હાર કે જીત આપણા જ હાથમાં હોય છે જીવનમાં નાનાં-મોટાં યુદ્ધ ચાલતાં જ રહે

07 January, 2021 02:18 PM IST  |  Mumbai | Jayesh Chitalia

હાર કે જીત આપણા જ હાથમાં હોય છે જીવનમાં નાનાં-મોટાં યુદ્ધ ચાલતાં જ રહે

પ્રતીકાત્મક તસવીર

જીવન એક એવું યુદ્ધનું મેદાન છે જ્યાં હારી જવાના વિચાર કરતા રહેશો તો ચોક્કસ હારી જશો અને જીતી જવાનો વિશ્વાસ રાખશો તો અવશ્ય જીતી જશો. હાર અને જીત આપણા આત્મવિશ્વાસ પર મોટો આધાર રાખે છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી હાર-જીત ચાલ્યા કરશે, દરેક તબક્કે લડાઈ ચાલુ રાખો. અલબત્ત, લડાઈ ક્યાં અને કેવી કરવી એ વિવેક જાળવવો ખરો...

એક નાની ઘટનાથી વાતની શરૂઆત કરીએ. એક નાના રાજ્યને મોટા દુશ્મન રાજ્ય તરફથી યુદ્ધની ચેતવણી અપાય છે. એ સમયે નાના રાજ્યનો સેનાપતિ ગભરાઈ જાય છે, કેમ કે તેને એમ જ થાય છે કે તેમની હાર નિશ્ચિત છે. પોતાની સેના નાની છે. તેણે રાજાને સલાહ આપતાં કહ્યું કે આપણે હાર સ્વીકારી લઈને શરણે થઈ જઈએ એમાં જ સાર અને ડહાપણ છે. રાજાને આઘાત લાગે છે કે સેનાપતિ અત્યારથી જ ગભરાઈ ગયો. રાજા આ મૂંઝવણ સાથે પોતાના ગુરુ સંત પાસે પહોંચે છે અને ગુરુને આ સમસ્યાનો માર્ગ સૂચવવા કહે છે. ગુરુ રાજાની વાત સાંભળી સૌપ્રથમ તો પેલા સેનાપતિને જેલમાં પૂરી દેવાનો આદેશ આપવા રાજાને કહે છે. રાજા તરત એ આદેશ બહાર પાડી સેનાપતિને જેલભેગો કરે છે. ત્યાર બાદ સંત-ગુરુ રાજાને કહે છે, તમે સારું કર્યું કે સેનાપતિને જેલમાં પૂરી દીધો. ચાલો, હવે હું સેનાપતિનું પદ સંભાળીશ અને યુદ્ધ પર જઈશ.

આત્મવિશ્વાસનું મહત્ત્વ સૌથી વધુ

આ સાંભળી રાજાને વધુ આઘાત લાગે છે. જેણે કોઈ દિવસ યુદ્ધ કર્યું નથી, તલવાર ઉપાડી નથી તે માનવી સેનાપતિ બનીને કઈ રીતે યુદ્ધ લડશે? તેને થયું, આ તો મારી મુસીબત હતી એ કરતાં પણ વધી ગઈ. તેમ છતાં રાજા તે ગુરુને ના પાડી શકતો નથી. સંતને લઈ તે રાજમહેલ જાય છે અને ગુરુ બધા સૈનિકોને યુદ્ધ માટે સજ્જ થવાનો આદેશ આપી યુદ્ધમેદાન તરફ નીકળી પડે છે. સૈનિકો પણ ચિંતામાં હતા કે આ સાધુ કઈ રીતે યુદ્ધ જિતાડશે? યુદ્ધે નીકળેલા આ સૈન્યના રસ્તામાં એક મંદિર આવે છે. સંતે સૈનિકોને કહ્યું, ‘ઊભા રહી જાઓ, આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. આ મંદિરમાં જે પ્રાર્થના થાય છે એ યથાર્થ ઠરે છે. આ પ્રાર્થના બાદ હું અહીં એક સિક્કો ઉછાળું છું, જો સિક્કો સીધો પડ્યો તો આપણે યુદ્ધ જીતી જઈશું એની ખાતરી મળી જશે અને ઊંધો પડ્યો તો આપણી હાર ગણવી.’ સૈનિકોને થયું, ચાલો સારું, અહીં જ પરિણામ સ્પષ્ટ થઈ જાય. સંત કહેતા રહે છે કે આ મંદિરનો મહિમા અપરંપાર છે, અહીં જે નિર્ણય આવે એ સાચો જ પડે છે. સિક્કો ઉછાળવામાં આવ્યો અને એ સીધો પડ્યો અર્થાત્ વિજય નિશ્ચિત થઈ ગયો. સૈનિકો પણ ખુશ થઈ ગયા. યુદ્ધમેદાન તરફ કૂચ આગળ વધી અને આ નાનું રાજ્ય આખરે વિજયી થઈને પાછું ફર્યું.

