શોધ માણસની - (લાઇફ કા ફન્ડા)

26 February, 2020 05:32 PM IST  |  Mumbai | Heta Bhushan

શોધ માણસની - (લાઇફ કા ફન્ડા)

પ્રાચીન એથેન્સની વાત છે. પ્રાચીનકાળમાં એથેન્સ અને એથેન્સની સંસ્કૃતિ.

ચિંતકો-વિચારકો ઘણી પ્રગતિવાદી વિચારધારા ધરાવતા હતા. પ્રાચીન એથેન્સમાં મહાન વિચારક અને જ્ઞાની ડાયોજિનીસ થઈ ગયા. એમના વિચારો દુનિયાભરમાં ખ્યાતિ પામ્યા હતા.

ચિંતકો માથાફરેલ ગણાતા. પ્રખ્યાત ચિંતક ડાયોજિનીસ પણ આવું જ એક મજાકને પાત્ર બને અને લોકો પાગલ ગણે તેવું કામ કરતા. તેઓ હાથમાં સળગતું ફાનસ લઈને ભરબપોરે સૂરજના ઉજાસમાં, ફાનસના અજવાળે ભરીબજારમાં કંઈક શોધવા નીકળતા...અને અજવાળું હોવા છતાં ફાનસ આમતેમ ફેરવી કંઈક શોધતા રહેતા. લોકો તેમને જોઈ રહેતા. કોઈ પૂછે કે શું શોધો છો? અને ફાનસ કેમ અત્યારે સળગાવ્યું છે? તો ન સમજાય તેવું બોલતા ‘અજ્ઞાનના અંધારામાં માણસ ખોવાયો છે, માણસ શોધું છું.’ વળી કોઈ કહે ‘કયો માણસ, શું નામ છે એનું?’ તો ડાયોજિનીસ કહેતા ‘હું એક સાચો માણસ શોધું છું.’ લોકો પાગલ કહી આગળ વધી જતા અને ડાયોજિનીસ પોતાની શોધ આગળ ચલાવતા.

એક વખત સમ્રાટના દરબારમાં ડાયોજિનીસ હાથમાં ફાનસ લઈ પહોંચી ગયા અને બુલંદ અવાજે બોલવા લાગ્યા, ‘આવો ભાઈઓ, આવો માણસો, શાંત થાવ...મારી પાસે આવો, મારી વાત સાંભળો, હું તમને એક વાત સમજાવું.’ ડાયોજિનીસની આ હાકલ સાંભળી બધા લોકો તેમની તરફ જોવા લાગ્યા. તેમની પાસે ગયા. સમ્રાટે પણ સિંહાસન પરથી ઊભા થઈ પાસે જઈ પૂછ્યું, ‘ચાલો બધા આવી ગયા છે, શાંત પણ થઈ ગયા છે, શું કહેવું છે તમારે દરબારમાં ઉપસ્થિત માણસોને.’

ડાયોજિનીસ હસવા લાગ્યા અને મોઢું ફેરવી બોલ્યા, ‘અરે! હું તો ક્યારનો લોકોને નહીં, સાચા માણસોને બોલાવું છું, મને ‘માણસો’ જોઈએ છે...મને દિલથી ખરો અને ચહેરાથી સાચો માણસ જોઈએ છે. ચહેરા પર મોહરા પહેરેલા ખોટા લોકો સાથે તો હું વાત પણ નથી કરતો.’ આટલું બોલી ડાયોજિનીસ દરબારમાંથી ચાલ્યા ગયા.

મહાન ચિંતક ડાયોજિનીસનું આવું વિચિત્ર વર્તન શું કામ હતું. તેમનું આવું કટાક્ષભરેલું વર્તન સૂતેલા માણસોના મનને જગાડવા માટે હતું. સમાજને સાચા માણસની જરૂર છે તે સમજાવવા માટે હતું અને સમાજમાં ચારે તરફ બધા સ્વાર્થી, ખોટાબોલા, મહોરું પહેરેલા માણસો ફરી રહ્યા છે તેવું તેમણે લોકોને આવા વર્તન દ્વારા સમજાવવાની કોશિશ કરી હતી... અને આજે ડાયોજિનીસના વિચારોને સદીઓ વીતી પણ એક સાચા માણસની શોધ ચાલુ જ છે, કારણ માણસને બધું જ બનાવતા આવડે છે, પણ સાચા માણસ બનતા અને બનાવતા નથી આવડતું.

columnists heta bhushan