સફળ થવા માટે - (લાઇફ કા ફન્ડા)

08 November, 2019 02:21 PM IST  |  Mumbai | Heta Bhushan

સફળ થવા માટે - (લાઇફ કા ફન્ડા)

એક નાનકડો છોકરો, નામ તેનું રોહન. સ્કૂલમાં વેકેશન પડ્યું એટલે ગામડામાં દાદા-દાદી પાસે રહેવા ગયો. રોજ રાત્રે દાદા તેને સફળ વ્યક્તિઓની વાર્તા કહેતા.

એક દિવસ વાર્તા સાંભળ્યા બાદ રોહને પૂછ્યું, ‘દાદા, તમે રોજ સફળ વ્યક્તિઓની વાર્તા કહો છો, પણ મને એ સમજાવો કે સફળ થવા માટે શું કરવું જોઈએ?’

દાદાએ કહ્યું, ‘ચાલ, મારી સાથે.’ આટલું બોલી દાદા રોહનને બજારમાં લઈ ગયા. બજારમાંથી એકસરખા બે કૂંડાં લીધાં, એકસરખી માટી અને ખાતર લીધાં અને બે એકસરખા છોડ લઈને કૂંડામાં વાવી દીધા. બન્ને કૂંડાં લઈને ઘરે આવ્યાં.

ઘરે આવી દાદાએ એક કૂંડાને ઘરની બહાર ખુલ્લામાં મૂકી દીધું અને બીજા કૂંડાને જાળવીને ઘરની અંદર મૂક્યું. હવે રોહનને પૂછ્યું, ‘તને શું લાગે છે કે આ બેમાંથી કયો છોડ વધુ વિકસશે, જલદી વિકસશે?’

રોહને થોડું વિચારીને કહ્યું, ‘દાદાજી, મને લાગે છે કે જે છોડ ઘરની અંદર છે એ વધુ સારી રીતે વિકસશે.’

દાદાજીએ પૂછ્યું, ‘કેમ તુ એમ શું કામ કહે છે?’

રોહને કહ્યું, ‘આ ઘરની અંદરનો છોડ એકદમ સુરક્ષિત છે એટલે એ વધુ સારી રીતે ખીલશે અને બહાર જે છોડ છે એ બરાબર નહીં ખીલી શકે, કારણ કે એને ખૂબ તડકો, તોફાન, ધૂળ-માટી, કચરો, પાણી, જાનવરોથી નુકસાન થઈ શકે એમ છે.’

દાદાજી બોલ્યા, ‘જો રોહન, આજની આ વાત યાદ રાખજે અને તું દિવાળી વેકેશનમાં ફરી અહીં આવજે ત્યારે આપણે જોશું બન્ને છોડની શું સ્થિતિ છે?’

દિવાળી વેકેશન પડતાં જ રોહન દાદા-દાદી પાસે ગામડામાં આવ્યો અને આવતાં જ તરત પૂછ્યું, ‘દાદાજી, આપણે વાવ્યા હતા એ છોડમાંથી કયો વધુ ખીલ્યો કહો.’

દાદાજી તેને ઘરમાં સુરક્ષિત રાખ્યો હતો એ છોડ પાસે લઈ ગયા. છોડ સારો ખીલ્યો હતો અને ઘણાં ફૂલ આવ્યાં હતાં.’

રોહન ખુશ થઈ ગયો અને બોલ્યો, ‘જોયું દાદાજી, મેં કહ્યું હતુંને આ છોડ સુરક્ષિત છે એટલે બરાબર ખીલશે.’

દાદાજી હસ્યા અને તેને બહાર ખુલ્લામાં રાખેલા છોડ પાસે લઈ ગયા. એ છોડનો ઘણો સરસ વિકાસ થયો હતો અને અંદર રાખેલા છોડ કરતાં ઘણો વધારે હતો. ફૂલો પણ ઘણાં વધારે ખીલ્યાં હતાં.

રોહનને નવાઈ લાગી. તેણે કહ્યું, ‘દાદાજી, આમ કેમ? બહાર રાખેલા છોડે તો વધુ ખતરાઓનો સામનો કરવો પડ્યો હશે છતાં એ વધુ કઈ રીતે ખીલ્યો?’

દાદાજીએ કહ્યું, ‘એટલે જ એ વધુ ખીલ્યો. ખતરાઓનો સામનો કરતાં-કરતાં અને પોતાની રીતે સ્વતંત્રતાથી મૂળ ફેલાવી એણે જાતને વધુ મજબૂત બનાવી અને સફળ થયો. જ્યારે આપણે સલામત વર્તુળમાંથી બહાર આવી લડીએ છીએ ત્યારે વધુ વિકાસ કરી શકીએ છીએ.’

- હેતા ભૂષણ

columnists