મોજાંઓ ઊછળતાં રોજ આવે છે

11 October, 2020 07:59 PM IST  |  Mumbai | Hiten Aanandpara

મોજાંઓ ઊછળતાં રોજ આવે છે

પ્રતિકાત્મક તસવીર

આપણે રોજ-રોજ થોડું-થોડું જીવીએ છીએ ને થોડું-થોડું મરીએ છીએ. ક્યાંક એકાદ ગમતી વાત બની જાય તો હોશ જેવું લાગે ને ક્યાંક આઘાતના સમાચાર આવે તો હોશ ઊડી જાય. દરિયાનાં મોજાં રોજ-રોજ કિનારે આવીને પાછાં વળે. એમને જે કહેવું હતું એ કહીને ચાલી જાય. છતાં યુગોથી જાણે વાત ખૂટતી જ ન હોય એમ પાછાં કિનારા સાથે ગોષ્ઠિ કરવા આવી જ જાય. નવી-નવી વાતોને અતિક્રમી નવા-નવા ફણગા હાથરસ ગૅન્ગરેપ કેસમાં ફૂટવા લાગ્યા છે. પાલઘર, દિશા, સુશાંત પછી હાથરસનો કેસ આપણને ચકરાવે ચડાવતો જાય છે. રાજકારણની મેલી રમત એવી રમાય છે કે રોજ-રોજ આપણે ઉલ્લુ બની જઈએ. મહારાષ્ટ્રના એક વગદાર પ્રધાનને ભ્રષ્ટાચારના કેસમાં બરી કરવામાં આવ્યા. એ પ્રધાનનો ચહેરો જુઓ તોય લાગે ૫૦૦-૬૦૦ ખોખાં તો આ બિરાદરે બનાવ્યાં જ હશે. સુનીલ શાહની પંક્તિઓમાં થોડી રાહત શોધીએ...

ચાલ આકાશમાં ઊડીને આવીએ

એક તારાને તો ચૂમીને આવીએ

રોજની આ તડપ, ને વ્યથાની કથા

થાય છે, આ બધું ભૂલીને આવીએ

વિપદાથી છેડો છોડાવવાનું મન થાય અને સમય પોતાના સમયે એ પીડા ભુલાવી પણ દેશે છતાં એ હોય ત્યાં સુધી તો એનો ભાર ઝેલવો પડે. આપણો દેશ પાડોશીઓ ઉપરાંત આર્થિક મોરચે લડી રહ્યો છે. કામધંધા ઠપ થવાને કારણે લોકો રોજબરોજની રોટી માટે લડી રહ્યા છે. પૂર્વ સોવિયેટ સંઘનો હિસ્સો રહેલા અઝરબૈજાન અને આર્મેનિયા હિંસક થઈને લડી રહ્યાં છે. બળાત્કારના કિસ્સાઓ કોરાનાની જેમ વધી રહ્યા છે અને પીડિતો ન્યાય માટે લડી રહ્યા છે. રોજરોજની લડાઈ ચાલુ જ છે. સવારનું અખબાર હાથમાં લઈએ એટલે રિષભ મહેતા કહે છે એવી અનુભૂતિ થતી રહેવાની...

દેખાય હસતા રમતા જે ચહેરા જુદા જુદા

એની ઉપર છે કેટલા પહેરા જુદા જુદા

ચાલો સમયનું નામ શકુનિ જ રાખીએ

ફેંકે છે રોજ રોજ એ પાસા જુદા જુદા

પાસા ફેંકાતા જાય અને દાવ રમાતા જાય એ આપણે હાથરસના ગૅન્ગરેપ કેસમાં જોયું. આખા બ્રહ્માંડ સુધી વ્યાપે એવી સહાનુભૂતિ દર્શાવવા વિરોધ પક્ષો સૂંડલેમોઢે ધસી આવ્યા. ગણતરીઓથી ઢંકાયેલો દાર્શનિક દેખાવ ખુલ્લો પડી જ જાય છે છતાં તેમને કોઈ અસર થતી નથી. ચામડી જાડી કરી-કરીને સોય તો શું ભાલો પણ ભોંકાય નહીં એટલી નફ્ફટાઈ તેમણે આબાદ કેળવી લીધી હોય છે. આમઆદમી કેલિડોસ્કોપમાં વિખેરાયેલા વિવિધ ચહેરાઓ જોઈને મૂંઝાઈ જાય કે આમાં સાચો ચહેરો કયો? આદિલ મન્સૂરી અવઢવને આલેખે છે... 

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે

હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં

નથી જગ્યા હવે આગળ કદમ ઉઠાવવાની

ને આ તરફ હવે પાછા ફરી શકાય ના

કેટલીક સીમા તય થઈ જાય પછી એને ઉલ્લંઘવી ભારે પડે. કેટલીક સમસ્યા ધીરે-ધીરે એવી વકરતી જાય કે સાપોલિયામાંથી અજગરમાં પરિવર્તિત થઈ જાય. કેટલીક પ્રતીક્ષા એટલી લંબાય કે મિલનની આશા પહાડમાંથી ચણોઠી જેટલી બની જાય. લક્ષ્મણ દુબેના કાસમ પટેલે અનુવાદિત કરેલા શેર પ્રમાણે અનિશ્ચિતતાની સાથે જીવવાની નિયતિ સ્વીકારવી અઘરી હોય છે...

નહીં આવશે એ હતી જાણ ‘લક્ષ્મણ’

છતાં રોજ ઘર મારું શણગારતો હું

આશાના નાના તાતણે માણસ ટકી જાય એ આશ્ચર્યની વાત છે. દીકરી મરિયમનો ખત આવે એ આશે અલી ડોસો રોજ પોસ્ટ-ઑફિસ જતો હતો. પ્રકૃતિના પ્રતીકની વાત કરીએ તો ફૂલ પતંગિયાની રાહ જોતું જ હોય છે. ભયંકર તાપથી અકળાઈ ગયેલી ધરતી મેઘરાજાની રાહ જોતી જ હોય છે. સમયસર આવે તો સારું, થોડા વિલંબ સાથે આવે તોય ચલાવી લેવાય, પણ આવે જ નહીં તો શ્વાસ અને વિશ્વાસ બન્ને અધ્ધર ચડી જાય. હર્ષ બ્રહ્મભટ્ટ એક વિશેષ કારણ આપે છે...

ભીડ દેખીને સદા હરખાઈ જાય

જો મળે ખુદને જ તો ગભરાઈ જાય

રોજ નીકળે છે મને મળવા અને

ક્યાંક રસ્તામાં કશે રોકાઈ જાય

 ક્યા બાત હૈ

દરદ, સંતાપ, એકલતા ઊકળતાં રોજ આવે છે

તમે ચાલ્યા ગયા તો કારમા ઘા રોજ આવે છે

 

જુએ છે તેમને તો આવીને છલકાય છે મોં પર

આ કેવું સ્મિત છે દિલબર જે મળવા રોજ આવે છે

 

હવે તો આવે છે કાયમ તમારી યાદની ભરતી

અને આંખેથી મોજાંઓ ઊછળતાં રોજ આવે છે

 

થયો છે સ્પર્શ પાવન માના હાથોનો એ દિવસથી

ઉદાસી ઉંબરા પર નાક ઘસવા રોજ આવે છે

 

પ્રથમ તો આ જીવનનો ભેદ ઉકેલાતો નથી ને ત્યાં

તમારી આંખથી ભેદી ઉખાણા રોજ આવે છે

 - રવિ દવે ‘પ્રત્યક્ષ’

columnists