પાછા ફરતાં માર્ગમાં ફરી એ મંદિર આવ્યું એટલે સૈનિકોએ સંતને યાદ કરાવ્યું, આપણે આ વિજય અપાવનાર પરમાત્માને આભાર વ્યક્ત કરી દઈએ. સંતે કહ્યું, એની કંઈ જરૂર નથી. આમ જણાવી તેણે સૈનિકોને કહ્યું, જુઓ ભાઈઓ, આમાં પરમાત્માનો કોઈ હાથ નથી, તમારા આત્મવિશ્વાસની કમાલ છે. આ સિક્કો બન્ને તરફ સીધો જ હોવાથી એ પડ્યો ત્યારે સીધો જ દેખાય એ સહજ છે, પરંતુ આમ કરવાથી તમારી અંદર જીતનો આત્મવિશ્વાસ સ્થપાઈ ગયો અને આ જીતનો આત્મવિશ્વાસ જ વિજય લઈ આવ્યો. જ્યારે તમે કર્મ કે પ્રયાસ વિના હાર માની જ લો તો તમને કોઈ જિતાડી શકે નહીં. સૈન્ય કેટલું નાનું કે મોટું છે એના કરતાં સૈન્યનું

મનોબળ કેટલું મજબૂત છે એ વધુ મહત્ત્વનું ગણાય.

આ ઘટનાને કાલ્પનિક ગણીએ તોય આમાંથી જીવનમાં ઘણું શીખવા-સમજવા મળે છે. આપણે જીવનમાં નાની-નાની સમસ્યામાં સૌપ્રથમ તો મનથી હારી જઈએ છીએ, કારણ કે આપણી ભીતર નકારાત્મકતા વધુ હોય છે અને એનું બળ પણ વધુ હોય છે. પ્રથમ આપણે આપણી નકારાત્મકતાને હરાવવી પડે છે. એ નકારાત્મકતાને હરાવ્યા વિના આપણે આગળ વધીએ તો પણ આપણી હાર જ નિશ્ચિત થઈ શકે.

શું વૅક્સિન પછી બીજા રોગ નહીં થાય?

૨૦૨૦માં કોરોના કાળ બનીને આવ્યો, એમાં કેટલાય લોકો હારી ગયા. અનેક લોકો માત્ર ભયથી જ હારી ગયા, અસંખ્ય લોકો લડીને જીતી ગયા. આ યુદ્ધ કોઈ અમુક લોકો પૂરતું કે મર્યાદિત વિસ્તારમાં જ નહોતું બલકે વિશ્વભરમાં હતું. અલબત્ત, હજી પણ ચાલુ છે, પરંતુ હવે એની સામે વૅક્સિનનો ઉપાય પણ આવી ગયો છે. જોકે આ વૅક્સિન પણ યુદ્ધમાં કેટલી કારગત નીવડે છે એ આગામી સમય કહેશે. અત્યારે તો વૅક્સિન પણ એક કાલ્પનિક રાહત ગણાય. શું કોરોનાની વૅક્સિન લેવાથી અન્ય રોગોથી પણ મુક્ત થઈ જવાશે? મૃત્યુથી પર તો જગતની કોઈ વૅક્સિન કરી શકતી નથી.

