પ્રશ્નનો હલ - (લાઇફ કા ફન્ડા)

09 September, 2019 11:48 AM IST  |  મુંબઈ | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

પ્રશ્નનો હલ - (લાઇફ કા ફન્ડા)

એક નગરનો રાજા નિઃસંતાન હતો. પોતાના પછી કોણ રાજા બનશે એ માટે યુવરાજપદ માટે લાયક ઉમેદવાર શોધવા રાજાએ એક યુક્તિ કરી. રાજાએ એક નવો મહેલ તૈયાર કરાવ્યો અને એના ચાંદીના દરવાજા પર ત્રણ પ્રશ્નો કોતરાવ્યા; એક ગણિતનો પ્રશ્ન, એક વ્યાકરણનો પ્રશ્ન અને એક ભૂમિતિનો કોયડો. પછી જાહેર કર્યું કે ‘આ નવા મહેલના દરવાજા પર કોતરેલા ત્રણ પ્રશ્નોનો ઉત્તર શોધી પ્રશ્નો હલ કરશે ત્યારે જ આ દરવાજા ખૂલશે અને જે આ મહેલના દરવાજા ખોલી સૌપ્રથમ અંદર પ્રવેશશે તેને હું યુવરાજપદ આપીશ અને મારા પછી તેને રાજપાટ સોંપવામાં આવશે.’

રાજાની જાહેરાત સાંભળીને નગરમાંથી પોતાને હોશિયાર સમજનાર ઘણાબધા લોકો આવ્યા. પ્રશ્નોનો હલ શોધી દરવાજો ખોલી બધા યુવરાજ બનવા માગતા હતા. એક પછી એક બધા પ્રયત્ન કરતા રહ્યા હતા, પણ કોઈ આ પ્રશ્નોનો હલ શોધી શકતું નહોતું. ઘણા લોકોએ પ્રયત્ન કર્યા, પણ કોઈ દરવાજો ખોલી શક્યું નહીં. વાત દૂર-દૂર સુધી ફેલાઈ ગઈ. હવે તો જાણકાર વિદ્વાનો પોતાના થોથા લઈને આવ્યા, પણ ક્યાંય કોઈ હલ મળતો નહોતો.

એક ગરીબ ખેડૂત યુવાન દૂરથી આ બધું જોતો હતો. તેને થયું કે લાવ હું પણ પ્રયત્ન કરી જોઉં. તે ગયો. બધા હસવા લાગ્યા કે તને લખતાં-વાંચતાં માંડ આવડે છે અને આ પ્રશ્નો જેકોઈ હલ નથી કરી શક્યું એ તું કઈ રીતે કરીશ? પણ રાજાએ કહ્યું, ‘પ્રયત્ન કોઈ પણ કરી શકે છે.’ ખેડૂત યુવાન ધીમે-ધીમે ચાલીને મહેલના દરવાજા સુધી ગયો. પ્રશ્નો તો તેણે વાંચ્યા નહીં, પણ દરવાજાને બારીકાઈથી જોવા લાગ્યો. જ્યાં પ્રશ્નોની કોતરણી કરી હતી એના પર હાથ ફેરવીને જોયું અને દરવાજાને સહેજ ધક્કો માર્યો ત્યાં દરવાજો ખૂલી ગયો! બધાને નવાઈ લાગી. રાજાએ તેને યુવરાજ ઘોષિત કર્યો અને પૂછ્યું, ‘તને કેમ કરીને ખબર પડી કે દરવાજો ખુલ્લો છે?’

આ પણ વાંચો : મોંઘું ઘરેણું (લાઈફ કા ફન્ડા)

ખેડૂત યુવાને કહ્યું, ‘રાજાજી, મારી માતાએ મને શીખવ્યું કે કોઈ પણ તકલીફને કે મુશ્કેલીને દૂર કરવા માટે પહેલાં મન શાંત રાખીને એને બરાબર જાણવી અને સમજવી. મેં નજીક જઈને પ્રશ્નો હલ કરવાની શરૂઆત કરવાને બદલે પહેલાં દરવાજાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. પ્રશ્નોના જવાબ શોધવાથી દરવાજો કઈ રીતે ખૂલશે એ સમજવા મેં પ્રશ્નો પર હાથ ફેરવીને જોયું ત્યારે મને સમજાયું કે એવી કોઈ ગોઠવણ નથી અને દરવાજો જરા ધક્કો મારતાં જ ખૂલી ગયો.’ ઘણી વાર આપણે પડકારો, મુશ્કેલીઓને પૂરેપૂરી જાણ્યા વિના જ ઉપાય શોધવા મંડી પડીએ છીએ એથી જલદીથી ઉપાય મળતો નથી. મન શાંત રાખીને પ્રશ્નો-પડકારો બરાબર જાણવા અને સમજવા જરૂરી છે. બની શકે કે પ્રશ્નનો હાલ સાવ સહેલો હોય અને આપણે ખોટી દિશામાં પ્રયત્ન કરતા હોઈએ.

columnists