જવાબદારી સમજો - (લાઇફ કા ફન્ડા)

25 March, 2020 08:20 PM IST  |  Mumbai | Heta Bhushan

જવાબદારી સમજો - (લાઇફ કા ફન્ડા)

દુનિયાભરમાં કોરોના રોગચાળાની ભયાવહ પરિસ્થિતિ છે, એમાં બધે જ ડર અને ચિંતાનું વાતાવરણ છે અને બધાએ ગમે કે ન ગમે છતાં પોતાનો જીવ બચાવવા અને કોરોનાનો ચેપ ન લાગે એ માટે ઘરમાં જ રહેવાનું છે. એક નાનકડી વાત છે.

જનતા કરફ્યુના દિને સાંજે પાંચ વાગ્યે તાળી, થાળી, ઘંટ, શંખ વગાડી ઉત્સાહમાં આવી બધાએ કોરોના મહામારી સામે લડતા દરેક સેવકોનો આભાર વ્યક્ત કર્યો. સાંજે છ વાગતાં તો જાણે બધા ચેપથી બચવા ઘરમાં જ રહેવાનું છે એ વાત ભૂલી ગયા હોય એમ ઘરની બહાર નીકળી પડ્યા હતા.

બે-ત્રણ દિવસથી ઘરમાં રહી કંટાળેલો કૉલેજિયન યુવાન રાકેશ હાથમાં ઍક્ટિવાની ચાવી ઘુમાવતાં બોલ્યો, ‘બહુ કંટાળી ગયો છું, જરા બહાર આંટો મારીને આવું છું.’ સમજદાર ભણેલા યુવાનનું આવું બેજવાબદાર વર્તન જોતાં તેના દાદાને ગુસ્સો આવ્યો, પણ ગુસ્સો કર્યા વિના તેઓ બોલ્યા ,‘રાકેશ, ઊભો રે, તારી મમ્મી કૉફી બનાવે છે, પીને જા.’

મમ્મી બધાની કૉફી એક જગમાં લઈ ટ્રેમાં કપ લઈને આવી અને પછી કપમાં કૉફી ભરવા લાગી. દાદાએ કહ્યું, ‘લાવ વહુ, હું કપ ભરું છું, તું નાસ્તો લઈ આવ. ઘરમાં બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ.’ આમ બોલી દાદા કપ ભરવા લાગ્યા અને કૉફીથી આખો કપ ભરાઈ ગયો છતાં કપમાં કૉફી રેડતા જ ગયા.’ આ જોઈને રાકેશ બોલી ઊઠ્યો, ‘દાદા, દાદા જુઓ તો ખરા, કૉફી બહાર ઢોળાય છે, અત્યારે લૉકડાઉન પરિસ્થિતિ છે અને તમે આમ દૂધ, કૉફી, ખાંડ વગેરેનો જાળવીને ઉપયોગ નહીં કરો તો કેમ ચાલશે? લાવો, હું કપ ભરું છું.’

દાદા રાકેશે હાથમાં પકડેલી ઍક્ટિવાની ચાવી હાથમાં લઈને બોલ્યા, ‘ભાઈ, તું જનતા કરફ્યુમાં ફરવા નીકળવાની વાત કરે છે અને મને પરિસ્થિતિ સમજાવે છે. બધે બહુ જ ખરાબ હાલત છે અને પરિસ્થિતિની ગંભીરતા જાણવા છતાં પોતાની જવાબદારી ન સમજતા તારા જેવા દરેક નાગરિક અત્યારે દેશ, સમાજ અને પરિવાર માટે જોખમી બની રહ્યા છે. તું અને તારા જેવા અનેક અત્યારે જાણે કરફ્યુ પૂરો થયો છે અને મહામારી સામે જંગ આપણે  જીતી ગયા છીએ એનો આનંદ ઊજવવા ઘરની બહાર નીકળશો અને તમે બધા જ હારનું કારણ બનશો. અભણ, નાસમજને સમજાવી શકાય, પણ તારા જેવા ભણેલા-મૂરખોને કેમ સમજાવવા.’ રાકેશને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તે દાદા સાથે બાલ્કનીમાં ઊભો રહીને બહાર નીકળેલા લોકોને બૂમ પાડી-પાડીને ઘરમાં રહેવાની અપીલ કરવા લાગ્યો.

દરેક નાગરિક આ આપત્કાલીન પરિસ્થિતિમાં પોતાની જવાબદારી સમજે, દરેક સૂચનાઓનું કડક પાલન કરે અને આજુબાજુ સૂચનાઓનું પાલન ન કરતા લોકોને સમજાવી પોતાની જવાબદારી નિભાવે એ જરૂરી છે. 

columnists heta bhushan