જીવનની સુવાસ - (લાઇફ કા ફન્ડા)

10 January, 2020 04:53 PM IST  |  Mumbai | Heta Bhushan

જીવનની સુવાસ - (લાઇફ કા ફન્ડા)

વસંત ઋતુના પવનની લહેરખી આવી અને છોડ પરની કળી આનંદિત થઈ ઝૂમી ઊઠી. નજીકના પાંદડાએ મોઢું મચકોડતાં કહ્યું, ‘જો નાનકડી કળી તરત ફુલાઈ ગઈ. મારી સામે તો તારા જેવી કેટલીયે કળીઓ ખીલીને કરમાઈ ગઈ. રોજ ખીલે અને રોજ ખરે, સાવ નાનકડું જીવન. આવા જીવનનો શું અર્થ. હોય તોયે શું અને ન હોય તોયે શું?’

કળીએ કઈ જવાબ ન આપ્યો તે તો પોતાની મસ્તીમાં ઝૂમતી હતી.

પાંદડાથી આ સહન ન થયું. તેણે આગળ કહ્યું, ‘આજે કળી થઈ ખીલી છે, કાલે ફૂલ થઈશ અને કાલ સાંજ સુધીમાં તો તું ખીલીને ખરી જઈશ અથવા માળી તને ચૂંટીને લઈ જશે. સાવ નાનું અને નકામું જીવન છે તારું.’

બીજે દિવસે સવારે કળી ફૂલ બનીને ખીલી અને સુંદર ફૂલ બની મીઠી સુવાસ રેલાવા લાગી. પાંદડાએ વળી કહ્યું, ‘ફૂલ બનીને શું કરીશ? રંગ, સુગંધ અને સુંદરતાનું ગુમાન. હમણાં થોડી વારમાં તારો અંત નજીક જ છે. બે ઘડીના જીવનનો શો અર્થ?’

ફૂલ ચૂપ ન રહ્યું. એ બોલ્યું, ‘જીવન નાનું હોય કે મોટું, સમય સાથે શું લેવા-દેવા. જીવન તમે કેવી રીતે જીવો છો, જીવનમાં કેટલી સુવાસ ફેલાવો છો એની પર જીવનની સફળતા છે, લંબાઈ પર નહીં. હું મસ્તી સાથે સુગંધ ફેલાવતાં-ફેલાવતાં મારા નાનકડા જીવનનો આનંદ માણીશ.’

પાંદડા પાસે ફૂલની વાતનો કોઈ જવાબ ન હતો એટલે મોઢું બગાડી બોલ્યું, ‘તારી આ બધી વાતોમાં મને કઈ સમજ ન પડે. હું તો એમ માનું છું કે જીવન ખૂબ લાંબું હોય, દરેક ઋતુનો આનંદ માણી શકાય તો જ જીવ્યા કહેવાય.’

ફૂલ પોતાની મસ્તીમાં પવન સાથે ઝૂમી રહ્યું અને સુવાસ ફેલાવતું રહ્યું. માળી આવ્યો અને ફૂલને ચૂંટીને લઈ ગયો. પાંદડું હસતાં-હસતાં બોલ્યું, ‘આવી ગયો તારા જીવનનો અંત.’

માળીએ બધાં ફૂલ અત્તરિયાને આપ્યાં. તેણે ફૂલને ઊકળતા પાણીમાં નાખી એનું અત્તર બનાવ્યું. ફૂલનો દેહ નાશ પામ્યો, પણ એનો આત્મા અત્તર બની મહેકી ઊઠ્યો. આ મૃત્યુ ન હતું, એને નવું જીવન પ્રાપ્ત થયું હતું.

આ બાજુ દિવસો વીતતાં પાંદડું સુકાયું, પવનના ઝપાટા સાથે જમીન પર ખરી પડ્યું અને પવન સાથે આમતેમ રઝળતું, ઊડતું, પછડાતું એક સાડીના પાલવ પર જઈ પડ્યું. એ પાલવમાં પેલા ફૂલના અત્તરની ખુશ્બૂ હતી. આ ખુશ્બૂ પાંદડાને સ્પર્શી ગઈ. એ બોલી ઊઠ્યું, ‘અરે, આ તો પેલા ફૂલની સુગંધ. ફૂલ તું અહીં, શું તું હજી જીવે છે?’

અત્તરમાંથી ફૂલનો આત્મા બોલ્યો, ‘મારો દેહ નાશ પામ્યો, પણ મારી જીવનસુવાસ હજી યથાવત્ છે. તારી આવી જીર્ણ દશા, તારે મન તો લાંબું જીવન જ અર્થસભર હતુંને. શું કર્યું તે જીવનમાં?’ ફૂલના પ્રશ્નનો પાંદડા પાસે કોઈ જવાબ ન હતો. પવનનો એક સપતો આવ્યો અને પાંદડું ઊડીને કચરામાં પડ્યું.

columnists