ટેબલ પર મૂકી. સાસુમા તરત તેના હાથમાં પેલી હીરાની બંગડી પહેરાવતા બોલ્યા, મારી વહુના હાથ આ બંગડી વિના ખાલી ખાલી લાગે છે. રાધિકાની આંખમાં આંસુ આવી ગયા.

આ પણ વાંચો : મારી માના આશિષ (લાઇફ કા ફન્ડા)

બોલી, મમ્મી સોનાલીબહેન ? સાસુમા બોલ્યા, તેને આવી જ બંગડી તેનો ભાઈ કરાવી આપશે, પણ આ તો તારી જ છે. અને હા આજે સાંજે નાનું ફન્કશન છે, મને સોહમે કહ્યું કે તું તારી મમ્મીની બનારસી સાડી સાથે લાવી છે તો જો તને ગમે તો સાંજે હું એ સાડી પહેરું. રાધિકા મમ્મી... બોલી સાસુમાને ભેટી પડી.  

columnists