સમય પર સમજ - (લાઇફ કા ફન્ડા)

06 April, 2020 06:56 PM IST  |  Mumbai | Heta Bhushan

સમય પર સમજ - (લાઇફ કા ફન્ડા)

એક દિવસ મહાન તત્ત્વજ્ઞાની સોક્રૅટિસ અને પ્લૅટો વચ્ચે એક વાત પર ચર્ચા થઈ. મૂળ મુદ્દો એ હતો કે ‘કોઈ પણ મુસીબત કે તકલીફ કે મુશ્કેલીની ક્ષણે ઉન્માદ વધે, ગુસ્સો આવે કે ઝઘડા થાય અને બેજવાબદારી કે નાસમજદારી ભર્યું વર્તન કોઈ પણ માણસ કરી શકે ત્યારે એ ક્ષણે શું કરવું?’

આ મુદ્દા પર ચર્ચા કરતાં પ્લૅટોએ કહ્યું, ‘જેમ બરફનું વાવાઝોડું આવે કે ભૂ વરસાદ કે ભૂ તાપ પડે તો આપણે આશરો, કોઈ છત્ર કે બચાવ માટે કોઈ આડાશ શોધીએ એમ સાચા જ્ઞાની માણસે શાંતિથી એક બાજુ બેસી જવું અને સામેવાળાનો ગુસ્સો કે ઉન્માદ ઓછો થાય પછી તેને સમય આવે સાચી વાત સમજાવવી.’

પ્લૅટોનો આ મત એકદમ સાચો છે, પરંતુ સોક્રૅટિસની વાત પણ સમજવા જેવી છે. સોક્રૅટિસે જણાવ્યું કે ‘હું માનું છું કે જો બનાવ બની જાય, જે થવાનું હોય સારું કે ખરાબ એ થઈ જાય પછી એના વિશે વાત કરવી કે સમજાવત આપવી એ તો નકામું વિવેચન જ કહેવાય પછી એ સમજાવટનો કોઈ અર્થ ન રહે. બનાવ બની રહ્યો હોય, મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો હોય ત્યારે જે કહો, જે સમજાવો એ જ સાચું કર્મ, એ જ સાચો મર્મ સમજાવે અને માણસને ખોટા નિર્ણય લેતા અટકાવી શકે.’

સદીઓ કાળ પહેલાં થયેલા આ મહાન તત્ત્વચિંતકોના એક મુદ્દા પરના આ બે જુદા-જુદા મત આજની પરિસ્થિતિમાં વિચારીએ તો બન્નેના મત ૧૦૦ ટકા સાચા અને અસરકારક સાબિત થાય છે. આજના આ દુનિયાભરમાં ફેલાયેલી મહામારીના સમયમાં જાતને મુશ્કેલી અને તકલીફમાંથી બચાવવા માટે પ્લૅટોનો મત સાચો છે કે ડાહ્યો માણસ તકલીફથી બચવા આડાશ, છત્ર શોધી શાંતિથી બેસી જાય છે અને આગળ શું કરવું એ પછી વિચારે છે. દરેક જણ સમજદાર બનો અને ઘરે જ રહો.

અને આજની દુનિયાભરની ફેલાયેલી મહામારીની પરિસ્થિતિમાં બેજવાબદાર, નાસમજ, ઉન્માદી માણસોને જો અત્યારે જ નહીં સમજાવીએ અને નહીં અટકાવીએ તો તેઓ પોતે દુઃખી થશે, પોતાના અને અન્યના જીવન સાથે રમત રમશે અને પછી કઈ કરવાનો કે તેમને સમજાવવાનો સમય પણ હાથમાં નહીં રહે. અહીં સોક્રૅટિસનો મત સાચો ઠરે છે કે આજે અત્યારે જ નાસમજોને સમજાવો, નહીં તો પછી બહુ મોડું થઈ જશે. દરેક જવાબદાર નાગરિક જાગો અને આજના તકલીફના સમયમાં જે કોઈ પણ નિયમ તોડી ખોટું કરતું હોય તેને આગળ આવી અટકાવો.

columnists heta bhushan