આ જીભને કાબૂમાં રાખો - (લાઇફ કા ફન્ડા)

23 October, 2019 04:00 PM IST  |  મુંબઈ | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

આ જીભને કાબૂમાં રાખો - (લાઇફ કા ફન્ડા)

એક દિવસ સાંજના દાદા-દાદી પાર્કમાં એક વૃદ્ધ મિત્રોની ટોળી અલક-મલકની વાતો કરી રહી હતી. આજુબાજુ લોકો ચાલી અને દોડી રહ્યા હતા. ફીટ લોકો તંદુરસ્ત રહેવા દોડવા અને ચાલવા આવ્યા હતા અને મોટાભાગે શરીરમાં સ્થૂળ લોકો જેમ-તેમ મહેનત કરી પરસેવો પાડી રહ્યા હતા. વૃદ્ધ મિત્રોની ટોળી બેઠી હતી ત્યાંથી થોડે જ દૂર બાળકોને રમવા મોકલી યુવાન મમ્મીઓ વાતો કરતી હતી.

યુવાન મમ્મીઓની વાતોમાં મોટેભાગે મારા સાસુ બહુ કચ કચ કરે છે, મારી નણંદ લુચ્ચી છે, મારી દેરાણી કામ નથી કરતી, મારી જેઠાણી જબરી છે વગેરે વગેરે... તેમની વાતોમાં બસ-બસ નિંદા જ નિંદા હતી. અને ઘરની નિંદા કરી થાક્યા બાદ ચૂગલી શરૂ થઈ કે ફલાણી મિત્ર તારા માટે આમ બોલતી હતી. પછી શાળાના ટીચરો બરાબર નથી અને પાડોશીઓ ખરાબ છે. બસ બધા મળી ક્યારના નકારાત્મક વાતો કરી રહ્યા હતા. થોડે દૂર બે ટીમ બાસ્કેટબોલ રમતી હતી ત્યાં ઝઘડો થઈ ગયો અને બધા ઝઘડવા લાગ્યા અને એકમેકને એલફેલ બોલવા લાગ્યા.

આ બધું જોતા એક વૃદ્ધ દાદાએ સરસ અવલોકન કર્યું અને એક પછી એક બધાં દૃશ્યો પોતાના મિત્રોને બતાવતા બોલ્યા કે આ બધાં દૃશ્યો - વાતો પાછળ એક જ વસ્તુ છે અને તે છે આપણી ‘જીભ.’ બધાને દાદાની વાતમાં રસ પડ્યો. ચાલતા – દોડતા ફીટ લોકો તરફ આંગળી ચીંધી દાદા બોલ્યા, ‘જુઓ, આ લોકો પોતાની જીભ પર કાબૂ રાખે છે એટલે કે સમજીને સ્વાસ્થ્યવર્ધક સાદો ખોરાક ખાય છે, તેઓ તંદુરસ્ત છે.’ પછી સ્થૂળકાય - માંડ ચાલી શકતા લોકોની વાત કરતા દાદા બોલ્યા, ‘જુઓ, આ લોકોએ પોતાની જીભ પર કાબૂ નથી રાખ્યો, જે ભાવે તે બધું નુકસાનકારક ખાધું છે અને ચરબીના થર શરીર પર જમા કરી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યું છે.’ પછી દાદાએ પેલી બધાની નિંદા કરતી મમ્મીઓના ગ્રુપની વાત કરી કે ‘આ લોકો પણ પોતાના સ્વજનો અને મિત્રોની બેફામ નિંદા કરી, એકબીજાની કાન-ભંભેરણી કરી સજ્જનોને નુકસાન પહોંચાડી રહ્યા છે.’ ઝઘડા કરતી બાસ્કેટબોલની બે ટીમના રમતવીરો તરફ જોઈ દાદા બોલ્યા, ‘જુઓ આ લોકો જીભ પર કાબૂ રાખ્યા વિના ગમે-તેમ બોલે છે અને પોતાના જ મિત્રો જોડે ખરાબ ભાષામાં વાત કરી રહ્યા છે.’

દાદાએ આ રસપ્રદ અવલોકન બધા મિત્રોને બતાવ્યું પછી બોલ્યા, ‘આપણે બધાએ આપણી જીભને કાબૂમાં રાખવી જરૂરી છે. જીભ બેકાબૂ બની સ્વાદના ચટાકા કરે તો સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. આ જીભ બેકાબૂ બની સામસામે એલફેલ બોલે તો સંબંધોને નુકસાન પહોંચે છે અને આ જીભ પાછળથી એકબીજાની નિંદા કરે તો સમાજને નુકસાન પહોંચે છે.’

columnists