લાઈફ કા ફન્ડા- પરવા કે અંકુશ

26 August, 2019 04:49 PM IST  |  મુંબઈ | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

લાઈફ કા ફન્ડા- પરવા કે અંકુશ

પ્રતિકાત્મક તસવીર

એક માનસશાસ્ત્રી પાસે એક આધેડ ઉંમરનું દંપતી આવ્યું. જીવનનાં ૩૦-૩૫ વર્ષ સાથે ગુજાર્યાં હોય એમ લાગ્યું. માનસશાસ્ત્રી સાથે વાત કરતાં-કરતાં દંપતી તેમની સામે જ ઝઘડવા લાગ્યું. પત્નીએ કહ્યું, ‘મારા પતિ સતત ફોન કરી પ્રશ્નો પૂછી શું કરે છે, કયા છે, કેટલા વાગે આવીશ. મને ગમતા રંગની સાડી કેમ ન લીધી વગેરે સવાલો પૂછ-પૂછ કરી મારી પર દબાવ, ચોકીપહેરો કરે છે.’
પતિએ કહ્યું, ‘જોયું ડૉક્ટર, આ મારી પત્ની કેવી વાત કરે છે. હું તેને પ્રેમ કરું છું, તેની ચિંતા કરું છું અને મને તેની પરવા છે એટલે સતત તેનું ધ્યાન રાખવા તેને કોઈ તકલીફ તો નથી એ જાણવા પ્રશ્નો પૂછ-પૂછ કરું છું પણ જુઓ મારી પરવા અને પ્રેમનો આ કેવો અર્થ કાઢે છે.’
ગુસ્સે ભરાયેલી પત્ની બોલી, ‘પરવા શું ધૂળ ને ઢેફા. તમે સતત મારી
પર તમારો દબાવ અને અંકુશ રાખવા માગો છો.’
માનસશાસ્ત્રીએ તેમને શાંત કર્યા અને બે દિવસ પછી આવવા કહ્યું.
તેમના ગયા પછી માનસશાસ્ત્રી વિચારવા લાગ્યો કે ‘એક વ્યક્તિ માટે જે પરવા કે ચિંતા-લાગણી હોય છે એ બીજાને દબાવ અને અંકુશ લાગવાનું કારણ શું? તેઓ વિચારવા લાગ્યા. ખરા અર્થમાં પરવા એટલે શું અને અંકુશ એટલે શું?
તેમને જવાબ ઘરે જઈને મળી ગયો. માનસશાસ્ત્રીનાં પત્ની અને તેમની યુવાન દીકરી વચ્ચે અમુક પહેરવેશ, ફરવું, મિત્રો બાબતે બોલાચાલી થઈ. બન્ને ગુસ્સે થઈ ગયાં. છેલ્લે રડવા લાગ્યાં. થોડી વાર પછી બન્નેનાં મગજ શાંત થતાં મા-દીકરીએ એકમેકને સૉરી કહ્યું. રાત્રે માનસશાસ્ત્રીને બધી વાતની ખબર પડી. રાત્રે જમતાં-જમતાં યુવાન દીકરીએ વાત કરી કે ‘પપ્પા, મમ્મીને હું શૉર્ટ ડ્રેસ પહેરું, મોડી આવું, તેમને ન ગમતા લોકો સાથે મિત્રતા કરું, આ બધું હું ખોટું કરું છું એ બાબતના ગુસ્સા કરતાં પણ હું તેમની વાત નથી માનતી, તેણે કહ્યું એ પ્રમાણે નથી કરતી એનો ગુસ્સો વધારે હતો.’
માનસશાસ્ત્રીને જવાબ મળ્યો. તેમની પત્ની ચિંતા અને લાગણીના નામે યુવાન દીકરી પર અંકુશ રાખવા માગતી હતી અને એટલે જ ઝઘડો થયો હતો. જો તમને સાચ્ચે કોઈની ચિંતા, લાગણી, પરવા હોય તો તમે ગુસ્સો ન કરો. વર્તન ખરાબ ન કરો, પણ તમારા મનની પરવા, ચિંતાની વાત તેને શાંતિથી સમજાવવાની કોશિશ કરો. માનસશાસ્ત્રીને બરાબર તફાવત સમજાયો કે કોઈ પણ સંબંધમાં જ્યારે પરવા અને લાગણીના નામે અંકુશ અને દબાવ લાદવામાં આવે છે ત્યારે ઝઘડા થાય છે. અંકુશ ભારરૂપ છે, સંબંધ તોડે છે. સાચી પરવા સંબંધ મજબૂત કરે છે. અંકુશ પીડા આપે છે, પરવા પીડામુક્તિ.
દરેકની પરવા કરો, પણ તેમની પર અંકુશ ન લાદો.

columnists