કોણ લઈને બેઠું છે આ ત્રાજવાં?

20 November, 2022 08:24 AM IST  |  Mumbai | Hiten Anandpara

જિંદગી માત્ર લેવાનું નામ નથી. એમાં આપવું પણ એટલું જ મહત્ત્વનું હોય છે

પ્રતીકાત્મક તસવીર

જિંદગી માત્ર લેવાનું નામ નથી. એમાં આપવું પણ એટલું જ મહત્ત્વનું હોય છે. પ્રેમ આપો તો પ્રેમ વધે અને નફરત આપો તો નફરત વધે. હુંસાતુંસી, ચડસાચડસી, તારીમારી કરવામાં સહન તો આખરે સંબંધોએ કરવાનું આવે છે. એમાં વિલન કોઈ ત્રાહિત વ્યક્તિ કે સ્વજન પણ હોઈ શકે. નેહા પુરોહિત ચેતવે છે...

ઘાવ આપે એ શસ્ત્ર મારાં નહીં

આવ પાસે, જણાવ, કોનાં છે?

તું પ્રતિકાર બાદમાં કરજે

શોધજે પેચદાવ કોના છે?

ચૂંટણીની મોસમમાં ઉત્તરાયણ ફિક્કી પડે એવા દાવપેચ ખેલાતા હોય છે. ગુજરાતની ચૂંટણીમાં ભલભલાં પ્રતિષ્ઠિત નામો બેસી ગયાં અથવા કહો કે બેસાડી દેવામાં આવ્યાં. આ મોસમ આક્ષેપો, આઘાતો, આક્રમણો, વિલાસી વચનામૃતોની હોય છે. લૂલી કાબૂમાં ન રહેતાં મામૂલી લાગતી બાબત પણ પક્ષની હારજીતમાં મોટો ફેર પાડી શકે. ખુરસીની બાબતમાં સારાનરસી ભુલાઈ જાય છે. ડૉ. મહેશ રાવલ ખુરસીને બદલે હૈયાસરસી વાતોમાં સારતત્ત્વ શોધે છે...

કેટલાક એવાય સરવાળા થયા છે

ફૂલ ઓથે શૂળ રૂપાળાં થયાં છે

કંઈક છે, જે આપે છે હૂંફ નિરંતર

એટલે આ શ્વાસ હૂંફાળા થયા છે

શિયાળાની મોસમમાં શાલ કે સ્વેટરની હૂંફ ખરીદી શકાય. જિંદગી જીવવા માટે જોઈતી હૂંફ વેચાતી નથી મળતી. તમે કંઈક આપો તો સામે કોઈક તમને આપે. આયુષ્યનો રસ્તો વન-વે નથી. બધા જ જો બત્રીસ લક્ષણા હોત અને ચોસઠ કળાઓમાં પ્રવીણ હોત તો એકબીજાને એકબીજાની જરૂર જ ન પડત. જિજ્ઞેશ વાળા હકારની વાતને આવકારે છે... 

ફૂલોથી સ્વાગત કરશું

ખુલ્લો છે દરવાજોજી

ઉત્તર આપે ભીંતો આ

મનને એવું માંજોજી

મન હંમેશાં ત્રાજવું લઈને બેઠું હોય. કોણ કેટલું કામ લાગે છે એના હિસાબે એ લેખાંજોખાં માંડે. જાતભલાઈ કરવામાં જાણતાં-અજાણતાં અન્યની બૂરાઈનો સહારો લેતા થઈ જવાય. પ્રગતિ આવશ્યક છે, વિકાસ જરૂરી છે; પણ એના માટે અન્યને ઠોકર મારવાની ચેષ્ટા હીન છે. અન્યને પાડીને આગળ વધવાનો શૉર્ટ કટ અનેકના દિલ-દિમાગ પર કટ્સ મૂકતો જાય. સુધીર પટેલ પાકટ નિરીક્ષણ કરે છે...

