એક દેવદૂત - (લાઇફ કા ફન્ડા)

12 August, 2019 02:57 PM IST  |  મુંબઈ | લાઇફ કા ફન્ડા

એક દેવદૂત - (લાઇફ કા ફન્ડા)

એક નવજાત શિશુ જન્મ લેવાની તૈયારીમાં હતું. શિશુએ ભગવાનને પૂછ્યું, ‘પ્રભુ મેં સાંભળ્યું છે કે આવતી કાલે તમે મને ધરતી પર મોકલવાના છો... પણ મને બહુ ડર લાગે છે. હું આટલું નાનું અજાણી ધરતી પર અજાણ્યા લોકો વચ્ચે કેવી રીતે જીવીશ?’ ભગવાને કહ્યું, ‘શિશુ મારા વહાલા... તું ડર નહીં, ધરતી પર મેં તારી સંભાળ લેવા એક દેવદૂત પસંદ કરી પહેલેથી મોકલી આપ્યો છે. એ દેવદૂત તારી રાહ જુએ છે અને તારી એકદમ કાળજી રાખશે.’

નાનું શિશુ બોલ્યું, ‘પ્રભુ અહીં સ્વર્ગમાં તમારી પાસે તો હું માત્ર હસતો-ગાતો રહું છું અને ખુશ રહું છું, પણ ધરતી પર મારું શું થશે.’ ભગવાન બોલ્યા, ‘ધરતી પર દેવદૂત તારે માટે ગાશે. તેનો પ્રેમ મેળવી તું એકદમ ખુશ રહીશ.’ શિશુ ડરતાં-ડરતાં બોલ્યું, ‘તમે મારી ભાષા સમજો છો, હું તમારી ભાષા સમજું છું, પણ ધરતી પર માણસોની ભાષા મને નથી આવડતી, તો તેઓ મારી સાથે વાત કરશે એ હું કઈ રીતે સમજી શકીશ?’ ભગવાન બોલ્યા, ‘ચિંતા નહીં કર દેવદૂત છે એ તારી સાથે મીઠી-મીઠી વાતો કરશે અને તને ખૂબ ધીરજથી ધીમે-ધીમે બોલતાં શીખવશે.’

શિશુએ રડમસ અવાજે પૂછ્યું, ‘પણ મને તમારી યાદ આવશે ત્યારે હું તમારી સાથે કેવી રીતે વાત કરી શકીશ?’ ભગવાન બોલ્યા, ‘દેવદૂત તને પ્રાર્થના કરતાં શીખવશે અને પ્રાર્થના દ્વારા તું મને તારા મનની વાત કઈ શકીશ.’ શિશુ બોલ્યો, ‘પણ બધા કહે છે કે ધરતી પર સારા માણસોની સાથે ખરાબ માણસો પણ રહે છે તો મને તેમનાથી કોણ બચાવશે?’ ઈશ્વરે કહ્યું, ‘તારો દેવદૂત સતત તને જાળવશે અને તે પોતાની જાનની પરવા કર્યા વિના તારી રક્ષા કરશે.’ શિશુ રડી પડ્યું... બોલ્યું, ‘પણ તમે ત્યાં નહીં હો, હું તમને જોઈ નહીં શકું.’ ભગવાને કહ્યું, ‘ના શિશુ, હું દેવદૂતના રૂપે હંમેશાં તારી સાથે રહીશ. દેવદૂત તારી સાથે મારી વાતો કરશે, તને મારી નજીક પહોંચવાનો રસ્તો શીખવાડશે.’

આ પણ વાંચો : એક નાની જવાબદારી (લાઇફ કા ફન્ડા)

ભગવાન સાથે વાતો કરતાં-કરતાં શિશુનો ધરતી પર જન્મ લેવાનો સમય થઈ ગયો. જતાં પહેલાં શિશુએ જલદીથી પૂછ્યું, ‘ભગવાન, મને મારા દેવદૂતનું નામ તો કહો...’ ઈશ્વરે એટલું જ કહ્યું, ‘નામનું કોઈ મહત્વ નથી, તું તેને ‘મા’ કહેજે.’

columnists