આમ માનવીના જીવનનાં યુદ્ધ

મોસ્ટ પૉપ્યુલર ટીવી-શો કેબીસી (કૌન બનેગા કરોડપતિ રિયલિટી શો), ડાન્સ, ગીત-સંગીત સહિત વિવિધ રિયલિટી શોમાં આવતા કેટલાય સ્પર્ધકોની વ્યથા અને કથા યાદ કરવાનું મન થાય છે; કેમ કે એમાં લોકોના-આમ આદમીના રિયલ લાઇફ દાખલા છે, હાર્ડ રિયલિટી છે. આ સ્પર્ધકો તેમના જીવનમાં કેવા-કેવા સંજોગોમાંથી પસાર થયા હોય છે અને થતા હોય છે એ જાણીએ કે જોઈએ ત્યારે આપણે એવા સંજોગોની કલ્પનાથી પણ ગભરાઈ જઈએ એવી લાગણી થાય. આ લોકો પણ યોદ્ધા જ ગણાય, તેમના માટે આ યુદ્ધ જ હોય છે. એ પણ રોજેરોજ લડવું પડતું યુદ્ધ. આપણે આવા કેટલાય યોદ્ધાઓથી અજાણ છીએ. તે લોકો પાસે કંઈ નથી તોય એક સપનું કે લક્ષ્ય તો છે જ. જિંદગી હર કદમ એક જંગ હૈ… આમ આપણે ન બોલીએ તો પણ જંગ તો છે જ. હા, કોઈ જંગ નાનો કે ટૂંકો હોય તો વળી કોઈ મોટો કે લાંબો હોય. આપણી આસપાસ આવા અનેક લડવૈયાઓ જોવા મળતા હોય છે. આ માટે આપણી પાસે દૃષ્ટિ અને વિવેક જોઈએ. 

જીવન છે તો સંઘર્ષ રહેવાનો

જીવનમાં વિવિધ તબક્કે હાર-જીત માત્ર એક વારમાં પૂરી થઈ જતી નથી, એ તો નિયમિત ચાલતી પ્રક્રિયા છે. જીવન છે ત્યાં સુધી સંઘર્ષ છે અને સંઘર્ષ છે ત્યાં સુધી હાર-જીત રહે છે. કોઈ પણ હાર-જીતને આપણે કઈ રીતે મૂલવીએ છીએ એના પર પણ હાર-જીતનો મોટો આધાર રહે છે. ઘણી વાર આપણે જેને હાર માનતા હોઈએ એ આપણી જીત હોઈ શકે, જ્યારે કે ક્યારેક આપણે જેને જીત ગણતા હોઈએ એ હાર હોઈ શકે છે. આપણે કેટલીયે બાબતોને સમાજની કે દુન્યવી આંખોએ જોતાં-મૂલવતાં હોઈએ છીએ. ખરેખર તો જેમ મંઝિલ પર પહોંચવા કરતાં યાત્રાનું મહત્ત્વ અને આનંદ વધુ હોય છે એમ જીત કે હાર કરતાં યુદ્ધ લડવાનું મહત્ત્વ વિશેષ હોય છે. આ યુદ્ધ એટલે આપણું જીવનયુદ્ધ. ચીની ફિલસૂફ લાઓત્ઝે કાયમ કહેતા કે મને કોઈ હરાવી શકતું નથી, કારણ કે હું પહેલેથી જ હારીને બેસી જાઉં છું. આમાં બહુ ગર્ભિત અર્થ છે. લાઓત્ઝેની નબળાઈ કે પલાયનવાદ નથી, આ અલગારી ફિલસૂફના આ વિધાનનો મર્મ એ છે કે જિંદગી સાથે તમે જેટલો સંઘર્ષ કરો એટલી જિંદગી તમને પરેશાન કરી શકે છે, એનો સ્વીકાર કરી લો તો એ તમને હળવાફૂલ કરી દે છે. જ્યાં યુદ્ધ એ જ કલ્યાણ ત્યાં યુદ્ધ પણ કરો. અલબત્ત, જીવનમાં ક્યાં સ્વીકારભાવ રાખવો અને ક્યાં યુદ્ધભાવ રાખવો એ માનવીના વિવેક પર આધાર રાખે છે. 

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists jayesh chitalia