હદ વગરનું પ્રથમ દરદ આપે

બાદ મીરાં સરીખું પદ આપે

કીડી કે ગજ સમું છો કદ આપે

ચાહું કે લેશ પણ ના મદ આપે

જેનું કદ વધે એનામાં મદ આપોઆપ પ્રવેશી જાય. ગદગદ્ થવાનું ગૌરવ છોડીને ખદબદ થતી ખેવના સળવળતી રહે. પદની લાલસા સાલસતાની હદને વળોટીને સ્વાર્થની આરતી ઉતારતી થઈ જાય. રશિયાના સર્વેસર્વા પુતિનની જીદ, જોર અને જોહુકમીને કારણે આજે વાયા યુક્રેન આખી દુનિયાએ સહન કરવું પડે છે. દિનેશ ડોંગરે નાદાન આવી વક્રતાને આલેખે છે...

જેમ કોઈ આગને આપે હવા

એમ આપે એ સતત દર્દો નવાં

કોઈને નમતું મળે ના સ્હેજ પણ

કોણ લઈને બેઠું છે આ ત્રાજવાં?

બે ખાનદાન વચ્ચેનું વૈમનસ્ય કેટલીયે પેઢી સુધી ખેંચાતું હોય છે. નાની બાબતમાં બે મિત્રો વચ્ચે સર્જાયેલી ખાઈ ફરી પાછો રસ્તો બને તોય એમાં અનેક ભૂવા વણપુરાયેલા રહી જાય. બે દેશ વચ્ચેની હુંસાતુંસી અર્થકારણમાં અનર્થકારણ સર્જતી રહે. તુરાબ હમદમ એક શાશ્વત વાત તરફ નિર્દેશ કરે છે...

એક નાનું ઘર ચલાવી તો જુઓ

એટલે ઈશ્વર પૂજાતો હોય છે

કોઈ જડબાતોડ આપે છે જવાબ

પ્રશ્ન ક્યારેક જોખમાતો હોય છે

કુદરત જીવનની શરૂઆત દર્દથી કરે છે. જન્મ થાય ત્યારે જનેતાએ પ્રસૂતિની પીડા વહોરવી પડે જે પ્રસન્નતા તરફ લઈ જાય. આપણે જે પણ સિદ્ધિ કે ઉપલબ્ધિ મેળવીએ એ પણ અનેક પડકારો ઝીલ્યા પછી મળતી હોય છે. દર્દ, પીડા, પુરુષાર્થનાં સોપાનો સર કર્યા પછી સફળતા સુધી પહોંચી શકાય. સિક્કાની બે બાજુની હોય એમ ઈશ્વરે સુખ-દુઃખ, તેજ-તિમિર, પીડા-પ્રસન્નતાને આગળ-પાછળ રાખ્યાં છે. પ્રવીણ શાહ આ સત્યને નીરખે છે...

એક પળ પાનખર મૂકી ચાલે

પળ બીજી પારિજાત આપે છે

જીવવું લાગે ભાર કે જ્યારે

જિંદગી ચક્રવાત આપે છે

લાસ્ટ લાઇન

નજીક જાવ તો તમને મચક નહીં આપે

કોઈને આપશે, સૌને એ તક નહીં આપે

 

બધુંયે આપશે સંકોચ સાથે એ તમને

કશુંયે એમાંથી એ બેધડક નહીં આપે

 

સૂરજની જેમ ના જોઈ શકો તમે એને

સબબ, એ ચંદ્રને એવી ચમક નહીં આપે

 

ઉપરનું આભ તો હોવાનું સૌનું સહિયારું

જમીન જેટલું માથે ફલક નહીં આપે

 

છતાંય તૂટવાના હોય છે એ નક્કી છે

તમોને કોઈ પણ નિયમો કડક નહીં આપે

 

ભરત વિંઝુડા

ગઝલસંગ્રહઃ નજીક જાવ તો

columnists hiten anandpara